માહીતી

રાજનગર- અમદાવાદ શહેરની નજીક આ સુપ્રસિદ્ધ તીર્થ આવ્યું છે. શેરીસા તીર્થ અમદાવાદથી આશરે 25 કિ.મી. ના અંતરે છે. અમદાવાદથી વડસરના રસ્તે થઇ કલોલ તરફ જતાં, કલોલ પહેલા 7 કિ.મી.ના અંતરે આ તીર્થ છે. વિશાળ પરિસરમાં ભવ્ય જિનાલય જોતાં જ મન હરખાય જાય તેવું આ તીર્થ છે.

“એ નવણ પાણી વિવર જાણી, ખાલ ગયો તવ વિસરી,
અંતર એવડો સેરી સાંકડી, નયરી કહતી સેરીસા-કડી”

આ પદ્યમાં કડીની પાસે આવેલા શેરિસા નો ધ્વનિ સૂચિત થાય છે, જે નગરની સાંકડી શેરીમાં આ જિનાલય આવેલું હતું, તેમાં ભગવાનને અભિષેક કરાવતાં એ સાંકડી શેરીમાં બધે પાણી ફેલાઇ ગયું અને તેથી લોકો એ સ્થળને ‘શેરિસા’ નામે કહેવા લાગ્યા હતા. વર્ષો પહેલા સપાટ મેદાન પર થોડાંક ખોરડાં અને એક બાજુએ નવીન જિન પ્રાસાદ સિવાય કશું જોવા મળતું નથી.

એ જ કવિ આ સ્થળના તેરમા સૈકા પહેલાંના પ્રાચીન નગરનું વર્ણન કરતાં કહે છે.

“એ નગર મોટુ, એક ખોટું, નહીં જિન પ્રાસાદ એ”

એ સંબંધે સંવત -1389માં રચાયેલા “વિવિધતીર્થ કલ્પ” માં શેરિસા માં જિનપ્રતિમાઓ ક્યારે આવી અને મંદિર ક્યારે બંધાયું એની આખ્યાયિકા નોંધેલી છે તેનો સાર એ છે કે, નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિશાખાના શ્રીદેવેન્દ્રસૂરિજી સેરીસા પધાર્યા ત્યારે તેમણે એક ટેકરામાંથી કઢાવેલી શિલામાંથી સોપારકના અંધ શિલ્પી-સલાટ પાસે એક દિવ્ય મૂર્તિ ઘડાવી. વળી, એક ખાણમાંથી બીજી ચોવીશ પ્રતિમાઓ નીકળી આવી હતી અને શ્રીદેવેન્દ્રસૂરિજી આ નગરમાં મંદિર બંધાવવા માટે અયોધ્યામાંથી ચાર મોટી પ્રતિમાઓ લઇ આવતા હતા ત્યારે તેમાંની એક પ્રતિમા ધારાસેનક (કદાચ માલવાનું ‘ધાર’હોય) ગામમાં રાખી અને ત્રણ પ્રતિમાઓને શેરિસા માં કરાવેલાં ભવ્ય મંદિરમાં પધરાવી. એક ચોથી મૂર્તિ ગૂર્જરનરેશ કુમારપાળે કરાવી આપી હતી. શ્રીજિનપ્રભસૂરિજીએ (સંવત-1389ની આસપાસમાં) પ્રત્યક્ષ જોયેલી હકીકતને આલેખતાં તેઓ વર્ણવે છે કે ‘આ બધી પ્રતિમાઓ શેરિસા ગામના જિનમંદિરમાં આજે પણ સંઘ દ્વારા પૂજાય છે.’

સંવત 1393માં શ્રીકક્કસૂરિએ રચેલ નાભિનન્દનજિનોદ્ધાર પ્રબંધ માં કહ્યું છે કે, નાગેન્દ્ર ગચ્છના શ્રીદેવેન્દ્રસૂરિજીએ શેરિસા તીર્થની સ્થાપના કરી. આ ઉપરથી લગભગ બારમા સૈકામાં આ તીર્થ સ્થપાઇ ચૂક્યું હતું એમ કહેવામાં ઐતિહાસિક દ્રષ્ટિએ બાધ નથી અને તેથી ઉપર્યુક્ત શ્રીજિનપ્રભસૂરિજીએ ચૌદમાં સૈકામાં જોયેલા એ તીર્થની હકીકત નોંધી છે.

શ્રીજિનપ્રભસૂરિએ રચેલા એક “તીર્થયાત્રા સ્તોત્ર”માં શેરિસા ની મૂર્તિઓ વિશે આ પ્રકાર઼ે ઉલ્લેખ છે.

આ બધી પ્રતિમાઓમાં મૂળનાયકની પ્રતિમા વિશે એમ કહેવાયું છે કે “લખ લોક દેખે, સહુ પેખે, નામ લોડણ થાપના.”

પ્રતિમાને ડોલતી જોઇને લોકોએ તેનું નામ ‘લોડણ પાર્શ્વનાથ’ રાખ્યું હતું. બીજાના મતે એ મૂર્તિનો એક પગ છૂટો આલેખ્યો હોવાથી એવું નામ પાડવામાં આવ્યું છે. જ્યારે ત્રીજા મતે એમ પણ કહેવાય છે કે, વેળુથી બનાવેલી આ પ્રતીમા લોઢ જેવી કઠણ બની ગઇ તેથી એ લોઢણ પાર્શ્વનાથ નામે પ્રસિદ્ધ પામી. આ બધા મતો વિશે આજે કશો નિર્ણય કરી શકાય એમ નથી.

લગભગ ચૌદમા સૈકામાં થયેલા શ્રીજિનતિલકસૂરિએ રચેલી ‘તીર્થમાળા’માં મૂળનાયકની મૂર્તિનું વર્ણન કરતાં નોંધ્યું છે.

“શેરીસે પાસે છે ઉડ્ડકાય”

અર્થાત-શેરિસા માં શ્રીપાર્શ્વનાથની મૂર્તિ ખૂબ ઉંચી અને ભવ્ય છે.

કવિવર લાવણ્યસમયના વખતમાં એટલે સંવત 1562માં અહીં જિનમંદિર વિદ્યમાન હતું એ વિશે કવિ પોતે જ પ્રત્યક્ષ શેરિસા તીર્થની વાત કરે છે.

“પોસ કલ્યાણક દસમ દીહાડ એ, મહિયલ મહિમા પાસ દેખાડ એ.

દેખાડ એ પ્રભૂ પાસ મહિમા સંઘ આવે ઉમટયો, ઘ્વજ પૂજ મંગલ આરતી તેણેં પાપ પૂરવનાં ઘટયાં

સંવત પન્નર બાસઠ્ઠિ પ્રાસાદ શેરિસા તણો, લાવણ્યસમેં ઇંમ આદિ બોલેં, નમો નમો ત્રિભુવન ધણી.”

એટલે લગભગ સોળમાં સૈકા સુધી આ મંદિર વિદ્યમાન હતું. તે પછી લડાઇના કોઇ પ્રસંગે શ્રાવકોએ એ બધી મૂર્તિઓ જમીનમાં ભંડારી દીધી હશે, અને મંદિર ઉપર વિનાશના વાદળા ઘેરાયા હશે. શેરિસાના મંદિરની સંવત 1420ના લેખવાળી પદ્માવતીની મૂર્તિ નરોડા ગામમાં વિદ્યમાન છે, જે સંવત 1420 પછીના કોઇ વિપ્લવ સમયે ત્યાં લઇ જવામાં આવી હશે. સદ્દભાગ્યે અહીં ભંડારેલી કેટલીક મૂર્તિઓ વગેરે અહીંથી મળી આવ્યાં છે.

આજે જે નવું મંદિર અહીં ઉભું છે તેની સામેના મેદાનમાં પ્રાચીન જૈન મંદિર ખંડિયેરરૂપે પડ્યું હતું. મંદિરનો ઘણોભાગ તો ધરાશાયી હતો. માત્ર દીવાલનો ભાગ થોડેક ઉભો હતો. તેમાં પથ્થરના ઢગલાં પડયા હતાં. તેની સાથે મૂર્તિઓ પણ દટાયેલી પડી હતી. આ હકીકત સંવત- 1955 માં જૈનોનું ધ્યાન ખેંચાયું. તેમાંથી બધી મૂર્તિઓ કઢાવી એક રબારીનું મકાન વેચાતું લઇને તેમાં એ બધી મૂર્તિઓ પધરાવવામાં આવી. એ મૂર્તિઓમાં એક ખંડિત મૂર્તિ, જે 4 ફીટ પ્‍હોળી પોણાચાર ફીટ ઉંચી ને ફણાસહિત 5 ફીટ ઉંચી, શ્યામવર્ણના બે મોટા કાઉસગ્ગીયા, જે 2 ફીટ પહોળા અને સાડા છ થી સાત ફીટ ઉંચા, અંબિકા દેવીની 1 મનોહર મૂર્તિ- આ પાંચ મૂર્તિઓ જે ખાસ વિશિષ્ટ પથ્થરની બનેલી છે, તેમજ સફેદ આરસની આદીશ્વર ભગવાનની ખંડિત મૂર્તિ 1- આ પ્રકારે 6 મૂર્તિઓ નીકળી આવી હતી.

આ ખંડેરમાં કોરણીવાળા પથ્થરો, થાંભલા, કુંભીઓ વગેરે નીકળ્યું છે તે એક તરફ મૂકી રાખવામાં આવ્યું છે. વળી, બીજા સમયે ખોદતાં જે મળી આવ્યું તેમાં પથ્થરની 15-16 મૂર્તિઓ, આરસની ખંડિત 2 મૂર્તિઓ તથા આરસના મોટા માનાવાકૃતિ કાઉસગ્ગીયા, જેમાં બંને પડખે 24 જિનપ્રતિમાઓ કંડારેલી છે અને એ કાઉસગ્ગીયા નીચે લેખ છે પણ તદન ધસાઇ ગયો છે, જે બારમી-તેરમી શતાબ્દીનો હોય એમ લાગે છે.

આ સિવાય સફેદ આરસના પરિકરની ગાદીના બે ટુંકડા નીકળી આવ્યા છે, તેની આગળનો ત્રીજો ટુકડો મળી શક્યો નથી પણ એ બે ટુકડા આ પ્રમાણે લેખ વંચાય છે.

મહામંત્રી શ્રીવસ્તુપાલ- તેજપાલે પોતાના ભાઇ માલદેવ અને તેના પુત્ર પુનસિંહના શ્રેય માટે શેરિસા મહાતીર્થના શ્રીપાર્શ્વનાથ ચૈત્યમાં શ્રીનેમિનાથ ભગવાનનું બિંબ ભરાવી પધરાવ્યું ને તેની પ્રતીષ્ઠા નાગેંદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિએ કરી. આ સંવત 1285 હોવો જોઇએ, કેમકે લેખમાં માત્ર(5) નો આંકડો મોજુદ છે.

આ લેખમાં શેરિસા ને ‘મહાતીર્થ’ કહેવામાં આવ્યું છે. ને વસ્તુપાળ અને તેજપાલ જેવાએ અહીં મૂર્તિ ભરાવી છે એ તીર્થભૂમિની ગૌરવગરિમા એ સમયે કેટલી હશે એ તો માત્ર ગ્રંથોની ત્રુટક-ત્રુટક વિગતો ઉપરથી જ અનુમાન કરવાનું રહે છે.

ઉપર્યુક્ત મૂર્તિઓ ઉપરાંત જૂની ધર્મશાળા પાસેના ખાડામાંથી એક ખાડામાંથી જે ફણાવાળા શ્રીપાર્શ્વનાથ ભગવાનની વિશાળ મૂર્તિ નીકળી હતી તે મૂર્તિને લોકો વર્ષો સુધી ‘જોદ્ધા’ તરીકે પૂજતા હતા ને બાધા-આખડી રાખતા હતા. શ્રીઆદીશ્વર ભગવાનની કોણી નીચે ટેકો હોવાથી કેટલાક તેને સંપ્રતિના સમયની પ્રતિમા કહે છે.

ઉપર્યુક્ત હકીકત અહીંના વિશાળ પ્રાચીન મંદિરનો અને તેના તીર્થ મહિમાનો ખ્યાલ ખપાવે છે.

શાસનસમ્રાટ શ્રીવિજયનેમિસૂરિશ્વરજી મહારાજ સાહેબના સદુપદેશથી શેરીસાતીર્થના જિર્ણોદ્ધારના કાર્યમાં-તીર્થના શિખરબંધી જિનાલયના નિર્માણમાં સ્વ. શેઠશ્રી સારાભાઇ ડાહ્યાભાઇએ એ જમાનામાં ત્રણ લાખને દશ હજાર રૂપિયાનો સદ્વ્યય કર્યો હતો. શેઠ શ્રીસારાભાઇ જ આ તીર્થના અંતિમ જિર્ણોદ્ધારના મુખ્ય સૂત્રધાર હતા. વર્ષો સુધી તેઓએ આ તીર્થથી તન-મન-ધન થી સેવા બજાવી હતી.

વિ.સં.1984(ઇસ્વીસન્ 1928)ની સાલમાં આષાઢ સુદ-15ના મંગલ દિવસે શેઠ શ્રીસારાભાઇ ડાહ્યાભાઇએ, અખિલ ભારતવર્ષના જૈનોની પ્રતિનિધિરૂપ શેઠ આણંદજી કલ્યાણજીને આ તીર્થનો વહીવટ સોપ્યો.

જમીનમાંથી નીકળી આવેલી આ મૂર્તિઓમાંથી પાંચ મૂર્તીઓને શેઠ જમનાભાઇ ભગુભાઇએ મોતીનો લેપ કરાવ્યો હતો અને સંવત 1988(ઇસ્વીસન્ 1932)નામહાસુદિ 6ને દિવસે તે મૂર્તિઓનો મંદિરમાં પરોણા દાખલ પ્રવેશ કરાવવામાં આવ્યા હતાં. આ જિનાલય તૈયાર થયા પછી વિ.સં. 2002(ઇસ્વીસન્ 1946)માં વૈશાખ સુદી-10ના દિવસે પરમપૂજ્ય શાસનસમ્રાટ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરિશ્વરજી મહારાજ આદિની પવિત્ર નિશ્રામાં ઉલ્લાસપૂર્વક આ પ્રાચીનમાંથી નવીન બનેલ જિનાલયની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

વર્તમાનમાં આ તીર્થમાં નવી ધર્મશાળાઓ, ઉપાશ્રય, બ્લોક, હોલ વગેરે બની જતાં આવનારા સંઘો તથા યાત્રિકો માટે બધી જાતની સગવડતાઓ ઉપલબ્ધ છે. ઉપધાનતપ આરાધના, નવપદ ઓળી આરાધના, જ્ઞાન-ધ્યાનની શિબિરો વગેરે માટે ખૂબજ સાનુકૂળ વાતાવરણ છે. આ તીર્થ શાંતિનું અનુપમ પુણ્યધામ છે.

વર્ષગાંઠ

મ્રૂળનાયક ભગવાનની માહિતિ (વર્ષગાઠ)

મૂળનાયકશ્રી શરીસા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ વૈશાખ સુદ-10ના દિવસે ઉજવવામાં આવે છે.

પ્રસંગો

મૂળનાયક પ્રભુજીની પ્રતિષ્ઠાનો દિવસવૈશાખ સુદ-10
જન્મ કલ્યાણકનો દિવસપોષ દશમી

સમયપત્રક

પરોઢીયે દેરાસર ખોલવાનો સમયસવારે 5-30 કલાકે
રાત્રે દેરાસર માંગલિક કરવાનો સમયરાત્રે 8-45 કલાકે
બેસતો મહિનો, પૂનમ તેમજ રવિવારે
માંગલિકનો સમયરાત્રે 9-00 કલાકે
મૂળનાયક પ્રભુજીનાપ્રક્ષાલનો સમયસવારે 9-30 કલાકે
પ્રભુજીની પૂજાનો સમયસવારે 9-50 કલાકે
પ્રભુજીની આંગીસાંજે 4-30 કલાકે
પ્રભુજીની આરતીતથા મંગળદીવોરાત્રે 8-15થી 8-30 કલાકે
ઘી બોલીનો દરરૂા. 5/- એક મણના

ધર્મશાળા તથા ભોજનશાળા

તીર્થ ખાતે પેઢી તરફથી ભાતાખાતાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

યોજનાઓ

કાયમી તિથિઓ
શ્રી સર્વસાધારણ            5,000/-
શ્રી દેરાસર સાધારણ       3,000/-
શ્રી પૂજા                        પ,000/-
શ્રી આંગી                      પ,000/-
શ્રી અખંડદિવા               1,100/-
શ્રી ઉકાળેલા પાણી        1,111/-

નજીકના તીર્થ સ્થળો

વિશેષ માહીતી

ઉપાશ્રયસાઘુ મ.સા. માટે તથા સાધ્વીજી મ.સા.ને ઉતરવા માટે રૂમોની સગવડતા છે.
એરપોર્ટનજીકનું એરપોર્ટ અમદાવાદ છે.
અમદાવાદથી શેરીસા તીર્થનું અંતર40 કી.મી.


નજીકના તીર્થ સ્થળો

પાનસર14 કિ.મી. ફોન નં. 02764-288240 / 288402
વામજ10 કિ.મી. ફોન નં. 02764 250126
પંચકૈવલ્યધામ(ઓગણજ)12 કિ.મી. ફોન નં. 02717-244172
ભોયણી42 કિ.મી. ફોન નં. 02715-250204
રાંતેજ60 કિ.મી. ફોન નં. 02734-267320
ઉઘરોજ40 કિ.મી. ફોન નં. 02715-241164
જયત્રિભુવન તીર્થ-નંદાસણ25 કિ.મી. ફોન નં. 02764-273265

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી
મુ.પો. શેરીસા, પીન- 382721
જિ.ગાંધીનગર

ફોન નં. 02764 250126
મોબાઇલ 7069004617