ગિરનાર- જૂનાગઢ

ગિરનાર પર્વત જૂનાગઢ શહેરથી પૂર્વમાં 5 કિલોમિટરના અંતરે આવેલો છે. ( અમદાવાદથી દક્ષિણ પશ્ચિમ દિશામાં) દરિયાઇ સપાટીથી 1118 મીટર ઉંચાઇ ધરાવતા આ ગરવા ગઢ ગિરનાર પર અહીં સરેરાશ વરસે 775 મિલિમિટરનો વરસાદ થતો હોય છે. ગિરનારનું ઓછું તાપમાન ડિસેમ્બર થી ફેબ્રુઆરી દરમ્યાન ઓછામાં ઓછું 16 ડિગ્રી સેલ્સિયસ અને વધારેમાં વધારે 28 ડિગ્રી સેલ્સિયસ રહેતું હોય છે.

નજદીકનું વિમાન સ્થળ કેશોદ જે 40 કિલોમીટરની દૂરી ઉપર થાય છે. જ્યારે રાજકોટ એરપોર્ટ 100 કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે. નજદીકનું આંતર રાષ્ટ્રીય વિમાન સ્થળ અમદાવાદ( 315 km) છે.

રેલ્વે રસ્તે તથા સડક રસ્તે જુનાગઢ- ગિરનાર વાયા અમદાવાદ ભારતના તમામ મોટા શહેરોથી જોડાયેલ છે.

પર્વતોના સમૂહ તરીકે ઓળખાતાં ગિરનારનું ઊંચામાં ઊંચું શિખર છે 945 મિટર એટલે કે 3600 ફૂટ જે ગુજરાતમાં સહુંથી ઊંચું છે.

પર્વતની તળેટી ગિરનારની તળેટીથી ઓળખાય છે. અને તે જૂનાગઢથી માત્ર 4 કિમી. અંતરે આવેલી છે.

ગિરનાર ઉપર ચઢવા માટે પત્થરોથી બનેલો પગથિયાનો રસ્તો બધા માટે છે અંદાજે આઠ હજાર જેટલા પગથિયા ધરાવે છે. આમતો આ પર્વતના 9999 પગથિયા હોવાની વાતો પણ પ્રચલિત છે. તળેટીથી ઉપર ચડવાની શરૂઆત કરીએ પછી બેથી ત્રણ કલાકમાં 4,000 પગથિયા ઉપર પહોંચ્યા પછી સપાટ વિસ્તારમાં જૈન દેરાસરોનો વિશાળ સમુહ આવે છે.

મોટાભાગના લોકોને ગિરનાર પર્વત પર ચડતા 5 થી 8 કલાક થતા હોય છે, જ્યારે જુનાગઢ વિસ્તારના લોકો તો 42/ 43 મિનિટમાં પહાડ ચઢવાનો દાવો કરતાં હોય છે.

રેલ્વે રસ્તે જૂનાગઢ રાજકોટ, અમદાવાદ, જામનગર, ભૂજ, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, સૂરત, વડોદરા, પોરબંદર થી જોડાયેલું છે.

આ બધા સ્થળોએથી જૂનાગઢ આવવા માટે સરકારી તથા ખાનગી વાહનો મળી શકે છે.

ગિરનાર મહાતીર્થની તળેટીમાં શ્રી આદીનાથ ભગવાનના જિનાલયમાં દર્શન કરી ગિરનારના પ્રવેશદ્વારથી અંદર ડાબા હાથ ઉપર ચડાવ હનુંમાનનું મંદિર આવે છે. જ્યારે જમણી બાજુ પોલીસચોકીની બાજુમાં બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનનાં ચરણપાદુકાની દેરી આવે છે. તે વિશા શ્રીમાળી શ્રાવક લખમીચંદ પ્રાગજીએ બંધાવી હતી. જેમાં શ્રી નેમિપ્રભુના પૂર્વાભૂમુખ ચરણપાદુકા અને શાસન તથા તીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવીની પ્રતિમા પબાસણની દિવાલમાં પધરાવવામાં આવેલી છે.

ગિરનાર મહાતીર્થની યાત્રાનો પ્રારંભ કરતાં પહેલાં આ દેરીના દર્શન કરી યાત્રા નિર્વિધ્ન પાર પડે તે માટે તીર્થની અધિષ્ઠાયિકા અંબિકાદેવીને વંદના તથા પ્રાર્થના કરવી જોઇએ.

ગિરનારની યાત્રમાં સુગમતા માટે વિ.સં. 1212માં આંબડ શ્રાવકે સુવ્યવસ્થિત પગથિયા બંધાવ્યા હતા. ત્યારબાદ અવસરે અવસરે તેનો ઉદ્ધાર કરાવ્યો હોવાના લેખો જોવા મળે છે.

3800 પગથિયા ચડ્યા બાદ ઉપરકોટનાં કિલ્લાનો દરવાજો આવે છે, તેને દેવકોટ પણ કહેવામાં આવે છે, તે દરવાજાની ઉપર નરશી કેશવજીએ માળ બંધાવ્યો હતો. જેમાં હાલ વનસંરક્ષણ વિભાગની ઓફીસ જોવામાં આવે છે. આ કિલ્લાના મુખ્યદ્વારથી અંદર પ્રવેશ કરતાં ડાબી બાજુ શ્રી હનુમાનની દેરી તથા જમણી બાજુ કાલભૈરવની દેરી આવે છે.

અતિ પ્રાચિન આ ગિરનાર તીર્થના અનેક ઉદ્ધારો થયેલા છે. વર્તમાનમાં આ મહાન તીર્થનો જિર્ણોદ્ધાર કરાવાની પુરેપુરી આવશ્યકતા હતી. તેવા સંજોગોમાં સંવત-૧૯૭૯(ઇસ્વીસન્ 1923)ની સાલમાં તપગચ્છની પરંપરાના મહાન આચાર્ય ભગવંત શ્રીવિજયનીતિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી આ તીર્થનો જીણોદ્ધાર થયો હતો.

શ્રી નેમિનાથની ટૂક

આ દરવાજાથી અંદર પ્રવેશ થતાં અનેક જિનાલયોની હારામાળાનો પ્રારંભ થાય છે.ત્યાંથી 15-20 ડગલાં આગળ ચાલતાં ડાબાં હાથે શ્રી નેમિનાથજીની ટૂ્ંકમાં જવાનો મુખ્ય દરવાજો આવે છે જ્યાં શેઠશ્રી દેવચંદ લક્ષ્મીચંદની પેઢી : ગિરનારતીર્થ તેવા લખાણવાળું બોર્ડ મારવામાં આવેલ છે. શ્રી નેમિનાથ ભગવાનના મુખ્ય જિનાલયના પ્રાંગણનો પ્રારંભ થાય છે. આ ચોક 130 ફુટ પહોળો તેમજ 190 ફુટ લાંબો છે. જેમાં મુખ્ય જિનાલયની ફરતી ભમતીમાં 84 દેરીઓ છે.

જિનાલયના દક્ષિણ દ્વાર બહાર જ જમણા હાથે શ્રી અંબિકાદેવીની દેરી આવે છે.

1) શ્રી નેમિનાથ જિનાલય

શ્રી નેમિનાથ જિનાલયના પ્રાંગણમાં પ્રવેશ કરતાં શ્રી નેમિનાથ ભગવાનના વિશાળ અને ભવ્ય ગગનચુંબી શિખરબંધી જિનાલયના દર્શન થાય છે. અત્યંત આલ્હાદક આ જિનાલયના દક્ષિણ દ્વારમાંથી પ્રવેશ કરતાં 41.6 ફુટ પહોળો અને 44.6 ફુટ લાંબો રંગમંડપ આવે છે. જેના મુખ્યગભારામાં ગિરનારગિરિભૂષણ શ્રી નેમિનાથ પરમાત્માની ચિત્તને અનેરો આનંદ આપતી 61 ઇંચની શ્યામવર્ણીય મનોહર પ્રતિમા બિરાજમાન છે. જેના દર્શન કરતાં જ ગિરિવર આરોહણના થાકની સાથે સાથે ભવભ્રમણનો થાક પણ ઉતરી જાય છે. મૂળનાયકની ફરતી ભમતી તથા રંગમંડપમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ તથા યક્ષ-યક્ષિણી અને ગુરુભગવંતોની પ્રતિમાઓ બિરાજમાન છે. આ રંગમંડપની આગળ 21 ફુટ પહોળો અને 38 ફુટ લાંબો બીજો રંગમંડપ આવે છે. જેમાં મધ્યમાં જુદા-જુદા બે પબાસણ ઉપર ગણધર ભગવંતોના અંદાજે 840 ચરણપાદુકાની જોડ સ્થાપિત કરવામાં આવેલ છે. જેની પ્રતિષ્ઠા વિ.સં. 1694 ચૈત્ર વદ બીજના થઈ છે. આજુબાજુ તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓ બિરાજમાન છે.

2) જગમાલ ગોરધન દ્વારા નિર્મિત જિનાલય

શ્રી નેમિનાગ ભગવાનના મુખ્ય જિનાલયની બરોબર પાછળ શ્રી આદીનાથ ભગવાનનું જિનાલય છે. આ જિનાલયમાં 31 ઇંચના શ્રી આદીનાથ ભગવાનની પ્રતિષ્ઠા પોરવાડ જ્ઞાતીય શ્રી જગમાલ ગોરધન દ્વારા આ. વિજય જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબની પાવનનિશ્રામાં વિ.સં.1848ના વૈશાખ વદ- 6 ના શુક્રવારે કરાવવામાં આવી હતી. શ્રી જગમાલ ગોરધન શ્રી ગિરનારજી તીર્થ ઉપર જિનાલયોના મુનિમ તરીકે ફરજ બજાવી તે જિનાલયોના સંરક્ષણનું કાર્ય કરતા હતા. તેમના નામ ઉપરથી જૂનાગઢ શહેરના ઉપરકોટ પાસેના ચોકનું નામ જગમાલ ચોક રાખવામાં આવ્યું હતું.

મેરકવશીની ટૂક:-

મેરકવશીની ટૂ્ંકના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પૂર્વે જમણા હાથ ઉપર પંચમેરૂનું જિનાલય આવે છે.

1) પંચમેરૂનું જિનાલય

આ પંચમેરૂ જિનાલયની રચના અત્યંત રમણીય છે. જેમાં ચારબાજુના ચારખૂણામાં ધાતકીખંડના બે મેરૂ અને પુષ્કરાર્ધ દ્વીપના બે મેરૂ તથા મધ્યમાં જંબૂદ્વીપનો એક મેરૂ એમ પાંચ મેરૂપર્વતની સ્થાપના કરવામાં આવેલ છે.જેમાં દરેક મેરૂ ઉપર ઋષભદેવ ભગવાનની ચૌમુખજી પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.1859 માં કરવામાં આવી હોય તેવા લેખ છે.

2) અદબદજીનું જિનાલય

પંચમેરૂના જિનાલયમાંથી બહાર નીકળી મેરકવશીના મુખ્ય જિનાલયમાં પ્રવેશ કરતાં પહેલાં ડાબા હાથે શ્રી ઋષભદેવ ભગવાનની પદ્માસનમુદ્રામાં બેઠેલી 138 ઇંચની મહાકાયપ્રતિમા જોતાં જ શ્રી શત્રુંજયગિરિરાજની નવટૂ્ંકમાં અહે઼લા અદબદજીદાદાનું સ્મરણ કરાવતી હોવાથી આ જિનાલયને પણ અદબદજીનું દેરાસર કહેવાય છે.

3) મેરકવશીનું મુખ્ય જિનાલય

આ જિનાલયના મુખ્યદ્વારમાં જ છતમાં વિવિધ કલાકૃતિયુક્ત ઝીણી ઝીણી કોતરણીઓ આશ્ચર્યકારી જણાય છે. આગળ વધતાં ઘુમ્મટની કોતરણી જોતાં દેલવાડાના વિમલવસહી અને લૂણવસહીના સ્થાપત્યોની યાદ તાજી કરાવે છે. આ બાવન જિનાલયાના મૂળનાયક 39 ઇંચના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન છે, જેની પ્રતિષ્ઠા વિ.સં.1859 માં પ.પૂ. આ. જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ છે.

સગરામસોનીની ટૂક

મેરકવશીની ટૂકમાંથી બહાર નીકળી ઉત્તરદિશાના દ્વારમાંથી સગરામસોનીની ટૂકમાં પ્રવેશ થાય છે. આ બાવન જિનાલયના મુખ્ય જિનાલયમાં બે માળવાળો અત્યંત મનોહર રંગમંડપ છે, આ ગભારાના જિનાલયના છતની ઉંચાઇ લગભગ 10 થી 35 ફુટ ઊંચી છે.

કેટલાક વિદ્વાનોના મતે સગરામસોની કે સંગ્રામ સોનીના નામે ઓળખાતું આ જિનાલય હકીકતમાં સમરસિંહ માલદે દ્વારા નિર્માણ કરવામાં આવેલ છે

આ જિનાલયની ભમતીના ઉત્તરદિશા તરફના દ્વારથી બહાર નીકળતાં કુમારપાળની ટૂકમાં જવાનો માર્ગ આવે છે. તથા તે માર્ગની જમણી બાજુ ડોકટર કુંડ તથા ગિરધર કુંડ આવેલા છે.

કુમારપાળની ટૂક:-

કુમારપાળની ટૂકમાં પ્રવેશતાં મુખ્ય જિનાલયની ચારેબાજુ ઘણું મોટું પ્રાંગણ જોવા મળે છે. આ પ્રાંગણમાં થઇ જિનાલયમાં પ્રવેશ કરતાં એક વિશાળ રંગમંડપ આવે છે જેમાં આગળ વધતાં બીજો રંગમંડપ આવે છે. આ જિનાલયના મૂળનાયક તરીકે 24 ઇંચના શ્રી અભિનંદનસ્વામિ બિરાજમાન છે જેની પ્રતિષ્ઠા વિ.સં.1975ના વૈશાખ સુદ- 7 ના શનિવારે આ જિનેન્દ્રસૂરિ મહારાજ સાહેબના હસ્તે કરવામાં આવી હતી.

.

ભીમકુંડ:-

આ ભીમકુંડ ઘણોજ વિશાળ છે. તે લગભગ 70 ફુટ લાંબો અને 50 ફુટ પહોળો છે. આ કુંડ 15માં શતકમાં બનેલો હોવાનું જણાય છે. ઉનાળાની સખત ગરમીમાં પણ આ કુંડનુ પાણી શીતળ રહે છે. આ કુંડની એક દિવાલમાં એક પાષણમાં શ્રી જિનપ્રતિમા તથા હાથ જોડી ઉભા રહેલા શ્રાવક- શ્રાવિકાની પ્રતિમા કોતરેલી જોવા મળે છે.

શ્રી ચંદ્દ્રપ્રભસ્વામિનું જિનાલય

શ્રી ચન્દ્રપ્રભસ્વામિના આ જિનાલયનું સ્થાન એકદમ એકાંતમાં આવેલું છે. આ જિનાલયમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભસ્વામિની 16 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં.1701માં થયેલ છે. આ જિનાલયની છત અનેક કલાકૃતિઓથી સુશોભિત છે. આ જિનાલયથી ઉત્તરદિશાએ થી 30- 35 પગથીયા નીચે ઉતરતાં ગજપદ કુંડ આવે છે.

ગજપદ કુંડ:-

આ ગજપદકુંડ ગજેન્દ્રપદકુંડ તથા હાથી ચરણપાદુકાનો કુંડ નામે પણ ઓળખાય છે. આ કુંડનો ઉલ્લેખ 13 થી 15માં શતક સુધીમાં રચાયેલ ગિરિનાર સંબંધી લગભગ તમામ જૈન સાહિત્યમાં મળે છે. તે ઉપરાંત સ્કન્દપુરાણ અંતર્ગત પ્રભાસ ખંડમાં પણ તનો ઉલ્લેખ જોવા મળે છે. આ કુંડના એક થાંભલામાં જિનપ્રતિમા કોતરવામાં આવેલી છે.

માનસંગ ભોજરાજનું જિનાલય-

આ જિનાલય કચ્છ-માંડવીના વીશા ઓસાવાળ શા.માનસંગ ભોજરાજે બંધાવેલ હતું. જેમાં મૂળનાયક તરીકે શ્રી સંભવનાથ ભગવાનની સુંદર 25 ઇંચની પ્રતિમા બિરાજમાન છે.

આ જિનાલયમાં જતાં પૂર્વે માર્ગમાં આવતો સુરજકુંડ પણ શા.માનસંગે કરાવેલ છે. તેમણે વિ.સં. 1901 માં જૂનાગઢ ગામમાં આદિશ્વર ભગાવનના દેરાસરની પ્રતિષ્ઠા પણ કરાવેલ હતી. વસ્તુપાલ- તેજપાલનું જિનાલય-

આ જિનાલયમાં એક સાથે પરસ્પર જોડાયેલાં ત્રણ મંદિરો છે. આ જિનાલયો ગુર્જરદેશના મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલ દ્વારા વિ.સં.1232 થી 1242ના કાળમાં બંધાવ્યા હતા. જેમાં હાલ મૂળનાયક તરીકે શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની 43 ઇંચની પ્રતિમા બિરાજમાન છે.જેની પ્રતિષ્ડા વિ.સં. 1306ના વૈશાખ સુદ-3 ના શનિવારના દિવસે આ.પ્રદ્યુમ્નસૂરિ મહારાજ સાહેબની મુખ્ય પરંપરામાં શ્રી દેવસૂરિના શિષ્‍્ય શ્રી જયાનંદ મહારાજ સાહેબે કરી હતી. આ વચલા દેરાસરનો રંગમંડપ 29 ½ ફુટ પહોળો અને 53 ફુટ લાંબો છે. તથા આજુબાજુના બન્ને દરેસરોના રંગમંડપો 38 ½ ફુટ ચોરસ છે.

આ જિનાલયમાં વિ.સં. 1288ના ફાગણ સુદ- 10 ના બુધવારના લગભગ 6 થી 7 શિલાલેખો છે. જેમાંથી ચારલેખોમાં વસ્તુપાલ અને તેમના પત્ની લલિતાદેવીના શ્રેયાર્થે અજિતનાથ આદિ જિનાલયો બંધાવ્યાનો અને બે મંદિર દ્વિતીય પત્ની સોખુકાદેવીના શ્રેયાર્થે બંધાવ્યાનો ઉલ્લેખ છે.

મુખ્ય જિનાલયની ડાબી બાજુના જિનાલયમાં ચોરસ સમવસરણમાં ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, જમણીબાજુના જિનાલયમાં ગોળમેરૂની ઉપર ચૌમુખજી ભગવાન પધરાવેલા છે, આ જિનાલયોની કોતરણી, અને કલાકૃતિયુક્ત કમાનવાળાં થાંભલાઓ, જિન પ્રતિમાઓ, વિવિધ દ્રશ્યો તથા કુંભાદિની આકૃતિ મનોહારી છે. ચૌમુખજી જિનાલયોની વિશાળતા તથા ગોઠવણી પણ નયનરમ્ય છે.

ગુમાસ્તાનું દેરાસર-

વસ્તુપાલ- તેજપાલ જિનાલયની પાછળના પ્રાંગણમાં તેમની માતાનું દેરાસર છે, જે ગુમાસ્તાનું દેરાસરના નામથી પ્રસિદ્ધ છે. આ મંદિરમાં 19 ઇંચના મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે. વસ્તુપાલની માતા કુમારદેવીના નામે આ મંદિર બંધાવ્યું હોવાથી તે વસ્તુપાલની માતાના દેરાસર તરીકે ઓળખાય છે, વળી કચ્છ-માંડવીના ગુલાબશાહે બંધાવ્યું હોવાથી ગુલાબશાહના મંદિરના નામે પણ ઓળખાય છે.

સંપ્રતિ રાજાની ટૂક:-

વસ્તુપાલ- તેજપાલના જિનાલયમાંથી બહાર નીકળી ઉત્તર દિશા તરફ જતાં સંપ્રતિરાજાની ટૂક આવે છે. સંપ્રતિમહારાજે બંધાયેલ આ જિનાલયના મૂળનાયક તરીકે 57 ઇંચનાં શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. આ પ્રતિમા વિ.સં.1519માં પ્રતિષ્ઠિત થયાનો લેખ પ્રતિમાની ગાદીમાં જોવા મળે છે. મૂળનાયકના ગભારાની બહારના ગોખલામાં હંસવાહિની, હાથમાં વીણા અને પોથી યુક્ત સરસ્વતિદેવીની પ્રતિમા છે. આ સિવાય રંગમંડપમાં 54 ઇંચના ઉભા કાઉસ્સગ્ગિયા પ્રતિમા સહિત અન્ય 24 નયનરમ્ય પ્રતિમા પણ બિરાજમાન છે.

જ્ઞાનવાવનું જિનાલય-

સંપ્રતિરાજાના જિનાલયની બાજુમાંથી ઉત્તરદિશા તરફના ઢાળમાં નીચે ઉતરતાં બાજુમાં જ જમણાહાથે રહેલા દ્વારમાં પ્રવેશ કરતાં જ પ્રથમ ચોગાનમાં જ્ઞાનવાવ આવે છે. આ ચોકમાં રહેલા ઉત્તર દિશા તરફના દ્વારથી અંદર પ્રવેશતાં ચૌમુખજીનું દેરાસર આવે છે. જે શ્રી સંભવનાથ ભગવાનના નામે ઓળખાય છે. આ જિનાલયના મૂળનાયક તરીકે શ્રી સંભવનાથ ભગવાનની ૧૬ ઈંચની પ્રતિમા છે.

શેઠ ધરમચંદ હેમચંદનું જિનાલય-

ઉપકોટ (દેવકોટ) ના દરવાજામાંથી બહાર નીકળ્યા બાદ સૌથી પહેલું દેરાસર શેઠ ધરમચંદ હેમચંદનું આવે છે જેને ખાડાનું દેરાસર પણ કહેવામાં આવે છે. આ દેરાસરમાં 29 ઇંચના મૂળનાયકશ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે.

મલ્લવાળું દેરાસર

શેઠ ધરમચંદ હેમચંદના દેરાસરથી આગળ વધતાં લગભગ 35 થી 40 પગથીયાં ચઢતાં જમણીબાજું આ મલ્લવાળું દેરાસર આવે છે. આ જિનાલયમાં 21 ઇંચના મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન બિરાજમાન છે. જેનો ઉદ્ધાર જોરાવરમલ્લજી દ્વારા થયો હોવાથી આ દેરાસર મલ્લવાળા તરીકે ઓળખાય છે.

ચૌમુખજીનું દેરાસર-

ચૌમુખજીના દેરાસરના હાલ ઉત્તરાભિમુખ મૂ્ળનાયક શ્રી નેમિનાથ, પૂર્વાભિમુખ શ્રી સુપાર્શ્વનાથ, દક્ષિણાભિમુખ શ્રી ચન્દ્રપ્રભસ્વામિ અને પશ્ચિમાભિમુખ શ્રી મુનિસુવ્રતસ્વામિ છે. તેની પ્રતિષ્ઠા વિ.સં. 1511 આ. જિનહર્ષસૂરિ મહારાજ સાહેબના હસ્તે થયેલ હોવાના પબાસણના લેખો જોવા મળતાં હતા. આ જિનાલય શ્રી શામળા પાર્શ્વનાથના નામે પણ ઓળખાય છે. આ દેરાસરની અંદરના પબાસણ ચારેય ખૂણામાં રહેલી ચોરસ થાંભલીમાં એક- એકમાં 24-24 પ્રતિમાઓ એમ કુલ 96 પ્રતિમાઓ કોતરવામાં આવેલી છે. આ ચાર થાંભલી લગ્ન મંડપની ચાર ચોરી જેવી લાગતી હોવાથી આ જિનાલયને ચોરીવાળું દેરાસર પણ કહેવામાં આવે છે.

આ ચૌમુખજીના દેરાસરથી આગળ લગભગ 70-80 પગથિયાં ચડતાં ડાબા હાથે સહસાવન શ્રી નેમિનાથ ભગવાનની દીક્ષા- કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિ તરફ જવાનો માર્ગ આવે છે

રહનેમિનું જિનાલય શ્રી સિદ્ધાચલ રહનેમિ-

ગૌમુખીગંગા સ્થાનની લગભગ 350 પગથીયાં ઉપર ચડતાં જમણીબાજું આ રહનેમિનું જિનાલય આવે છે. આ જિનાલયમાં મૂળનાયક તરીકે સિદ્ધાત્મા શ્રી રહનેમિની 51 ઇંચીય શ્યામ -વર્ણીય પ્રતિમા બિરાજમાન કરવામાં આવેલ છે.

આ રહનેમિજીના જિનાલયથી આગળ સાચાકાકાની જગ્યાના કઠણ ચઢાવે થઇને કુલ લગભગ 535 પગથિયા ચડતાં અંબાજી મંદિર આવે છે.

અંબાજીની ટૂક-

આ અંબાજીની ટૂ્ંકમાં અંબીકાનું મંદિર આવેલું છે. દામોદરકુંડ પાસેનું મંદિર, ગિરનાર ઉપરનું શ્રી નેમિનાથ ભગવાન તથા અંબાજીનું મંદિર સંપ્રતિમહારાજાએ બંધાવ્યાનું કહેવાય છે. શિલ્પસ્થાપત્યના આધારે બારમી-તેરમી સદીની રચનાવાળું જણાતું આ મંદિર વસ્તુપાલ- તેજપાલે બંધાવ્યું હોવાની વાત કેટલાક લેખો ઉપરથી જાણવા મળે છે.

આ મંદિરની પાછળ શ્રી નેમિનાથ ભગવાનના ચરણપાદુકા પધરાવવવામાં આવેલ છે. કેટલાક શાંબના ચરણપાદુકા હોવાનું કહે છે. વસ્તુંપાલે આ ટૂક ઉપર શ્રી નેમિનાથ ભગવાન વગેરેની પ્રતિમાઓ પધરાવેલ હોવાનો ઉલ્લેખ મળે છે.

અંબાજીની ટૂકથી લગભગ 100 પગથિયા ઉત્તરીને પુન:લગભગ 300 પગથિયા ચઢતાં ગોરખનાથની ટૂક આવે છે.

ગોરખનાથની ટૂક- (અવલોકન શિખર)

આ ગોરખનાથની ટૂક ઉપરશ્રી નેમિનાથ પરમાત્માના વિ.સં. 1927 વૈશાખ સુદ-3 શનિવારના લેખવાળાં ચરણપાદુકા છે તે બાબુ ધનપતસિંહજીએ સ્થાપેલાં છે. આ ચરણપાદુકા પ્રદ્યુમ્નના હોવાનું પણ કહેવાય છે.

ગોરખનાથની ટૂકથી આગળ લગભગ 15 પગથિયાં ઉતરતાં ડાબા હાથ તરફની ભીંતમાં કાળાપાષાણમાં એક જિનપ્રતિમા કોતરવામાં આવેલ છે તથા લગભગ 400 પગથિયા ઉતર્યા બાદ પણ ડાબા હાથે એક મોટા કાળા પાષાણમાં જિનપ્રતિમા કોતરવામાં આવેલ છે. એ રીતે કુલ લગભગ 800 પગથિયા ઉતરતાં પગથિયા વગરના વિકટમાર્ગે ચોથી ટૂક તરફ જવાય છે.

ઓઘડ ટૂક (ચોથી ટૂક)

આ ઓઘડ ટૂક ઉપર પહોંચવા માટે કોઇ પગથિયાં રાખવામાં આવ્યા નથી તેથી પથ્થર ઉપર આડાઅવળા ચઢીને ઉપર જવાય છે. આ માર્ગ ખૂબજ વિકટ છે. આ ટૂક ઉપરની એક મોટી શિલામાં શ્રી નેમિનાથની પ્રતિમા તથા બીજી શિલા ઉપર ચરણપાદુકા કોતરવામાં આવેલા છે.

પાંચમી ટૂક- (મોક્ષકલ્યાણક ટૂ્ંક)

ગિરનાર માહાત્મ્ય અનુસાર આ પાંચમી ટૂંકે પૂ્ર્વાભિમુખ પરમાત્માના ચરણપાદુકા ઉપર વિ.સં. 1897ના પ્રથમ આસો વદ-7 ના ગુરૂવારે શા.દેવચંદ લક્ષ્મીચંદ વડે પ્રતિષ્ઠા કરાવ્યાનો લ઼ેખ છે.

હાલમાં આ ટૂક દત્તાત્રેયના નામે પ્રસિદ્ધ થયેલ છે, જૈન માન્યતાનુસાર શ્રી નેમિનાથ પરમાત્માના શ્રી વરદત્ત, શ્રી ધર્મદત્ત અને શ્રી નરદત્ત એમ ત્રણ ગણધરના નામના છેડે “દત્ત” શબ્દ આવતો હોવાથી “દત્તત્રય” એવું નામ પાડ્યું હોવાનું કહેવાય છે. ઘણા લોકો આ ચરણપાદુકાને શ્રી વરદત્તગણધરનાં ચરણપાદુકા પણ કહે છે. લગભગ 60 વર્ષ પૂર્વ આ ટૂકનો સંપૂર્ણ વહીવટ શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી દ્વારા કરવામાં આવતો હતો અને પહેલી ટૂ્કથી પૂજારી પૂજા કરવા માટે આવતાં હતા. હાલમાં દત્તાત્રય તરીકે પ્રસિદ્ધ એવી આ ટૂકનો સંપૂર્ણ વહીવટ હિન્દુ મહંત દ્વારા કરવામાં આવે છે.

આજે જૈનો આ પવિત્રભૂમિનાં માત્ર દર્શન અને સ્પર્શના કરીને સંતોષ માને છે.

આ પાંચમી ટૂકથી નીચે ઉતરી મુખ્ય સીડી ઉપર આવી પાછા જવાના રસ્તે જવાને બદલે ડાબા હાથ તરફના લગભગ 350 પગથિયા ઉતરતાં કમંડલકુંડ નામની જગ્યા આવે છે.

કમંડલ કુંડ-

અહીં કાયમી અગ્નિધૂણો પ્રગટેલો રહે છે. અહીં આવનાર દરેક યાત્રિકો માટે વિનામૂલ્યે અન્નક્ષેત્ર ચાલે છે જ્યાં નિત્ય સેંકડો યાત્રિકો ભોજનની સગવડ પામે છે.આ કમંડલકુંડથી અનસુયાની છઠ્ઠી ટૂક અને મહાકાલીની સાતમી કાલિકા ટૂક ઉપર જવાય છે.

કાલિકા ટૂક

કમંડલ ટૂકથી કાલીકા ટૂક જવાનો માર્ગ અત્યંત વિકરાળ અને ભયંકર લાગતો હોવાથી ભોમિયાને સાથે લઇને જવાનું હિતાવહ રહે છે. માર્ગમાં કોઇ ભૂલા ન પડે તે માટે ઠેકઠેકાણે લાલ સિંદૂરની નિશાનીઓ કરવામાં આવેલી છે. માર્ગમાં અતિકંટક અને પથરાઓ રહેતા હોવાથી કોઇ હિમ્મતવાન માણસ જ કાલિકા ટૂક સુધી પહોંચવા સમર્થ બને છે. પૂર્વે તો કહેવાતું કે બે માણસ કાલિકા ટૂક જાય તેમાથી એક માણસ જીવતો પાછો ફરે. કાલિકાની ટૂંકે કાલિકા માતાનું સ્થાન અને ટોચ ઉપર ત્રિશૂળ જોવા મળે છે.

કમંડલકુંડથી પાંવડવગુફા જવાનો પણ માર્ગ મળે છે આ ગુફા પાટણવાવ સુધી નીકળતી હોવાની માન્યતા છે.

કમંડલકુંડથી પાછા ગોરખનાથ ટૂક થઇ ગૌમુખી ગંગાની બાજુમાં ઉત્તરદિશા તરફના રસ્તે લગભગ 1200 પગથિયાં નીચે ઉતરતાં સહસાવનનો વિસ્તાર આવે છે.

આ સહસાવનમાં શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા કલ્યાણક તથા કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિના સ્થાને પ્રાચીન દેરીઓમાં પ્રભુજીના ચરણપાદુકાઓ પધરાવેલા છે.

તેમાં કેવળજ્ઞાન કલ્યાણકની દેરીમાં તો શ્રી રહનેમિ તથા સાધ્વી રાજીમતી અહીંથી મોક્ષે ગયા હોવાથી તેઓનાં ચરણપાદુકા પણ પધરાવવામાં આવેલ છે.

લગભગ 40- 45 વર્ષ પૂર્વે તપસ્વી સમ્રાટ આચાર્ય હિમાંશુસૂરિજી મહારાજના અથાગ પુરૂષાર્થથી સહસાવનમાં જગ્યા મેળવીને કેવળજ્ઞાન કલ્યાણકરૂપે સમવસરણ મંદિરનું નિર્માણ થયું.

સમવસરણ મંદિર

આ સમવસરણ મંદિરમાં મૂળનાયક તરીકે 35 ઇંચના શ્યામવર્ણીય સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ ભગવાનની ચૌમુખજી પ્રતિમા બિરાજમાન છે. આની પ્રતિષ્ઠા વિ.સં.2040 ચૈત્ર વદ- પાંચમના દિવસે થયેલ છે.

સમવસરણની પાછળ નીચે ગુફામાં શ્રી નેમિનાથ પરમાત્માની 11 ઇંચની અત્યંત મનમોહક પ્રતિમા પધરાવવામાં આવેલ છે.

આ સમવસરણ મંદિરથી બહાર નીકળી પગથિયાં ઉતરતાં બે રસ્તા પડે છે જેમાં ડાબીબાજુના માર્ગે 3000 પગથિયાં ઉતરી લગભગ અડધો કીલોમિટર ચાલતાં તળેટી આવે છે. જમણી બાજુ 10 પગથિયાં ઉત્તરતાં ડાબીબાજુ બુગદાની ધર્મશાળા આવે છે. ત્યાંથી 30 પગથિયાં ઉતરતાં ડાબી બાજુ શ્રી નેમિનાથ પરમાત્માની કેવળજ્ઞાન કલ્યાણકની પ્રાચીન દેરી આવે છે.

આ દેરીથી 30 પગથિયા ઉતરતાં ડાબીબાજુ શ્રી નેમિપ્રભુની દીક્ષા કલ્યાણકની પ્રાચીનદેરી આવે છે.

શ્રી નેમિપ્રભુની દીક્ષાકલ્યાણકની પ્રાચીન દેરી

આ દીક્ષા કલ્યાણકની પ્રાચીન દેરી એક વિશાળ ચોકમાં આવેલી છે, જેમાં શ્રી નેમિપ્રભુના શ્યામવર્ણીય ચરણપાદુકા પધરાવવામાં આવેલા છે.

આ દીક્ષાકલ્યાણકની દેરીથી જમણી તરફ પાછા 70 પગથિયાં ઉપર ચઢતાં જમણીબાજુ તળેટી તરફ જવાનો માર્ગ આવે છે. જે માર્ગે લગભગ 1800 પગથિયાં ઉતરતાં રાયણનાં ઝાડ નીચે એક પરબ આવે છે. ત્યાંથી 1200 પગથિયાં ઉતરીને લગભગ અડધો કીલોમીટર ચાલીને જતાં ગિરનાર તળેટી આવી જાય છે.

વર્ષગાંઠ

મુળનાયક ભગવાનની માહીતી (વર્ષગાંઠ)

નેમિનાથ ભગવાનની વર્ષગાંઠ મહા સુદ ૫ છે.

આજ રોજ ધજા ચઢવવામાં આવે છે.

મુખ્ય પ્રસંગો

મૂળનાયક પ્રભુની વર્ષગાંઠવૈશાખ સુદ-૧૫વૈશાખ વદ-૬મહા સુદ-૫
મહા સુદ-૧૦
ધજાબદલવાનો સમયકારતક સુદ-૧૫
વૈશાખ સુદ-૧૫
ચૈત્ર સુદ-૧૫
ભાદરવા સુદ-૯
વૈશાખ વદ-૬
મહા સુદ-૫
મહા સુદ-૧૦

સમયપત્રક

ગિરનારજીતળેટીગામ દેરાસર
દેરાસર ખોલવાનો સમયસવારે 6.00 કલાકેસવારે 5.00 કલાકેસવારે 6.00 કલાકે
પ્રક્ષાલ પૂજાનો સમયસવારે 7.30 કલાકેસવારે 7.30 કલાકેસવારે 7.30 કલાકે
સવારના આરતી-મંગળદિવોસર્વ પૂજા પત્યા બાદબોલી બોલાયબોલી બોલાય
સાંજના આરતી-મંગળદિવોસાંજે 7.30 કલાકેસાંજે 7.00 કલાકેસાંજે 7.30 કલાકે
માંગલીકનો સમયરાત્રે 8.00 કલાકેરાત્રે 9.00 કલાકેરાત્રે 9.00 કલાકે
આંગીકાયમી તીથી હોયતોકાયમી તીથી હોયતો
મૂળનાયક પ્રભુની વર્ષગાંઠવૈશાખ સુદ – 15વૈશાખ સુદ – 6મહા સુદ – 5
મહા સુદ – 10
 ધજા બદલવાનો સમય કારતક સુદ -15 ચૈત્ર સુદ – 15 મહા સુદ – 5
વૈશાખ સુદ – 15ભા. સુદ – 9મહા સુદ – 10
વૈશાખ વદ – 6
ધર્મશાળાનથી6 બ્લોકની છે.5 બ્લોકની છે.
ભોજનશાળાનથીનથીનથી
ઉપાશ્રયનથીછેછે
પરંતુ સાધુ-સાધ્વીજીને
સગવડ કરી આપવામાં આવે છે.
અમદાવાદથી ગિરનારજી તીર્થનુંઅંતરઆશરે 350 કી.મી.
આસપાસના તીર્થોપાટણવાવ, સોમનાથ વિ.
ઘી બોલીનો દરરૂ।. 5/- એક મણના

શ્રી ગિરનાજીતીર્થની ધર્મશાળાઓ

યોજનાઓ

ગિરનારજી મહાતીર્થમાં દાન અંગેની કાયમી યોજનાઓ
ગિરનારજી મહાતીર્થઉપર સર્વસાધારણની યોજનાઓ

૧ પ્રમુખ લાભાર્થી
રૂા.૧૧,૦૦,૦૦૦/- અને તેથી વધુ

૨ મુખ્ય લાભાર્થી
રૂા. પ,૦૦,૦૦૦/- અને તેથી વધુ
(લાભાર્થીનું નામ તક્તીમાં ૬૦ અક્ષરની મર્યાદામાં લખાવી શકાશે)

૩ સહયોગી લાભાર્થી
રૂા. ર,૫૧,૦૦૦/- અને તેથી વધુ
(લાભાર્થીનું નામ તક્તીમાં ૫૦ અક્ષરની મર્યાદામાં લખાવી શકાશે)
લાભ લેનારા મહાનુભાવોએ
(૧) ફરજીયાત ચેકથી પેમેન્ટ કરવાનું રહેશે.
(૨) પાનકાર્ડ તથા આધાર કાર્ડની નકલ ફરજીયાત આપવાની રહેશે.

તીર્થ ભક્તિ માટેની અન્ય કાયમી સહાયક તિથિઓ

કાયમી સહાયક તિથિઓ : સર્વ સાધારણરૂા. પ૦૦૦/-
દેરાસર સાધારણરૂા. ૩૦૦૦/-
કાયમી પૂજારૂા. પ૦૦૦/-
આંગીરૂા. પ૦૦૦/-
અખંડ દીપકરૂા. ૧૧૦૦/-
ઉકાળેલું પાણીરૂા. ૧૧૧૧/-
તળેટી ભાતાતિથિરૂા. પ૦૦૦/-
તળેટી સહ ભાતાતિથિરૂા. ૧૦૦૦/-

નજીકના તીર્થ સ્થળો

 શ્રી ગિરનારજી તીર્થ સમીપના અન્ય તીર્થો

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ દેવચંદ લક્ષ્મીચંદ, જૂનાગઢ ઉપર કોટ રોડ, બાબુનો વંડો, જગમાલ ચોક, જુનાગઢ-362001.0285 2650179
મેનેજરશ્રી (મોબાઈલ)9428000611
જૂનાગઢ – તળેટી
કાંતાબા સંકુલ 0285 2655637
0285 2620059
ગીરનારજી94080 91299
નેમીજીન ધર્મશાળા0285 2620251
ગીરનાર દર્શન​0285-2657099
કચ્છીભવન​0285-2655360
રાજેન્દ્ર શાંતિ સેવા ટ્રસ્ટ0285 2622259