તારંગા તીર્થ માહીતી

ગુજરાતમાં પહાડ પરનાં તીર્થોમાં તારંગા વિશિષ્ટ તીર્થસ્થળ છે. વિ.સં. 1241માં શ્રી સોમપ્રભાચાર્યે રચેલા “કુમારપાળ પ્રતિબોધ” થી જાણવા મળે છે કે, વેણી વત્સરાજ નામના બૌદ્ધધર્મી રાજાએ અહીં તારાદેવીનું મંદિર બંધાવેલું ત્યારથી આ સ્થળ ‘તારાપુર’ નામે પ્રસિદ્ધિ પામ્યું છે. એ પછી આર્ય ખપુટાચાર્ય(વિક્રમની પહેલી શતાબ્દી) ના ઉપદેશથી તે રાજા જૈનધર્મી બન્યો ત્યારે તેણે જ અહીં જિનેશ્વરદેવની શાસનાધિષ્ઠાત્રી સિદ્ધાયિકાદેવીનું મંદિર બંધાવી જૈનોના તીર્થ તરીકે પ્રસિદ્ધિ આપી. એ પછીનો લગભગ તેરમા સૈકા સુધીનો આ તીર્થનો ઇતિહાસ અંધકારમાં છે.

તેરમા સૈકામાં તારંગાગિરિ ઉપર બંધાયેલો બાવન દેવકુલિકાવાળો ઉત્તુંગ દેવપ્રસાદ આજે પણ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ અને ગૂર્જરનરેશ કુમારપાળની લગગભ 800 વર્ષ પહેલાની કીર્તીગાથા સંભળાવતો અડગ ઉભો છે. તેને આજ સુધી આવો ગરવો અને સુરક્ષિત બનાવી રાખવા માટે કેટલાયે દાનવીર જૈન શ્રેષ્ઠીઓએ સમયે સમયે જિર્ણોદ્ધારો કરીને વિસ્તાર્યો પણ છે. આ પર્વત અને તેની ગુફાઓમાં કેટલાયે યોગીઓ, મુનિઓ અને સાધકોની સ્મૃતિઓ જડાયેલી પડી છે, એથી જ એ વંદનીય તીર્થરૂપ બન્યો છે.

પ્રાચીન જૈન પ્રબંધો અને તીર્થમાળામાં તારંગાને તારઉર, તારાવરનગર, તારણગિરિ, તારણગઢ, વગેરે નામોથી ઉલ્લેખવામાં આવ્યો છે. વર્તમાનમાં તારંગા નામ પ્રસિદ્ધ થયું છે. આ પહાડની રચના લગભગ ઇડરના પહાડ જેવી છે.

સ્ટેશનથી તાંરગાની તળેટી લગભગ ર માઇલ દૂર છે. તળેટીથી તારંગા પહાડનો ચઢાવ એક માઇલનો છે. વાહન-વ્યવહાર માટે પાકી સડક થઇ જતાં નીચેથી છેક ઉપર તીર્થના પ્રવેશદ્વાર સુધી વાહનો જઇ શકે છે.

પહાડ પર શ્વેતાંબરોનાં 5 મંદિરો અને ૩ ટેકરીઓ ઉપર ૩ ટૂંકો તથા અન્ય દેરીઓ છે. સુવિધા સંપન્ન ચાર ધર્મશાળાઓ તથા ભોજનશાળા છે. દિગંબરોનાં પણ પાંચ મંદિરો, 7 દેરીઓ અને ધર્મશાળા છે.

પૂર્વ દ્વારથી પ્રવેશ કરતાં ડાબી બાજુએ શ્રી અજિતનાથ મંદિરની સન્મુખ આશરે ત્રણ ફીટ ઉંચાઇવાળી એક દેરીમાં કીર્તિસ્તંભ વિદ્યમાન છે. તેના ઉપર કુમારપાળના છેલ્લા વર્ષ સમયનો લેખ વંચાય છે.

હાલમાં પ્રવેશ દક્ષિણ દિશાના દ્વારથી કરવામાં આવે છે.

પાંચ મંદિરોમાં શ્રી અજિતનાથ ભગવાનનું મંદિર કોટથી ઘેરાયેલું ઉન્નત અને વિશાળ છે. ઉચે પહોંચતા જ ‘અજિતનાથ વિહાર’ નામે ઓળખાતું મંદિર દ્રષ્ટિગોચર થાય છે. આ મંદિર બંધાવવા માટે કુમારપાળ નરેશે શ્રેષ્ઠી યશોદેવના પુત્ર દંડનાયક અભયને આદેશ કર્યો હતો.

‘પ્રભાવકચરિત્ર’ માં ઉલ્લેખ છે કે, કુમારપાળ રાજાએ અર્ણોરાજ ઉપરની ચડાઇ વખતે ભગવાન અજિતનાથની જે માનતા માની હતી તેની પૂર્તિરૂપે તેણે તારંગા ઉપર 24 ગજ ઉંચું મંદિર બંધાવ્યું અને તેમાં 101 આંગળ (ઇંચ) ની પ્રતિમા સ્થાપન કરી હતી.

‘પુરાતન પ્રબંધ સંગ્રહ’ ના ઉલ્લેખથી જણાય છે કે, જ્યારે અજયપાલે જૈનમંદિરોને ધરાશાયી કરવા માંડયાં ત્યારે વસાહ અને આભડ નામના મુખ્ય શ્રેષ્ઠીઓએ સંઘને એકત્રિત કરી કુમારપાળે બંધાવેલાં મંદિરને અજયપાલથી બચાવા માટે શો ઉપાય કરવો તેની વિચારણાં કરતાં એ સમયના સીલનાગ નામના અધિકારીને મળીને બાકી રહેલા તારંગાના મંદિરને બચાવવા માટે નિવેદન કર્યું. સીલનાગે યુક્તિ વાપરીને તારણગઢનું મંદિર અને બીજાં મળીને ચારેક મંદિર બચાવી લીધા હતાં.

આ મંદિર બત્રીશ માળ ઉંચું બંધાવેલું હતું, એમ પણ કહેવાય છે. આજે તો ત્રણ-ચાર માળનું જ વિધ્યમાન છે. મંદિરને પહેલી નજરે નિહાળતા કલાભ્યાસી શિલ્પીએ યોજેલી શિલ્પશાસ્ત્ર મુજબની સર્વાંગ સુંદર રચનાની પ્રમાણસરતા પામી જાય છે. શિલ્પીએ આલેખેલી જગતની ઉંચાઇ, જાડંબો, પદ્મો, કણી, અંતરણી, ગ્રાસપટ્ટી, કુંભો, કળશો વગેરે શિલ્પીય નિયમ મુજબ બરાબર યોજાયા છે. મંદિરમાં પાથરેલું કલાલેખન સાદું છતાં સુઘડ અને વિવિધતાવાળું હોવાથી મનોહર લાગે છે. સોલંકીકાળની સૌંદર્યકળાનો આ ઉત્તમ નમૂનો શિલ્પીય યોજનાનો આદર્શ અભ્યાસી આગળ ખડો કરે છે. અલબત્ત, એમાં પાછળથી થયેલાં સંસ્કરણો પણ નજરે પડે છે. સત્તરમાં સૈકામાં થયેલા શ્રી ઋષભદાસ કવિ ‘કુમારપાળરાસ’માં કહે છે કે, આ મંદિરના શિખરને કોઇ ક્ષતિ પહોંચી નથી એટલે એ પ્રાચીન કાળનું હોવાનું કહે છે.

પ્રાસાદનો મંડોવર અને શિખર ભાતભાતની કોતરણીથી ભરેલાં છે. મંદિરની પાછળ 64 દીવાલ માર્ગો છે, જેમાંની એકે દીવાલ નકશી વિનાની નથી. એમાં યક્ષો, ગાંધર્વો અને નર્તિકાઓની ભાવનાત્મક સૃષ્ટિ ઉભી કરી મૂર્તરૂપ આપવામાં મણા રાખી નથી. આબુનાં મંદિરો જેવી ઝીણી કોતરણી ન હોવા છતાં એની ભવ્યતા આંખને આંજી દે એવી તો છે જ. ખરેખર, આ મંદિર ની ઉંચાઇ અજોડ છે.

મંદિરને 230 ફીટ જેવડો લાંબો-પહોળો ચોક મળી ગયો છે. ચોકની બહાર મધ્યમાં 142 ફીટ ઉંચું, 150 ફીટ લાંબું અને 100 ફીટ પ્‍હોળું ભવ્ય મંદિર ગોઠવાયેલું છે. લગભગ 639 ફીટનો ઘેરાવો આ મંદિરે રોકી લીધો છે. સમગ્ર મંદિર ખારા પથ્થરથી બાંધવામાં આવ્યું છે. ઇંટ અને ચૂનાનું મિશ્રણ એવું સપ્રમાણ શાસ્ત્રીય દ્રષ્ટિથી કરવામાં આવ્યું છે કે આજે 800 વર્ષ વીત્યાં છતાંયે મંદિરની કોઇ સામગ્રીને આંચ આવવા પામી નથી.

મંદિરનું મુખ અને દરવાજો પૂર્વાભિમુખ છે. પૂર્વના દરવાજામાં પ્રવેશ કરતાં અંબિકા માતા અને દ્વારપાળની મૂર્તિઓનાં દર્શન થાય છે. મંદિરમાં પ્રવેશ કરવાની ત્રણે દિશાએ ત્રણ પ્રચંડ દરવાજાઓ છે. દરેક દરવાજાને ત્રિશાખા દ્વાર છે અને પ્રવેશદ્વારના ઉંબરમાં બંને બાજુએ ગ્રાસમુખ છે. પગથિયાં આરસનાં પણ સાદાં છે.

મંદિરના સિંહદ્વાર પાસે એક વિશાળ અગ્રમંડપ મંત્રી વસ્તુપાલે બંધાવ્યો હતો અને તેમાં બે બાજુએ બે વિશાળ ગવાક્ષો બનાવી ભગવાનની મૂર્તિઓ સ્થાપી હતી પરંતુ એ સ્થાપના અત્યારે વિદ્યમાન નથી. માત્ર લેખ સાથે આસનો મોજુદ છે.

મંદિરમાં મૂળ ગભારો ગૂઢમંડપ, રંગમંડપ અને છ ચોકીઓની વિભાગ રચના કરવામાં આવી છે. રંગમંડપમાંથી મૂળગભારામાં જવા માટે બે નાના દરવાજાઓ મૂકેલા છે. તે પછી જ મૂળ ગભારાનું પ્રવેશદ્વાર આવે છે મૂળગભારો 18 ફીટ લાંબો અને 23 ફીટ પહોળો છે. આખોયે ગભારો મકરાણાના આરસથી મઢેલો છે. મૂળગભારામાં મૂળનાયક તરીકે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ 15 હાથની ઉન્નત અને મનોહર છે. તેની બંને બાજુએ લાકડાની નિસરણી મૂકેલી છે. તે પર ચડીને મસ્તકે પૂજા થઇ શકે છે. આસપાસ પંચતીર્થીનું ભવ્ય પરિકર છે. મૂળનાયકની પલાઠી ઉપર ટૂંકો લેખ છે પણ તેનો ઘણો ખરો ભાગ અત્યારે ઘસાઇ ગયો છે.

સં.1479માં ઇડરના રહેવાસી શ્રેષ્ઠી સંઘવી ગોવિંદે આ તીર્થોનો ઉદ્ધાર કરાવવા પૂર્વક નવ ભારપદ (ભારવટ) ચડાવ્યાં અને સ્તંભો પણ કરાવ્યા તથા પોતાની ભાર્યા, જાયલદે વગેરે કુટુંબની સાથે કલ્યાણ માટે શ્રી અજિતનાથ ભગવાનની મૂર્તિ ભરાવી અને તેની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજીના હાથે કરાવી.

આ ઉલ્લેખને પં. પ્રતિષ્ઠાસોમે સં.1554માં રચેલા ‘સોમસૌભાગ્યકાવ્ય’ના સાતમા સર્ગના વિસ્તૃત વર્ણનથી સમર્થન મળે છે.

શ્રી વિજયસેનસૂરિએ કેટલાંક તીર્થોના ઉદ્ધારો કરાવ્યાં તેમાં તારંગાના મંદિરનો પણ ઉલ્લેખ છે અને એ ઉદ્ધારનો સં. 1642ના અષાઢ સુદિ 10નો લેખ મૂળ દેવળના દક્ષિણ દ્વારની ભીંત ઉપર વિદ્યમાન છે.

મૂળનાયકની બંને બાજુએ ખૂણામાં એકેક મૂર્તિ છે. એ બંને મૂર્તિઓના પરિકર ઉપર પણ લેખો ઉત્કીર્ણ છે. આ બંને લેખો પૈકી પહેલો સં. 1304ના બીજા જેઠ સુદિ-9 ને સોમવારનો અને બીજો લેખ સં. 1305ના અષાઢ વદિ 7 ને શુક્રવારનો છે. બન્ને મૂર્તિઓ ભુવનચંદ્ર અને પદ્મચંદ્ર વગેરે કુટુંબ સમુદાયે મળીને ભરાવી છે. બીજા લેખમાં શ્રી ધર્મઘોષસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિનું નામ વધારે છે. બંનેના પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રી ભુવનચન્દ્રસૂરિ છે.

આ પ્રાચીન પરિકરોમાં ગોઠવેલી મૂર્તિઓ પાછળથી સ્થાપન કરી હોય એવી સંભાવના થાય છે.

નીચેના ભાગમાં બન્ને બાજુએ ખૂણામાં એકેક મોટી સુંદર કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે.

આ બન્ને કાઉસગ્ગીયા ખેરાલુ અને પાલનપુરની વચ્ચે આવેલા સલમકોટ નામના ગામથી અડધો માઇલ દૂર રહેલા જૂના સલમકોટથી અથવા તેની આસપાસની જમીનમાંથી વર્ષો પહેલાં નીકળી આવ્યા હતા. ત્યાંથી લાવીને અહીં પધરાવવામાં આવ્યા છે. આ બંને કાઉસગ્ગીયાની વચ્ચે મૂળનાયકના સ્થાને એકેક મોટી ઉભી જિનમૂર્તિ બનેલી છે. અને તે બન્નેમાં મૂળ મૂર્તિની બન્ને બાજુએ તથા ઉપર થઇને બીજી નાની અગિયાર-અગિયાર જિનમૂર્તિઓ બનેલી હોવાથી લેખમાં આનો ઉલ્લેખ દ્વાદશબિંબ પટ્ટકના નામે કરેલો છે.

મૂળગભારાની આસપાસ પ્રદક્ષિણા પથ છે. તેમાં હવા-ઉજાસ માટે ત્રણ બારીઓ મૂકેલી છે. મૂળગભારા પછી ગૂઢમંડપ છે. આમાં એક ગોખલામાં મૂર્તિ છે. એ ગોખલો કોણે કરાવ્યો એ સંબંધે આપણને આબુના દેલવાડાના મંદિરના એક શિલાલેખનો પૂરાવો મળે છે.

વિ.સં.1296ના વૈશાખ સુદ 3ને દિવસે ઉત્કીર્ણ થયેલા આબુના લૂણ-વસહી શિલાલેખમાં વરહુડીયાવંશીય શેઠ નેમડના કુટુંબના માણસોએ આબુ અને એ સિવાયનાં બીજા તીર્થો અને ગામોમાં પણ મંદિરો, મૂર્તિઓ, ગોખલા, દેરીઓ તથા જિર્ણોદ્ધાર વગેરે જે જે કારાવ્યું હતું તેનો ઉલ્લેખ કરેલો છે. તેમાં તારંગા વિશે આ પ્રમાણે ઉલ્લેખ છે.

“તારણગઢ ઉપર શ્રી અજિતનાથ (મંદિર) ના ગૂઢમંડપમાં શ્રી આદીનાથના બિંબથી યુક્ત ગોખલો કરાવ્યો.”

આ શિલોલેખીય પુરાવો ઉક્ત સાલથી પૂર્વે મંદિર બનાવ્યાની હકીકતને પણ પ્રમાણિક ઠરાવે છે.

મંદિરનો રંગમંડપ 190 ફીટના ઘેરાવામાં છે અને ઘૂમટ અષ્ટભદ્ર અને ષોડશભદ્રવાળા આઠ સ્તંભો ઉપર ઉભો છે. આ સ્તંભોની ઉંચાઇ 15ફીટ અને જાડાઇ 8ફીટની છે. પાછળથી કાળજી પૂર્વક મુકાયેલા બીજા 16 સ્તંભો એને સહારો આપે છે. સમગ્ર મંદિરને સુરક્ષિત ટેકવી રાખવા માટે મંદિરની અંદર અને બહાર સો કરતાંયે વધુ સ્તંભોની હારમાળા ઉભી કરેલી છે. સ્તંભોની રચના સાવ સાદી છે. તેના નીચલા છેડે કુંભીઓ અને ઉપરના છેડે શિર મૂકેલાં છે. ઘૂમટમાં વિદ્યાધરો અને દેવદેવીઓની નૃત્યપૂતળીઓ વિવિધ રંગોમાં નાટ્યની વાદ્યસામગ્રી સાથે અંગમરોડનો અભિનય દર્શાવતી ઉભી છે. નૃત્યના આ ભક્તિપ્રકારો ભારતીય કળાના સંસ્કારનું સ્મરણ કરાવે છે. આમાં બીજી શિલ્પકોતરણી નથી. બીજી રીતે ઘૂમટ તદન સાદો છે. વિશાળતા એજ એનું ગૈરવ છે.

સભામંડપના એક ગોખલામાં આચાર્યની એક મૂર્તિ બિરાજમાન છે. તેની નીચે નામ કે લેખ નથી પંરતુ સંભવ છે કે તે શ્રી હેમચંદ્રચાર્યની મૂર્તિ મનાય છે.

છ ચોકીના ઘૂમટનો દેખાવ મનોહર છે. તેની છતમાં સાદું પણ સુરેખ અંકન છે. શૃંગારચોકીની છતમાં પણ બારીક કોતરણી ભરી છે. આ બધી શિલ્પીય કળા જોઇને ઘડીભર તો મુગ્ધ થઇ જવાય છે.

મંદિરને ત્રણ માળ છે ને માળની રચના ઘડીભર ભૂલાવામાં નાખી દે તેવી છે. મંદિરને સુરક્ષિત રાખવા માટે આ માળમાં ‘કેગર’ નામના લાકડાનો ઉપયોગ કરેલો છે. આવા લાકડાનો ઉપયોગ બીજા મંદિરમાં જવલ્લેજ જોવા મળે છે. આ લાકડું આગથી નાશ પામતું નથી, ઉલટું આગ લાગવાથી તેમાંથી પાણી છૂટવા માંડે છે. શિખર સુધી પહોંચવા માટે દીવાલ માર્ગ છે. અને વચ્ચે રહેલા વિશાળ ગોળાકાર મંડપમાં 11 પ્રતિમાઓ અને એક ધ્વજાદંડ પુરૂષની આકૃતિમાં દર્શન થાય છે. આ ભવ્ય મંડપની કારીગરી અદ્દભુત છે.

મંદિરની પૂર્વ દિશાના દરવાજા પાસે હાથ તરફ એક દેરીમાં શ્રી અજિતનાથ ભગવાનની મોટી પાદુકા જોડી 1 છે. તથા વીસ વિહરમાન જિનની જોડી 20 છે. તેની પાસેની એક દેરીમાં શ્રી વિજયસિંહસૂરિ તથા શ્રી સત્યવિજય પંન્યાસ આદિનાં ચરણપાદુકા જોડી 9 છે. બીજી એક દેરીમાં પ્રાચીન પાષાણનાં ઘડેલા ચૌમુખજી છે.

તેની પાસે ચૌમુખજીનું શિખરબંધી મંદિર છે. તેમાં પીળા રંગની ચાર ચૌમુખ મૂર્તિઓ છે.

તેની પાસે સહસ્ત્રકૂટનું એક મોટું દેરાસર છે. મંદિરના મધ્ય ભાગમાં જ આરસમાં કોતરણી સહસ્ત્રકૂટની રચના છે, જેમાં 1024 ભગવાનની મૂર્તિઓ કોતરેલી છે.

આ મંદિરના ચારે ખૂણામાં આ પ્રમાણે આરસમાં રચના કરેલી છે. (1) સમવસરણની રચનામાં ચૌમુખજીની ચાર મૂર્તિઓ બિરાજે છે. (ર) બીજા ખૂણામાં ચરણપાદુકા જોડી છે. તેની વચ્ચે, ચાર નાના કદના થાંભલા મૂકીને તેના ઉપર એક સ્તૂપ જેવો આકાર ખડો કર્યો એ સ્તૂપમાં એક બાજુએ વીશસ્થાનક યંત્રનો પટ કોતરેલો છે. તેની એક બાજુએ મધુબિંદુનો ભાગ આલેખેલો છે. બીજી બાજુએ સિદ્ધચક્ર ભગવાનનું યંત્ર ઉત્કીર્ણ છે. તેમજ ચૌદ રાજલોકનો ભાવ અંકિત કર્યો છે. (3) ત્રીજા ખૂણામાં અષ્ટાપદની રચના છે, અને (4) ચોથા ખૂણામાં સમેતશિખરનો ભાવ કોતરેલો છે.

સહસ્ત્રકુટ મંદિરની પાસે જ નંદીશ્વર દ્વીપની રચનાનું શિખરબંધી મોટું મંદિર છે. મંદિરના મધ્યભાગમાં આરંભમાં કોતરેલી જંબૂદ્વીપ આદિ સાત સમુદ્રોની રચના કરી છે. નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયના બાવન પર્વતોનો દેખાવ કરી તેના ઉપર બાવન ચૌમુખજી ગોઠવેલા છે.

સહસ્ત્રકૂટનું સં. 1873માં અને નંદીશ્વરદ્વીપનું મંદિર સં. 1880માં શ્રીસંઘે બંધાવ્યાં છે. એ સંબંધી શિલાલેખો વિદ્યમાન છે.

મુખ્ય મંદિરની પાછળ શ્રીસંભવનાથજીનું શિખરબંધી દેરાસર છે. પાસેના ખૂણામાં એક વિશાળ ચોતરા ઉપર નાની નાની બે દેરીઓમાં યતિઓનાં ચરણપાદુકા સ્થાપન કર્યા છે.

રાજર્ષિ કુમારપાળ તથા ૩૨ સોનામહોરો અને મૂષક એટલે કે ઉંદર આ ત્રણને સાંકળતી એક અનુશ્રુતિ-વાર્તાને આધારે આ તીર્થને મૂષક વિહાર પણ કહેવામાં આવે છે.

વરસોના વહેણ સાથે કાળની થપાટો અને સમયના પ્રવાહે મંદિરને જીર્ણ- શીર્ણ બનાવ્યું તો કળાના ઉત્કૃષ્ટ નમૂના જેવા બાહરી વિસ્તારના શિલ્પના રૂપકામો ખંડિત બની ગયાં, ઘસાઇ ગયા અને માટી-વરસાદ વગેરેના લીધે પોપડાં બાઝતા ગયા અને કાળક્રમે માટીના થર બાઝી ગયા. ક્યાંક હાથ અડધા ખંડિત બની ગયા તો કોક શિલ્પના આંગળા તૂટી ગયાં. ક્યાંક ખભા ક્ષત વિક્ષત બની ગયાં, અને દેખાવમાં પણ બદસૂરત થઇ ગયાં. આ દરમ્યાન એની સુરક્ષાના ઉદેશ્યથી અથવા વધુ કાળા ન પડે એ હેતુથી એના ઉપર ચૂનાના થપેડા કરાયા અને ઉપરાઉપરી ચૂનાના લપેડાઓએ સમગ્ર શિલ્પને ઢાંકી દીધું. વહીવટી પ્રશ્નો અને સાચવણીની સમસ્યાઓ ગંભીર બનતી ચાલી. જોકે આસપાસના સંઘોએ આ તીર્થને સાચવ્યું, સંભાળ્યું. છેવટે ટીંબાના જૈન સંઘ તથા તારંગાજી જૈન શ્વેતાંબર તીર્થ કમિટિએ વિ.સં. 1977, (ઇસ્વીસન 1921) માં આણંદજી કલ્યાણજી પેઢીને વહીવટ સોંપ્યો.

ઇસ્વીસન્- 1963માં પેઢી તરફથી આ તીર્થના શ્રી અજિતનાથ સ્વામી જિનાલયનો સર્વાંગી જિર્ણોદ્ધાર પ્રારંભાયો. જિર્ણોદ્ધાર, પુન:નવીનીકરણની આ તમામ પ્રક્રિયા પેઢીના તત્કાલીન પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓની દેખરેખ અને પ્રખ્યાત સોમપુરા મનસુખભાઇના નિર્દેશન હેઠળ તેમના સહયોગીઓ તથા સહકાર્યકરો દ્વારા પ્રારંભાઇ.

આ સમગ્ર કાર્યવાહી અત્યંત મહેનત, ધીરજ, કાળજી અને પરિશ્રમ માંગી લે એવી હતી. જેમાં પૂતળીઓના અંગોપાંગ, ખંડિત અંગોપાંગ કે એના તૂટેલા હિસ્સાઓ પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસથી નિર્મિત કરીને ગોઠવીને જોડીને જોયા. પછી એકદમ બરાબર ઉપયુક્ત લાગતા એને મૂળના જેવો પાષાણ મેળવીને ઘડવામાં આવ્યા અને પછી એવી રીતે જોડી દેવામાં આવ્યા કે ક્યાંક, કોઇ રીતે સંધાણ વર્તી ના શકાય, સાન્ધા કે જોડ-તોડ કળી ના શકાય. આ કામ જેવું તેવું ન હતું. પણ શેઠ કસ્તુરભાઇની કલાની કુનેહ અને કળા સ્થાપત્યની પુનઃસ્થાપનાની તેમની સૂઝબુઝ કામ લાગી. અને એમને જે શિલ્પી મળ્યા તે મનસુખભાઇ તથા તેમના સાથી કારીગરોની કુશળતા-દક્ષતાને લીધે અસંભવ લાગતી વાત સંભવ બની. સોમપુરાઓએ ખરેખર શિલ્પના પુન:સ્થાપનમા પ્રાણ ભરી દીધા. ચતુર્વિધ સંઘના પરમ પૂણ્યોદયે, પૂજ્ય આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતોના આશીર્વાદ સાથે તીર્થ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવતા આરાધકો-સાધકોની સૂક્ષ્મ ઉર્જાના બળે, નિષ્ણાંત સોમપુરાના સમુચિત માર્ગદર્શન અને દોરવણીના તળે આ કાર્ય સમ્પૂર્ણ થઇ શક્યું. જોકે એમાં 13 વરસના વ્હાણા વાયા. શક્તિ, સમ્પતિ અને સમયનો સારો એવો સદ્દવ્યય થયો. એ વખતે લગભગ રૂ. 15 લાખ નો વ્યય થયો. આ કાર્ય મુશ્કેલ અને ઉચ્ચકક્ષાની આવડત ઉપરાંત ધીરજ અને સૂઝ માંગી લે તેવુ હતું.

નિમ્ન ત્રણ સ્થાનો તારંગાની ટૂંકો રૂપે પણ જાણીતા છે.

કોટિશિલા:- (ટૂંક-1) મુખ્ય મંદિરથી દક્ષિણ દિશામાં અડધો માઇલ દૂર જતાં કોટિશિલા નામનું સ્થળ આવે છે, એ માર્ગે જતાં વચ્ચે એક તળાવ, વિશાળકાય પાણીની વાવ અને કૂવો આવે છે. તેની જોડે લાડુશાવીરનું મંદિર આવે છે. ત્યાંથી કોટિશિલા તરફ જવાનો રસ્તો જુનો હતો. ટેકરી ઊંચી છે, રસ્તામાં ગુફાઓ આવે છે, બે પત્થરના બનેલા ખડકોમાંથી રસ્તો નીકળે છે. પહાડની ઉંચી ટેકરી ઉપર એક વિશાળ શિલા ઉપર આ સ્થાન બનેલું છે. અહીં કરોડો મુનિઓ સાધના કરી મુક્ત થયા હતા, તેથી તેનું નામ ક્રોડ શિલા-કોટિશિલા કહેવામાં આવે છે. આ ટેકરી બહુ ઊંચી છે. આ કોટિશિલા માટે ‘હીર સૌભાગ્ય’ નામના સંસ્કૃત કાવ્ય ગ્રંથમાં કહ્યું છે કે, (હિમાલય–કૈલાસ પર્વત જેવા ઉત્તુંગ-ગગનચુંબી પર્વત ઉપર કરોડ સંખ્યાના મુનિઓ જાણે શિવ વહુ (મુક્તિ રૂપી વધુ) વિવાહના ઉત્સવ પ્રસંગે સ્વયંવરની ભૂમિ જેવી કોટિશિલા વિદ્યમાન છે- અહીં કરોડો મુનિઓ મોક્ષે ગયાની વાતને આલંકારિક રીતે પ્રસ્તુત કાવ્ય હીર સૌભાગ્યના કર્ત્તા દેવવિમલ વાચકે ગૂંથી છે.)

એક મોટા ચોતરા ઉપર વચ્ચે મોટી દેરીમાં ચૌમુખજી તરીકે પાર્શ્વનાથ ભગવાનની ચતુર્મુખ પ્રતિમાઓ છે. અને વીસ વિહરમાન જિનનાં ચરણપાદુકા છે. ચરણપાદુકા ઉપર સં. 1822ના જેઠ સુદિ-11 ને બુધવારે તપાગચ્છીય શ્રી વિજયધર્મસૂરિશ્વરજીએ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે.

મોક્ષબારી;- (ટૂંક-2)– મુખ્ય મંદિરથી પૂર્વ દિશામાં અડધો માઇલના અંતરે એક શિખરની ટોચ ઉપર દેરી બનાવેલી છે. આ સ્થાને ‘પાપ અને પુણ્યની બારી’ પણ કહેવામાં આવે છે. દેરીમાં શ્રી અજિતનાથ ભગવાન વગેરેનાં ચરણપાદુકા છે. પ્રાચીન મોટા ચરણપાદુકા ઉપર બીજા ગોઠવેલા ચરણપાદુકા છે, જેનાં પર સં. 1866નો લેખ છે. અહીં એક ખંડિત મૂર્તિનાં પણ દર્શન થાય છે. આ દેરીના ઉપલા ભાગે સાદા પરિકરવાળી ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચિન છે. ગાદી નીચે સં. 1235 વૈશાખ સુદિ 3નો લેખ છે.

સિદ્ધશિલા: (ટૂંક-3)– મુખ્ય મંદિરથી દક્ષિણ- પશ્ચિમના વાયવ્ય કોણમાં એક ટેકરી ઉભી છે જે “સિદ્ધશિલા” તરીકે ઓળખાય છે. આ ટેકરી પરની શ્વેતાંબર દેરીમાં ચૌમુખજીની ચાર પ્રતિમાઓ છે જેમાં ભગવાન સુપાર્શ્વનાથ, પાર્શ્વનાથ, અરનાથ તથા નેમિનાથની પ્રતિમાઓ છે. તેના ઉપર સં. 1836નો લેખ છે.

અહીં 1 મોટી તથા 2 નાની કુલ 3 શ્વેતાંબર દેરીઓ છે. આ બન્ને ટેકરીઓ સુધી જવાના રસ્તા અને પગથિયા વગેરેનું સમુચિત સમારકામ પેઢી તરફથી કરવામાં આવ્યું છે.

મુખ્ય મંદિરથી ટીંબા તરફના રસ્તામાં બે દરવાજાવાળી ગુ઼ફાઓ બાંધેલી છે. આસપાસની ભૂમિ ઉપર કેટલાંયે અવશેષો નજરે ચડે છે. તળેટી અને ટીંબાના રસ્તે કિલ્લાની પ્રાચીન ભીંતો ધ્વસ્ત હાલતમાં દેખાય છે.

વર્તમાનમાં તો આ તીર્થનો વિકાસ સારો એવો થયો છે. આણંદજી કલ્યાણજી પેઢી તીર્થના સંરક્ષણ – વિકાસ અને સમગ્ર વ્યવસ્થા તંત્રનું સંચાલન કરે છે.

વ્યવસ્થાથી સુસજ્જ ધર્મશાળાઓ, ભોજનશાળા વગેરેની વ્યવસ્થા સુંદર હોવાથી અહીં આવનારા સંઘો તથા અન્ય યાત્રિકો ને વિશાળ ધર્મશાળાઓમાં તમામ સગવડતાઓ મળી રહે છે. ભોજનશાળાની વ્યવસ્થા અલગ ટ્રસ્ટ સંભાળે છે.

ગુજરાતની અનેક સ્કૂલના બાળકો તારંગા પર્વતના શૈક્ષણિક પ્રવાસે આવતા દેરાસરના દર્શનાર્થે પણ આવતા હોય છે.

તળેટીની ઉત્તર દિશામાં દોઢેક માઇલના અંતરે તારણમાતાનું મંદિર છે. તારાદેવીની મૂર્તિ સફેદ પાષાણમાંથી બનાવેલી છે. આ મંદિર પ્રાચીન છે.

આ મંદિર પાસે ધારણદેવીનું મંદિર પણ એક ગુફામાં છે. મંદિરમાં આઠેક બૌદ્ધ મૂર્તિઓ છે.

મુ્ખ્ય મંદિરથી વાયવ્ય ખૂણામાં એક ગૂફા છે. તેને લોકો “જોગીડાની ગુફા” કહે છે. આ ગુફામાં એક લાલવર્ણી પથ્થરમાં બોધિવૃક્ષ નીચે ચાર બુદ્ધ મૂર્તિઓ કંડારાયેલી જોવાય છે.

દર વર્ષે કાર્તિકી અને ચૈત્રી પૂર્ણિમાએ અહીં મેળા ભરાય છે.

ભારતભરના જૈન સંઘો માટે આજે આ તીર્થ બેનમૂન કળા અને સ્થાપત્યનું જીવંત સ્મારક તરીકે ઉપસી આવ્યું છે. કુદરતની પર્વતીય, વનરાજી, વૃક્ષો, ઝરણાંઓ, શાંત નીરવતાસભર વાતાવરણ, સ્વચ્છ, શુભ્ર આકાશના તળે ઉભેલા આ તીર્થના દેરાસરમાં, પરિસરમાં પરમાત્મ ભક્તિ, પ્રીતિ, આરાધના/સાધનાના સહારે સાધકો સમત્વની આત્માનુભૂતિમાં એકાકાર બની જાય છે.

આ તીર્થની ભૂમિ પાવન છે. અહીંના રજકણ પવિત્ર છે. આ જગ્યા પાપક્ષયકારી છે. કારણ અહીં ઉત્તુંગ જિનાલય છે. દ્વિતીય તીર્થંકરની વિશાળકાય મનોનયનકારી જિનપ્રતિમા છે. ભક્તિના ભાવોથી પ્રભાવી વાતાવરણ છે- ભાવસભર લાખો- કરોડો યાત્રાળુઓના શુભ ભાવ, ભક્તિ અને શ્રદ્ધાના સ્પંદનો, આંદોલનો અહીં જીવંત બનીને સચવાયેલા છે.

વર્ષગાંઠ

મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનની વર્ષગાંઠ આસો સુદ- 10 (દશેરા)ના દિવસે ઉજવવામાં આવે છે.

પ્રસંગો

મૂળનાયક શ્રીઅજીતનાથ ભગવાનની વર્ષગાંઠ દિવસ આસો સુદ-10 (દશેરા)
તીર્થનો વિશિષ્ટ પર્વ આસો સુદ-10 (દશેરા) ધજાનો દિવસ
અજીતનાથ ભગવાનની કલ્યાણકની વિગત  
ચ્યવન કલ્યાણક વૈશાખ સુદ-13 રોહિણી નક્ષત્ર અયોધ્યા
જન્મ કલ્યાણક મહા સુદ-8 રોહિણી નક્ષત્ર અયોધ્યા
દિક્ષા કલ્યાણક મહા સુદ-9 રોહિણી નક્ષત્ર અયોધ્યા
કેવળજ્ઞાન કલ્યાણક પોષ સુદ-5 મૃગશીર્ષ નક્ષત્ર અયોધ્યા
નિર્વાણ કલ્યાણક ચૈત્ર સુદ-5 મૃગશીર્ષ નક્ષત્ર અયોધ્યા

સમયપત્રક

દેરાસર ખોલવાનો સમય સવારે 6-15 કલાકે
વાક્ષેપ પૂજાનો સમય સવારે 07-00 કલાકે થી 08-30 કલાક સુધી
પ્રક્ષાલનો ચડાવવાનો સમય સવારે 9-15 કલાકે
પ્રક્ષાલનો સમય સવારે 9-30 કલાકે
કેસર પૂજાના ચડાવવાનો સમય સવારે 09-45 કલાકે
ફૂલપૂજા,મુગટપૂજા,આરતી, મંગલદીવાના ચડાવવાનો સમય  સવારે 10-15 કલાકે
દાદાની પૂજાનો સમય સવારે 10-થી સાંજે 4-કલાક સુધી આરતી અને મંગળદીપકનો સમય સવારે 10-30 કલાકે
મણીભદ્ર વીરની આરતીનો ચડાવવાનો સમય સવારે 10-45 કલાકે
આંગી ચડાવવાનો સમય સાંજે 4-00 કલાકે
પૂજા બંધ થવાનો સમય સાંજે 4-00કલાકે
સાંજે ભાવનાનો સમય સાંજે 7-15 કલાકે
આરતી અને મંગળદીપકનો સમય સાંજે 7-45 કલાકે
દેરાસર માંગલીક કરવાનો સમય રાત્રે 8-00 કલાકે
ધી બોલીનો દર રૂા. 5/- એક મણના

ધર્મશાળા તથા ભોજનશાળા

તારંગા તીર્થમાં કુલ 4 ઘર્મશાળાઓ છે

1) જૂની ટોરેન્ટ ધર્મશાળા, જેમાં આધુનિક સુવિધા સંપન્ન 24 રૂમો તથા 4 મોટા હોલની સગવડતા છે.

2) નવી ટોરેન્ટ ધર્મશાળા, જેમાં આધુનિક સુવિધા સંપન્ન કુલ 20 રૂમો તથા 2 વિશેષ રૂમો છે.

3) ગિરીશ-વિહાર ધર્મશાળા, જેમાં 8 રૂમો છે.

4) ચંપાબેન ધર્મશાળા, જેમાં 8 રૂમો છે.

5) આ ઉપરાંત યાત્રાર્થે આવનારા સંઘોની વિશેષ સગવડતા માટે નાના-મોટા 2 રસોડાઓ પણ છે.

ઉપાશ્રય

વિહાર કરીને આ તીર્થમાં પધારતા પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ માટે 2 અલગ ઉપાશ્રયોની વ્યવસ્થા છે.

ભોજનશાળા

આ તીર્થમાં સુંદર મજાની ભોજનશાળા છે. જેમાં ભોજન ઉપરાંત અલ્પાહાર માટે કેન્ટીનની વ્યવસ્થા છે. ભોજનશાળાનો વહીવટ સ્વતંત્ર ટ્રસ્ટ હસ્તક છે. ભોજનશાળામાં ભાતાખાતાની વ્યવસ્થા પણ છે.

તીર્થની યોજનાઓ

1. પ્રમુખ લાભાર્થી : રૂ. 2 લાખ અને તેથી વધુ રકમનો લાભ લેનાર દાતાનુ નામ તક્તીમાં દર્શાવ્યા પ્રમાણે વચ્ચેનાં ભાગમાં સહયોગની રકમ પ્રમાણે ક્રમસર ઉપરના ભાગમાં 1”ના કુલ 54 અક્ષરોની મર્યાદામાં બે લાઇનમાં લખવામાં આવશે.

2. મુખ્ય લાભાર્થી : રૂ. 1 લાખ અને તેથી વધુ રકમનો લાભ લેનાર દાતાનુ નામ તક્તીમાં પ્રમુખ લાભાર્થીની નીચે સહયોગની રકમ પ્રમાણે ક્રમસર 0III”ના કુલ 54 અક્ષરોની મર્યાદામાં બે લાઇનમાં લખવામાં આવશે.

3. સહયોગી લાભાર્થી : રૂ. 51000/- અને તેથી વધુ દાન આપનારનું નામ તક્તીમાં દર્શાવ્યા પ્રમાણે આજુ-બાજુના બે ગાળામાં 0II”ના કુલ 54 અક્ષરોની મર્યાદામાં બે લાઇનમાં લખવામાં આવશે.

સર્વ સાધારણ ફંડની યોજના છે. (તક્તીમાં નામ લખાય છે.)

કાયમી તિથિઓ
શ્રી સર્વસાધારણ 5,000/-
શ્રી દેરાસર સાધારણ 3,000/-
શ્રી આંગી 5,000/-
શ્રી ઉકાળેલા પાણી 1,111/-
શ્રી અખંડ દીવો 1,100/-
કેસર-સુખડ 5,000/-

નજીકના તીર્થ સ્થળો

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી
મુ.પો. તારંગા ટેમ્પલ, પીન- 384 350
જિ. મહેસાણા, ગુજરાત

ફોન નં.:  9428000601 / 9428000602
મેનેજર (મો):  9428000612