મક્ષી તીર્થ માહીતી

મક્ષી પાર્શ્વનાથ

ઉજ્જૈન નગરીથી પૂર્વમાં 40 કિ.મી. દૂર મક્ષી સ્ટેશન છે. સ્ટેશનથી અર્ધા માઇલ દૂર મક્ષી ગામ છે, અહીં મક્ષીજી પાર્શ્વનાથજીનું વિશાળ ગગનચુંબી ભવ્ય દેરાસર છે. આ દેરાસરનું નિર્માણ વિક્રમ સંવત 1472(ઇસ્વીસન્ 1416)માં થયુ હતું. મૂળનાયક મક્ષીજી પાર્શ્વનાથની શ્યામ રંગની સવાબે હાથની વિશાળ પ્રતિમા પંદરસો વર્ષ કરતાંયે પ્રાચીન છે. આ મુર્તિ વાળુ(સેન્ડસ્ટોન)ની બનેલી છે. મંદિરની નીચે ભોંયરામાંથી આ પ્રતિમાજી નીકળ્યાં હતાં. મૂળ સ્થાને અત્યારે આરસનો ચોતરો છે. મક્ષીજી પાર્શ્વનાથની પ્રતિમાજી નીકળ્યાં ત્યારે હજારો મનુષ્યો એકઠા થયા હતા. બાદમાં લાખ્ખો રૂપિયા ખર્ચી શ્વેતાંબર જૈન સંઘે ભવ્ય મંદિર બંધાવ્યું છે. ગોળાકાર આસન ઉપર બિરાજમાન આ પ્રતિમાની આજુ-બાજુ ચામર ઢોળતાં ઇન્દ્રો અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે. મૂર્તિ ઉપર કટિસૂત્ર, વસ્ત્રપટ્ટ તથા શ્રીવત્સના અંકન છે. મૂર્તિ ઉપર સર્પનાં સાત ફણ ફેલાયેલા છે. ફણાની આસપાસ બે હાથીઓ પણ છે. મૂર્તિની નીચે સર્પનું ચિન્હ અંકિત છે. મૂળનાયક પરમાત્માની આ પ્રતિમા મૂળ ભૂરા રંગની હતી, પણ પાછળથી લેપ કરવાથી તે શ્યામ રંગની દેખાય છે. આ પ્રતિમા અત્યંત મનોહારી, આકર્ષક અને નયનરમ્ય છે. દર્શન થતાં જ ભક્તજનો ભાવવિભોર બની ઉઠે છે. પ્રભુના ચરણોમાં બેસીને જાપ પાઠ સ્તવના પ્રાર્થના કરતાં ભાવુક ભક્તો જુદા જ ભાવાલોકમાં પહોંચી જાય છે. મૂળનાયક ભગવાનની ડાબી બાજૂ બાવીસમાં તીર્થંકર નેમીનાથની શ્યામરંગી પ્રતિમા છે. જ્યારે જમણી બાજુ ચિંતામણી પાર્શ્વનાથની શ્યામવર્ણની મનોહારી પ્રતિમા છે. આ ઉપરાંત અન્ય પ્રતિમાઓ પણ અહીંયા રહેલી છે. મૂળનાયક ભગવાનની બરાબર નીચે પાર્શ્વયક્ષની એક ચમત્કારીક પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે, જેની સાથે ચમત્કારી ઘટના જોડાયેલી છે. સભામંડપમાં મણીભદ્રવીર, ચક્રેશ્વરીદેવી, પદ્માવતીદેવી, પાર્શ્વયક્ષ વગેરે પ્રતિમાઓ પણ છે. સભામંડપના વચલા બારણા ઉપર પાર્શ્વનાથ ભગવાનની નાનકડી મૂર્તિ કોતરેલી છે. મણીભદ્રજીની મૂર્તિની પાસે મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના લેપ પહેલાના અને લેપ પછીના ફોટાઓ મૂકવામાં આવ્યા છે. ગભારામાં તથા મણીભદ્રવીર અને દેવીપદ્માવતી પાસે અખંડ જ્યોત હંમેશા જલતી રહે છે.

મૂખ્ય મંદિરની પ્રદક્ષિણા-પરિક્રમામાં પહેલા બેતાલીંસ(42) દેવકૂલિકાઓ હતી. હાલમાં છત્રીસ(36) દેવકૂલિકાઓ છે. જેમાં અલગ-અલગ પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક સહિત તમામ પ્રતિમાજીની દરરોજ અષ્ટપ્રકારી પૂજા વગેરે કરવામાં આવે છે. મંદિરોમાં બિરાજમાન મૂર્તિઓ ઉપર, પ્રાય: બધા ઉપર 1548ના શિલાલેખો છે.

મૂખ્ય દેરાસરનુ પંચોતેર(75) ફીટ ઉંચુ શિખર આ તિર્થનુ મૂખ્ય આકર્ષણ છે, જે બે-ત્રણ કિલોમિટર દૂરથી દેખાય છે અને લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ભવ્ય શિખરની સ્થાપના વિક્રમ સંવત 1913(ઇસ્વીસન્ 1857)માં ઉજ્જૈન નિવાસી શ્રાવકરત્ન શ્રી ઉદયચંદભાઇએ તપાગચ્છીય મુનિ કલ્યાણવિજયજીના હાથે કરાવી હતી.

દેરાસરની પાસે જ કાર્યાલય છે. (વિક્રમ સંવત 1977-78 ઇસ્વીસન્ 1921-22)માં આ તીર્થની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપવામાં આવી ત્યારથી આ તીર્થનો તમામ વહીવટ અને વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચાલે છે. નજીકમાં સુંદર વિશાળ શ્વેતાંબર જૈન ધર્મશાળા છે અને મંદિરની પાછળ સુંદર બગીચો છે.

જૈન-જૈનેતર બધાયે પ્રભુજીને પૂજે છે અને માને છે. માળવામાં આ તીર્થ ઘણુંજ પ્રસિદ્ધ અને મહત્વનું છે.

મક્ષીજી પાર્શ્વનાથજીની કેટલીક વિશેષતા એક પ્રાચીન સ્તવનમાં મળી છે. જે નીચે મુજબ છે:

“જિનમંદિરથી જીમણે દેવરીયાં છત્રીશ
પ્રભુના મંદિર આંગલે ચૌમુખ દેવલ એક
વળી ચૌમુખને આગલૈ રાયણ રૂખ ઉદાર
તિહાં પગલાં પરમેસતણા ભેટી હરષ અપાર
રાયણતલ લગુ દેહરી જીહાં શ્રી જિનવર પાસ
જિનમંદિર જીમણઇ ત્રિહું દેવરીમાં ઠામ
શ્વેતાંબરી વિવહારિહો દા. તેહ શ્રાવક સમકિત ધારી
કેંઇ હીન્દુ તુરક હજારી આવઇ તો પ્રભુ જાત્રા તુમારી
ઇહપાસસામી મુગતીગામી, દેસમાલવ મંડણો
મગ સીયગામઇ અયલ ઠામઇ પાપ તાપ વિહંડણો
(રચના નરસિંહદાસ સં. 1778 જૈન સત્ય પ્રકાશ અં. 2, વ.પ.)”

વર્ષગાંઠ

તીર્થની વર્ષગાંઠ વૈશાખ સુદ 8ના દિવસે મુખ્ય દેરાસર ઉપર ધજા ચઢાવવા પૂર્વક ઉજવવામાં આવે છે.

પ્રસંગો

પાર્શ્વનાથ પ્રભુનું જન્મ કલ્યાણક પોષ વદ-10

પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા કલ્યાણક પોષ વદ-11

આ દિવસોમાં અઠ્ઠમ તપની આરાધના કરવામાં આવે છે તથા દસમ અને અગીયારસે સ્વામીવાત્સલ્ય પણ રાખવામાં આવે છે. પોષ-10 ના દિવસે દર વર્ષે શાંતિસ્નાત્ર રાખવામાં આવે છે તથા જન્મકલ્યાણકના આ દિવસે નવી ધજા ચઢાવવામાં આવે છે જે વૈશાખ સુદ 8ના દિવસે ફરીથી બદલવામાં આવે છે.

સમયપત્રક

દેરાસર ખોલવાનો સમય સવારે 5-30 કલાકે
પ્રક્ષાલ,આરતી, મુકુટ પૂજા બોલીનો સમય સવારે 9-00 કલાકે
પ્રક્ષાલ કરવાનો સમય સવારે 9-30 કલાકે
સનાત્ર પૂજાનો સમય સવારે 10-30 કલાકે
સાંજની આરતીનો સમય સાંજે 8-00 કલાકે
દેરાસર માંગલિક કરવાનો સમય રાત્રે 8-30 કલાકે

ધર્મશાળા તથા ભોજનશાળા

તીર્થમાં રહેવાની સુવિધાઓ: તીર્થમાં દેરાસરની આગળ ખુલ્લા ચોકમાં 2 ધર્મશાળાઓ આવેલી છે, જેમાં 17 રૂમો તથા 2 હોલ આવેલા છે. આ સિવાય મોટા બગીચાની જમીનમાં નૂતન ધર્મશાળા પાંચ વર્ષ પહેલા બનાવેલ છે જેમાં 10 રૂમો તથા 2 હોલ હાલમાં બનાવેલ છે. 27 રૂમો તથા 5 હોલ બનાવવાની યોજના બાકી છે.

તીર્થમાં ભોજનશાળાની સગવડતા આવેલી છે. જેમાં 50 વ્યક્તિને ટેબલ-ખુરશી ઉપર તથા 80 વ્યક્તિઓ નીચે બેસીને ભોજન કરી શકે તેવા હોલમાં ભોજનશાળા આવેલ છે.

યોજનાઓ

મક્ષીજી તીર્થમાં દાન માટેની વિવિધ યોજનાઓ

સર્વ સાધારણ રૂ. 5000/-
દેરાસર સાધારણ રૂ. 3000/-
આંગી રૂ. 5000/-
અખંડ દિપક રૂ. 1100/-
ઉકાળેલું પાણી રૂ. 1111/-
નવકારશી રૂ. 3000/-
ભોજનશાળા રૂ. 5000/-
કેસર-સુખડ રૂ. 5000/-

 

રકમ ચેક અથવા કેશથી ભરી શકાશે.
તીર્થની પેઢીનો અથવા મુખ્ય કાર્યાલયનો સંપર્ક કરવા વિનંતિ છે.

નજીકના તીર્થ સ્થળો

વિશેષ માહીતી
તીર્થમા ઉપાશ્રયની સગવડતા નથી. સાધુ-સાધ્વીજી પધારે ત્યારે દેરાસર પાસેની ધર્મશાળામાં બિરાજે છે.

મક્ષીજી તીર્થની આજુબાજુ આવેલ તીર્થોમાં
મક્ષીજી થી દેવાસ 34 કી.મી.
  ઇન્દોર 70 કી.મી.
  ઉજ્જૈન 40 કી.મી.
  માતમોર શીવપુર 100 કી.મી.
  નાગેશ્વર પાર્શ્વનાથજી 120 કી.મી.
  ભક્તામર તીર્થ ધાર 140 કી.મી.
  અમીઝરા પાર્શ્વનાથ
  ભોપાવર 180 કી.મી.
  મોહનખેડા 200 કી.મી.
  લક્ષ્મણીજી 250 કી.મી.
અમદાવાદ થી મક્ષીજી 500 કી.મી. દૂર આવેલ છે.

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી
મક્સીજી,પીન-૪૬૫ ૧૦૬,
જિ. સાજાપુર (મ.પ્ર.)

ફોન નં. 07363 233037