માહીતી-પ્રાચીન તીર્થ કુંભારિયાજી

રાજસ્થાનના વિખ્યાત આબુરોડ સ્ટેશનથી 14 માઇલ દૂરતથા ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી થી ૨ કિલોમિટર દૂર કુંભારીયા નામે ગામ છે. પ્રાચીન શિલાલેખમાં આલેખાયેલું ‘આરાસણા’ એ જ આ કુંભારીયા. શિલાલેખો ઉપરથી જણાય છે કે , સત્તરમા સૈકા સુધી આ ગામ ‘આરાસણ’ ના નામે પ્રસિદ્ધ હતું. તેને બદલે ‘કુંભારીયા’ નામ કેમ પડ્યું હશે એ જાણી શકાતું નથી. ડો.ભાંડારકર કહે કે, “કુંભારીયાની આસપાસ અવશેષો પડેલા છે તે ઉપરથી એક જમાનામાં અહીં ઘણા જિનમંદિરો હોવાં જોઇએ એવું અનુમાન નીકળે છે.” ફાર્બસ સાહેબ ઉમેરે છે કે, “ધરતીકંપના લીધે આરાસણાનાં ઘણાખરા મંદિરો જમીનદોસ્ત થઇ ગયાં હશે.” પણ એ માટે કશું પ્રમાણ જડતું નથી. અલબત્ત, એક કાળે આ ગામ મોટું નગર અને વેપારનું મથક હોઇ શકે, અહીંની વસ્તી ક્યારે,શા કારણે અહીથી જતી રહી તે જાણવાને કશું સાધન નથી. આજે તો થોડી ઘણી વસતિ અને અન્ય દેવાલયો તથા ધર્મસ્થાનોથી ધબકતા બનેલા આ પ્રદેશમાં 5 જૈન મંદિરો એક જ સંકુલમાં છે. આરાસણગ્રામની સ્થાપના મોટે ભાગે તો 15મા શતકના દ્વિતીય ચરણના આરંભના અરસામાં થઇ હશે. અહીં પ્રાપ્ત થતા જૂનામાં જૂના સંવત 1087(ઇસ્વીસન્ – 1031)ના પબાસણ પરના લેખમાં આરાસણનગર પાટણપતિ, ચૌલુક્યવંશી મહારાજ ભીમદેવ પ્રથમને અધીન હોવાનું જણાવવામાં આવ્યું છે. ખરતરગચ્છ પટ્ટાવલીમાં વિમલમંત્રીએ આરાસનમાં અંબિકાનો પ્રાસાદ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ આવે છે. પ્રસ્તુત પ્રાસાદ તે સાંપ્રત અંબાજીમાં રહેલ અંબિકાનું મંદીર, કે અન્ય કોઇ, તે કહેવું કઠિન છે. મંત્રીશ્વર વિમલનું કુળ ધનુહાવીની એટલેકે ‘ચંડિકા’ની કુલાંબાના રૂપમાં ઉપાસના કરતું હતું તે વાત જૈન ગ્રંથ પ્રશસ્તિઓ-પ્રબંધો દ્વારા સુવિદિત છે. બીજી બાજુ મંત્રીશ્વરના સમયની જૈન યક્ષી અંબિકાની બે આરસી પ્રતિમાઓ આબૂ પર વિમલવસહીમાં ઉપલબ્ધ હોઇ, જૈનમતાનુકૂલ અંબીકાની પણ મંત્રીશ્વર ઉપાસના કરતા હશે. (સ્વ) મુનિશ્રી પુણ્યવિજયજીને પ્રાપ્ત થયેલી જેસલમેરના ભંડારની એક પુરાણી તાડપત્રીય પ્રતિમાં ચંદ્રાવતીના દંડનાયક વિમલે આબૂ પર જિનમંદિર બંધાવ્યા પૂર્વે આરાસણમાં આદીશ્વરદેવનો પ્રાસાદ બંધાવ્યાની હકીકત નોંધાયેલી મળી હોવાનું સાંભળવામાં છે. બીજી બાજુ 15મા શતકમાં રચાયેલી ખીમા કૃત ચૈત્યપરિપાટીમાં, શીલવિજયજીની તીર્થમાળા સંવત 1722(ઇસ્વીસન્- 1666 પશ્ચાત્) માં, તેમજ સૌભાગ્ય વિજયજીની તીર્થમાળા સંવત 1750 (ઇસ્વીસન્- 1694) માં આરાસણમાં વિમલમંત્રી કારિત આદિનાથનાં મંદિરનો વિમલવસહી કિંવા વિમલવિહારનો-નિર્દેશ છે. મંત્રીશ્વરનું મંદિર બંધાયા પછી અહીં 11મી સદીના ઉતરાર્ધથી લઇ 13મા શતકના પૂર્વાર્ધ સુધીમાં આરસનાં અન્ય ચાર મંદિરો બંધાયાં છે.

આરાસણમાં પ્રવેશતાં ઉત્તર-દક્ષિણ રસ્તાને અંતે સૌથી પહેલાં ભગવાન નેમિનાથનું મહામંદિર નજરે પડે છે : નેમિનાથના ભવનથી ઠીક ઠીક ઇશાનમાં અત્યારે શાંતિનાથનું કહેવાતું મંદિર આવે છે .પ્રસ્તુત મંદિરથી અગ્નિકોણમાં મહાવીર સ્વામીનું મંદિર છે, અને તેની બાજુમાં અગ્નિ કોણમાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે : જ્યારે સંભવનાથનું કહેવાતું મંદિર નેમિનાથના જિનાલયથી અને સારાયે સમૂહથી જરા દૂર, કંઇક વાયવ્ય કોણમાં આવેલું છે, આ પાંચે મંદિરો ઉત્તરાભિમુખ છે, આલીશાન અને ઐતિહાસિક છે. એની સ્થાપત્ય કળા આજે પણ દર્શનાર્થીઓને આબુ પરના દેલવાડાનાં મંદિરો જેટલી જ મુગ્ધ બનાવે છે.

શ્રીનેમિનાથ ભગવાનનું જિનાલય

અહીં આવેલાં પાંચે મંદિરોમાં આ મંદિર સૌથી મોટું, ઉન્નત અને વિશાળ છે. આ મંદિર મૂળગભારો, વિશાળ ગૂઢમંડપ, દશચોકી, સભામંડપ, ગોખલા, શૃંગારચોકી બંને બાજુના મોટા ગભારા ચોવીશ દેવકુલિકાઓ વિશાળ રંગમંડપ, શિખર અને કોટથી યુક્ત છે. મંદિરનું દ્વાર ઉત્તર દિશામાં છે. મંદિરમાં બહારના દ્વારથી પ્રવેશ કરતાં રંગમંડપ સુધી જવાને પગથિયાં છે. પગથિયાં ઉપર નોબતખાનાનો ઝરુખો છે. મંદિરનું શિખર ઉન્નત અને વિશાળ છે. આનું શિખર તારંગાના પહાડ ઉપર આવેલા શ્રીઅજિતનાથ ભગવાનના દેરાસરના શિખરને મળતું આવે છે. સમગ્ર શિખર આરસપાષણનું બનેલું છે.

મંદિરની મૂર્તિઓ અને લેખો

દેરાસરની બાંધણી એવી માપસર અને સુંદર છે કે, મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઉભા રહીને પણ મૂળનાયક ભગવંતના દર્શન થઇ શકે.

મૂળગભારામાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની ભવ્ય અને રમણીય મૂર્તિ બિરાજમાન છે. તેમની આસપાસ પાષણનું એકતીર્થીનું મોટું પરિકર હતું. અને મોટા બે ઇન્દ્રો પણ હતાં તે જિર્ણોદ્ધાર વખતે ખંડિત થતાં મંદિરની પાછલી ભમતીમાં મૂકેલા જોવાય છે. આ મૂળનાયકની મૂર્તિના પબાસન ઉપર સંવત-1675 માં આચાર્ય વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ડા થયાનો લેખ છે.

ગૂઢમંડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તેમા મુખ્ય દરવાજા પાસેના કાઉસગ્ગીયા ઉપર સંવત- 1214ના લેખો છે. તેમાં “આરાસણાનગર-નેમિનાથ ચૈત્યમાં આ કાઉસગ્ગીયા સ્થાપન કર્યા એમ લખેલું છે. બીજા બે કાઉસગ્ગીયા ઉપર સંવત 1214ના લેખો છે.

સંવત 1310ના લેખવાળો એક 170 જિનનો સુંદર પટ છે. પરિકરમાંથી છૂટા પડેલા 4 કાઉસગ્ગીયા અને 1 યક્ષની પ્રતિમા છે. કાઉસગ્ગીયા પાસે ભીંત અગર સ્તંભમાં બે મૂર્તિઓ છે અને 1 ધાતુની પંચતીર્થી છે.

અહીં છ ચોકીને બદલે બે હારમાં થઇને દશ ચોકી છે. તેમાં ડાબા હાથ તરફની ચોકીના ગોખલામાં નંદીશ્વરદ્વીપની સુંદર રચના કરેલી છે. તેના ઉપર સંવત 1323નો લેખ છે. તેની બાજુના એક સુંદર ગોખલામાં એક કાઉસગ્ગીયા પ્રતિમા છે , જેની ઉપર એક જિન પ્રતિમા બિરાજમાન છે.

જમણા હાથ તરફની છચોકીની એક દેરીમાં અંબાજી માતાની મોટી મૂર્તિ છે. છચોકીના ડાબા હાથ તરફના કોરણી ભર્યા એક સ્તંભ ઉપર સંવત -1310ના વૈશાખ સુદિ 5નો લેખ છે. એ સ્તંભ ‘પોરવાડ શ્રેષ્ડી આસપાલે આરસણનગરના અરિષ્ટનેમિ જિનાલયમાં ચંદ્રગચ્છીય શ્રીરત્નપ્રભસૂરિના ઉપદેશથી એક સ્તંભ યથા શક્તિ બનાવ્યો’ એવી હકીકત લખી છે. છચોકીનાં સામેના બે ગોખલા ખાલી છે. તે પૈકી એકમાં ખાલી પરિકર છે. બાજુમાંના ત્રણ ગોખલા મૂર્તિ વિનાના છે. સભામંડપના ડાબા હાથ તરફના ગભારામાં મૂળનાયક શ્રીઆદીશ્વર ભગવંતની આરસપાષણની એકતીર્થી પરિકરયુક્ત મનોહર પ્રાચીન પ્રતિમા છે. આ મૂર્તિની શ્રીવિજયદેવસૂરિએ સંવત 1675માં પ્રતિષ્ઠા કર્યાનો લેખ છે. એ ગભારામાં બાજુના બે ગોખલામાં મૂર્તિઓ નથી પણ સંવત 1335ના લેખોવાળાં પરિકરો મૌજુદ છે.

જમણા હાથ તરફનાં ગોખલામાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવંતની પ્રાચીન એકતીર્થના પરિકરયુક્ત ભવ્ય અને દર્શનીય પ્રતીમા છે. આ પ્રતિમા એવડી મોટી છે કે નીચે ઉભા રહીને ભગવંતના લલાટની પૂજા કરી શકાતી નથી, તેથી તેુની બાજુમાં લાકડાની ઘોડી મૂકેલી છે.

મૂળગભારાની પાછળના ભાગની મંદિરની ભીંતમાં સુંદર કોરણી કરેલી છે. મંદિરની પાછલી ભમતીમાં પરિકર, સેંકડો ટુકડા પબાસણ અને ગાદીના ટુંકડા, કાઉસગ્ગીયા, પરિકરમાંથી છુટા પડી ગયેલા ખંડિત-અખંડિત ઇંદ્રો, અનેક સ્તંભોયુક્ત નકશીદાર સુંદર તોરણો વગેરે પડેલાં છે. વળી, આમાં જિનમાતૃપટો, ચોવીશીના પટો છે, જેમાં લગભગ સો જેટલા લેખો પણ છે. એક લેખ સંવત 1204નો છે એટલે એ પહેલાં આ મંદિર બન્યું હશે, કેમકે તેમાં ‘આરાસણ-અરિષ્ટનેમિચૈત્ય’ એવો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો વાંચી શકાય છે.

મંદિરના પાછલા ભાગના ગોખલામાં ‘સમળીવિહાર’ના પટનો નીચેનો અર્ધ ભાગ ચોંટાડેલો છે.

આ પટમાં લંકાના રાજા બેઠેલા છે. તેમના ખોળામાં રાજકુમારી છે. ભેટણું ધરીને ઉભેલા જૈન ગૃહસ્થો, પાદુકા અને અશ્વ વગેરેની આકૃતિ આરસમાં કોતરેલી છે.

બાકીનો ઉપરનો અડધો પટ અહીં દેરીઓ પાસે જ્યાં દેરીઓના પબાસન વગેરે કાઢી નાખેલાં પડયાં છે ત્યાં દિવાલ પાસે મૂકેલો છે, તેમાં સમુદ્ર, નર્મદા નદી, ઝાડી, સમળી, પારધિ, જૈનાચાર્ય અને વહાણની સુંદર આકૃતિ આલેખી છે.

આ બંને ભાગને સાંધીને એકજ સ્થળે ચોંટાડવા જોઇએ જેથી લેખ સાથેની શિલ્પકૃતિ જળવાઇ રહે. આબુ ઉપરનાં મંદિરમાંના પટ જેવો જ આ પટ છે, તેની ઉપર સંવત 1338નો લેખ છે.

આ દેવાલયની જગતીમાં-ભિટ્ટમાં ચારે બાજુએ ફરતી ગજસર છે. તેમજ નર-નારી જોડલાની નરસર છે. તદુપરાંત દેવ, યક્ષ, યક્ષિણીનાં મોટાં પૂતળાં ફરતે બેસાડેલાં છે, કેટલેક સ્થળે જોડલાંની આકૃતિઓ પણ કોરેલી નજરે પડે છે.

મંદિરમાં ઘૂમટના અમલસારની નીચે ચારે બાજુએ મોંઢાં મૂકેલાં છે. મંદિરમાંની દેવકુલિકાઓના અગ્રભાગના છેડા ઉપર આવેલા સ્તંભો, તેમજ દેવગૃહની પરસાળમાંના સ્તંભો આબુ ઉપર આવેલા દેલવાડાના વિમલવસહી મંદિરના જેવા જ છે.

રંગમંડપની બીજી બાજુ ઉપરના દરવાજામાં તેમજ છેડેના બે સ્તંભોની વચ્ચેની કમાનો ઉપર મકરનાં મુખો મુકવામાં આવ્યાં છે. એ તોરણ ઉપરના પથ્થરની નીચેની બાજુને સ્પર્શે છે. આ તોરણ આબુ ઉપરના વિમલવસહી મંદિરમાંના તોરણ જેવું જ છે.

મંડપના સ્તંભોની તેમજ પરસાલના સ્તંભોની ખાલી કમાનો, જે ગૂઢમંડપના હારની બરાબર સામે રહેલી છે અને ઉપરના પાટડાની નીચે આવેલા આગળા ઉપરથી જણાય છે કે, પહેલાં આવાં બીજા કેટલાંક તોરણો અહીં હતાં પણ આજે તે નષ્ટ થયાં લાગે છે.

મંદિરમાં બધા મળીને 94 સ્તંભો છે. જેમાં 22 સ્તંભો સુંદર કોરણીવાળા છે. અને બીજા સ્તંભો સાદા છે.કોરણીવાળા સ્તંભોમાં દેવ-દેવીઓ અને વિદ્યાધરીઓની આકૃતિઓ આલેખી છે.

રંગમંડપમાં પૂજા-મહોત્સવ વખતે સ્ત્રીઓને બેસવાના ઝરુખાઓ પણ છે.

અહીં ઝીણી નજરે તપાસતાં જૂના કામને બદલે નવું કામ એવીજ સફાઇથી કર્યું હોવાનું જોવાય છે. સભામંડપના ઘૂમટમાં ત્રણસો વર્ષ પહેલાં રંગનું કામ કરેલું છેતે જાણે તાજું જ હોય એમ દેખાય છે. રંગમંડપમાં પણ કોરણી ઉપર રંગ કર઼ેલો છે. આ રંગમંડપ અને ચોકીની કોરણી આબુ ઉપરના દેલવાડાનાં મંદિરમાંની કોરણી જેવી અત્યંત સુંદર છે.

મંડપના મધ્યભાગ ઉપર આધુનિક છાપરૂ છે. જેનો આકાર ઘૂમટ જેવો છે. તેના ઉપર રંગ કરેલો હોવાથી તે શોભાયમાન લાગે છે. આજુબાજુએ એક વાંસનું પાંજરૂં મૂકેલું છે. જેથી તેમા પંખીઓ કે ચામાચીડીયાં પ્રવેશી શક્તાં નથી.

મંદિરની દેવકુલિકાની ભીંતો પ્રાચીન છે. પણ શિખર તેમજ ગૂઢમંડપની બહારનો ભાગ પાછળથી બનાવેલો હોય એમ લાગે છે. તેને ઇંટથી ચણી લઇ પ્લાસ્ટર કરીને આરસ જેવો સાફ કરેલો છે. મંડપના બીજા ભાગની છત તથા ઓસરીની છત સાદી કે અર્વાચીન છે. મૂળગભારાની જમણી બાજેએ ઉપરના ભાગે પાટડાને ટેકો આપતી જે ત્રણ કમાનો ચણેલી છે તે સાથેના સ્તંભ સુધી લંબાવેલી છે.

મંદિર નિર્માતા

શ્રીધર્મસાગર ગણિએ રચેલી ‘તપાગચ્છ-પટ્ટાવલી’ માં જણાવ્યું છે કે, વાદિદેવસૂરિએ (સમય વિક્રમસંવત-1174 થી 1226) આરાસણમાં શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.

સપ્તતિ ’ગ્રંથ પ્રમાણે પાસિલ નામના શ્રેષ્ઠિએ આ શ્રીનેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને શ્રીવાદિદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી.

શ્રીમહાવીસ્વામી ભગવાનનું મંદિર

શ્રીનેમિનાથ ભગવાનના દેરાસરની પૂર્વ બાજુની ટેકરીથી નીચા ભાગમાં ઉ્ત્તરદિશાના દ્વારવાળું શ્રીમહાવીરસ્વામી ભગવાનનું મંદિર છે. આ મંદિરને બીજાં પૂર્વ અને પશ્ચિમ તરફનાં દ્વાર પણ છે પરંતુ તે બંધ રાખવામાં આવે છે. પૂર્વ બાજુનું દ્વાર પેઢીના આગળ ચોકમાં પડે છે.

આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છચોકી, સભામંડપ, શૃગારચોકીઓ, તેની સામે આઠ ગોખલા અને બંને તરફની આઠ-આઠ દેવકુલિકાઓ મળીને કુલ 24 દેરીઓ અને શિખરથી સુશોભિત છે. આખુંયે મંદિર આરસપાષાણનું બનેલું છે. મૂળગભારામા મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનની એકતીર્થના પરિકરયુક્ત મનોહર અને ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયકની મૂર્તિ ઉપર સંવત 1675નો શ્રીવિજયદેવસૂરિએ આ આરાસણના નગરમાં પ્રતિષ્ઠા કર્યોનો લેખ છે. મૂળનાયકના પરિકરની ગાદી નીચે સંવત 1120નો જૂની લિપિમાં લેખ છે. તેમાં પણ આરાસણના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરથી જણાય છે કે, આ મંદિર લગભગ એ સમયમાં કે તે પહેલાં બનેલું હોવું જોઇએ.

મૂળનાયકની બંને બાજુએ એકેક યક્ષની તેમજ એક અંબાજી માતાની પ્રતિમા છે.

ગૂઢમંડપમાં પરિકરયુક્ત બે ભવ્ય કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તે બંને ઉપરના લેખો કંઇક ઘસાઇ ગયા છે પણ તે સંવત 1118 ના લેખો હોવાનું સ્પષ્ટ જણાય છે. અહીંથી મળી આવેલા પ્રતિમાલેખોમાં આ લેખ સૌથી પ્રાચીન છે. આ લેખ કરતાંયે પ્રાચીન એવા સંવત 1087નાં લેખની નોંધ મુનિ શ્રી જયંતવિજયજીએ પોતાના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં નોંધી છે, એ લેખથી જણાય છે કે આ મંદિર સંવત-1087 પહેલાં બની ચૂક્યું હતું.

મૂળગભારાની બારશાખમાં બંને બાજુએ એકેક નાની કાઉસગ્ગીયા પ્રતિમાઓ કોતરેલી છે. ત્યાં પરિકરથી છૂટી પડેલી બીજી 3 કાઉસગ્ગીયા પ્રતિમાઓ પણ છે.

બધી દેવકુલિકા અને ગોખલાઓ મળીને કુલ 24 છે. તે પૈકી એકમાં પરિકર નથી, ત્રણ દેરીમાં જે પરિકરો છે તે અધૂરાં છે. એકમાં ત્રણ તીર્થીનું પરિકર છે. બાકીની બધીયે દેરીઓમાં પંચતીર્થીનાં આખા પરિકરો લાગેલાં છે. દેરીઓના પબાસણની ગાદી ઉપર પ્રાય:બધા ઉપર સંવત-1140થી સંવત- 1145 સુધીના લેખો હોવાનું જણાય છે. ઉપર્યુક્ત પરિકરોમાં જિનપ્રતિમાઓ નહોતી પણ મહુડિયાપાદર નામના ગામના ખંડિયેર દેરારસમાંથી આવેલી પ્રતિમાઓ અહીંની દેરીઓમાં પધરાવેલી છે.

કુંભારિયાથી આશરે 20 ગાઉ ઉપર દક્ષિણ દિશામાં દાંતા રાજ્યની હદમાં મહુડિયાપાદર નામે ગામ છે. તેની પાસેના જંગલમાં લગભગ અડધા માઇલ જેટલી જગામાં દેરાસરનાં ખંડિયેરોમાં મોટો પથ્થર ઉખેડાતો હતો ત્યારે પથ્થર ઉપાડતાં ભોંયરૂં જણાયું . દાંતાના રાજવીને આ હકીકતની જાણ થતાં તેમણે તે સ્થળે ચોકી બેસાડી પાકો બંદોબસ્ત કર્યો સંવત 2000(ઇસ્વીસન્ 1944)માં દાતા રાજ્ય તરફથી જંગલ સાફ કરાવીને ભોંયરું ખોલવામાં આવ્યું તો તેમાંથી જિનપ્રતિમાઓ નીકળી આવી. ને બધી પ્રતિમાઓ દાંતા લાવવામાં આવી. તે બધી પ્રતિમાઓ શ્વેતાંબર જૈન આમાન્યાની હોવાનો નિર્ણય થતાં રાજ્યે દાંતાનાં શ્રી જૈન સંઘને તે પ્રતિમાઓ સુપરત કરી. તે પ્રતિમા કુંભારિયાના જિનાલયમાં સ્થાપન કરવાની સૂચના થતાં દાંતાના શ્રીસંઘે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ખબર આપી અને કુંભારીયાજીમાં પણ સમાચાર મોકલ્યા. સંવત 2000(ઇસ્વીસન્ 1944)ના માહ મહિનાની વદિ 13ના દિવસે એ બધી પ્રતિમાઓને ગાડામાં પધરાવી કુંભારીયાજીમાં લાવ્યા.ચક્ષુ-ટીકાથી વિભૂષત કરીને સંવત 2001ના જેઠ સુદિ 10ના રોજ અઢાર અભિષેક કરીને તે બધી પ્રતિમાઓ શ્રીમહાવીરસ્વામી ભગવાનના દેરાસરની દેરીઓમાં સ્થાપિત કરી.

મંદિરના દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશ કરતાં ડાબા હાથ તરફ એક સમવસરણની દેરી છે. તેમાં પ્રતિમાજી નથી પણ સમવસરણની નકશીભરી રચના પીળા આરસ ઉપર કરેલી છે. અને એ છત્રીવાલા સમવસરણમાં ત્રણ ગઢ અને પર્ષદાની સ્પષ્ટ આકૃતિઓ કોરેલી છે.

રંગમંડપના વચલા ભાગમાં ઉંચે કોરણીભર્યા એક ઘૂમટ છે, જે ભાંગેલો છે તે રંગેલો અને ધોળેલો છે. આ ઘૂમટનો આધાર અષ્ટકોણાકૃતિમાં આવેલા પરસાલના છે.

અને તે આબુના વિમલશાહના દેવાલયના સ્તંભો જેવા છે. બાકીના સાદા છે. પહેલાં આ સ્તંભની દરેક જોડને મકરના મુખથી નીકળેલા તોરણોથી શણગારવામાં આવી હતી પણ હાલ એક સિવાય બધાં તોરણો નષ્ટ થયાં છે. રંગમંડપના બિજા ભાગોની છતના જુદા-જુદા વિભાગો પાડયાં છે, જેના ઉપર આબુના વિમલશાહના દેરામાં છે તેવાં જૈનચરિત્રોનાં જુદાં જુદાં દ્રશ્યો આલેખવામાં આવ્યાં છે.

છચોકી તથા સભામંડપ અને ભમતીની દેરીઓની વચ્ચેના બંને તરફના થઇને છતના 14 ખંડોમાં ખૂબ કોરણી છે. તેમાંના પાંચ ખંડોમાં સુંદર ભાવો કોતરેલા જણાય છે.

(1) રંગમંડપ અને ભમતીની દેરી વચ્ચેની છતના જમણા હાથ તરફના સાતમાં ખંડમાં- અતીત અને ભાવિ ચોવીશીનાં માતા-પિતા એકેક છત્રપર કોરેલા છે.

(2) બીજા ખંડમાં-વર્તમાન ચોવીશી તથા તેમનાં માતા-પિતા છે. તે જ ખંડમાં ચૌદ સ્વપ્ન છે. ઇંદ્ર મહારાજે ભગવાનને મેરુ પર્વત ઉપર લઇ જઇને ખોળામાં બેસાડ્યા છે અને બંને બાજુ ઇંદ્ર મહારાજ કળશો દ્વારા અભિષેક કરે છે. કમઠ તપાસ પંચાગ્નીનો તપ કરે છે તે વખતે પાર્શ્વકુમાર સેવક મારફત લાકડામાંથી સર્પ કાઢી બતાવે છે. તે પછી ધરણેન્દ્ર ભગવાનને નમસ્કાર કરવા આવ્યો છે. પાર્શ્વનાથ પ્રભુનું સમવસરણ તથા અનુત્તર વિમાનના ભવ વગેરે ભાવો કોતરાયેલા છે.

(3) ત્રીજી છતમાં- શ્રી શાંતિનાથ ભગવાનનું સમવસરણ છે તેમનાં માતાપિતા વગેરે છે- બીજી બાજુએ શ્રીનેમિનાથ ભગવાનના પંચકલ્યાણકનો ભાવ કોતરેલો છે.

(4) છટ્ઠા ખંડમાં- મહાવીરસ્વામી ભગવાનના પાછલા સત્તાવીસ ભવો તેમજ પંચકલ્યાણક અને તેમના જીવન સંબંધી વિશિષ્ટ ઘટનાઓ છે અને ચંદનબાળાના પ્રસંગો, જેવાકે તપસ્યા, કાનમાં ખીલા ઠોકવા, ચંડકોશિયો નાગ વગેરે ઘટનાઓ છે. સાતમાં ખંડમાં પણ-ઋષભદેવ ભગવંતના પંચકલ્યાણકનો ભાવ તથા ચાર, પાંચ હાથી , ઘોડા વગેરેના વિશિષ્ટ ભાવ છે. બધા ભાવો ઉપર નામો લખેલાં છે.

(5) ડાબી બાજુનાં સાતમાં ખંડમાં-આચાર્ય મહારાજ સિંહાસન ઉપર બેઠેલા છે, શિષ્ય નમસ્કાર કરે છે અને ગુરુ તેમના ઉપર હાથ મૂકે છે. વળી, વચમાં બીજા આચાર્ય મહારાજ, જેઓ હાથ જોડીને નમસ્કાર કરે છે તેમની સામે ઠવણી –સ્થાપનાચાર્યજી પણ છે.

તેવીજ રીતે પહેલી છતમાં પણ એવા જ ભાવો છે

એક છતમાં –આચાર્ય મહારાજ વ્યાખ્યાન આપી રહ્યા છે અને તેમની આગળ ચતુર્વિધ સંઘ આવીને ઉપદેશ સાંભળી રહ્યા છે. બીજા ભાગમાં આચાર્ય મહારાજ સાઘુઓને દેશના આપી રહ્યા હોય એવો દેખાવ છે. ત્રીજામાં દેવીઓની આકૃતિઓ કોતરેલી છે. તેની પાસેના ભાગમાં દેવોના નૃત્યનો દેખાવ આપેલો છે. સાતમાં ભાગમાં ભગવાન મહાવીરસ્વામી દેશના આપી રહ્યા છે. ત્યાં ગણઘર ભગવંતો બેઠેલા છે અને શ્રોતાઓ જુદા જુદા વાહનો ઉપર સવારી કરીને દેશના સાંભળવા આવી રહ્યાં હોય એવો ભાવ આલેખ્યો છે.

આ બધા ભાવો નીચે આરસમાં ભાવોની સમજૂતીના અક્ષરો પણ કોતર્યા છે, અને તેમાં રંગ પૂર્યા છે.

આવા ભાવોનું આલેખન બીજે ક્યાંય જોવા મળતું નથી.

સભામંડપમાંથી બહાર નીકળતાં જે ચોકી આવે છે તેમાં બે ગોખલા છે અને ઉપર નાના છ ઘૂમટો છે. તેમાં સભામંડપના બારણા ઘૂમટ અદ્દભૂત કારીગરીવાળો છે. તેમાં આરસના જે પડદા કોતરેલા છે તેની નકલ કાગળ ઉપર પણ કરવી અશક્ય છે. આવો ઘૂમટ ભાગ્યે જ બીજે જોવા મળે. બાકીના પાંચ ઘૂમટમાં પણ અદ્દભૂત નકશીભર્યા ભાવો આલેખ્યા છે. તેમાં લટકતું લોલક કમળ છે અને પડદા પણ કોતર્યા છે .

ચોકીથી નીચે ઉતરતાં રંગમંડપમાંના ઘૂમટની કોરણી આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે એવી છે. તેમાં જાણે છીપો જડી હોય એવો દેખાવ કરેલો છે. ઘૂમટની વચ્ચે આરસનું લટકતું ઝુમ્મર કમળ આકારે કોતરેલું છે. આ બધું કલામય દ્રશ્ય તો આબુનાં દેલવાડાનાં મંદિરોથીયે ચડિયાતું હોય એમ જણાય છે.

દેવકુલિકાની ભીંતો હાલમાં બંધાયેલી છે, પણ શિખર જૂના પથ્થરના કટકાનું બનેલું છે. ગૂઢમંડપ જૂનો છે. તેને પહેલા બંને બાજુએ બારણાં તથા દાદરો હતા. હાલમાં તે બારણાં પૂરી નાખેલાં છે. તેના ઠેકાણે માત્ર બે જાળિયાં રાખેલાં છે, જેથી અંદર અજવાળું આવી શકે છે. ગૂઢમંડપની બારશાખમાં ઘણું અજવાળું આવી શકે છે. ગૂઢમંડપની બારશાખમાં ઘણું જ કોતરકામ છે પણ દેવકુલિકાઓની બારસાખોને નથી.

ડાબી અગર પશ્ચિમ બાજુએ બે જૂના સ્તંભોની સાથે બે નવા સ્તંભો છે, જે ઉપરના ભાંગેલા ચોરસના આધારરૂપ છે. દક્ષિણ ખૂણાની પૂર્વ બાજૂમાં આવેલી ત્રીજી તથા ચોથી દેવકુલિકાની બારશાખો બીજી દેવકુલિકાઓ કરતાં વધારે કોતરેલી છે ત્રીજી દેવકુલિકાની આગળ, ઉપરના ચોરસની નીચેની બાજુને અડકનારી એક કમાનના આધારરૂપ સ્તંભો ઉપર બે બાજુએ ‘કીચક’(બ્રેકેટ્સ) જોવામાં આવે છે. આ બાબત ખાસ જાણવા જેવી છે, કારણકે બીજે કોઇ ઠેકાણે અગ્રભાગમાં અગર દેવકુલિકામાં આ પ્રમાણે હોતું નથી.

શ્રી મહાવીરસ્વામી ભગવાન પાસેના મૂળગભારામાં બે સ્તંભો ઉપર સુંદર નકશીવાળું તોરણ હતું તે હાલ સમવસરણના દરવાજા બહાર લાવીને ગોઠવ્યું છે. તેના ઉપર સંવત 1213નો લેખ છે.

શ્રીપાર્શ્વનાથ ભગવાનનું મંદિર

શ્રીમહાવીરસ્વામી ભગવાનના દેરાસરની પૂર્વ બાજુએ શ્રીપાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય અને વિશાળ મંદિર છે. આ મંદિરની બાંધણી શ્રીનેમિનાથ ભગવાનના મંદિર જેવી છે. આ મંદિરની પશ્ચિમ દિશાનું બારણું પેઢી આગળના ચોકમાં પડે છે. અને એ બારણાથી વિશેષ અવરજવર રહેતી હોવાના કારણે ઉત્તર દિશાનું બારણું બંધ રાખવામાં આવ્યું છે.

આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છચોકી, સભામંડપચ, શૃંગારચોકીઓ, બંને તરફ થઇને 24 દેરીઓ, 1 ગોખલો અને શિખરબંધી બનેલું છે. આખુંયે મંદિર આરસપાષણથી બંધાયું છે.

મૂળગભારામાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની સુંદર પરિકરયુક્ત એકતીર્થી મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ડા કર્યાનો સંવત 1675નો લેખ છે.

ગૂઢમંડપમાં શ્રીશાંતિનાથ તથા શ્રીપાર્શ્વનાથ પ્રભુની પરિકરયુક્ત બે કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તેના ઉપર સંવત 1176ના લેખો છે. ડાબા હાથ તરફ ત્રણતીર્થી વાળું એક મોટું ખાલી પરિકર સ્થાપન કરેલું છે. તેમાં મૂળનાયકજીની મૂર્તિ નથી. પરિકરમાંથી છૂટી પડી ગયેલી 3 કાઉસગ્ગીયા પ્રતિમાઓ અને એક અંબાજી માતાની મૂર્તિ પણ છે.

છચોકીઓમાં બંને બાજુના બે ગોખલાઓ પૈકી એક ગોખલામાં આખું પરિકર, સ્તંભો સહિત તોરણ વગેરે સુંદર કોરણીથી ભરેલું છે.

ગૂઢમંડપ અને સભામંડપના ઘૂમટો, છચોકીનો સમ્મુખ ભાગ, છચોકી અને સભામંડપના ચાર સ્તંભો, એક તોરણ, બંને તરફ ને વચ્ચેની એકેક દેરીના દરવાજા, સ્તંભો, ઘૂમટો, માથેનાં શિખરો અને પ્રત્યેક ગુંબજોમાં સુંદર કોરણી કરેલી છે. સ્તંભો ઉપર દેવીઓ, વિદ્યાધરીઓ તેમજ બીજી કોરણી છે.

મંદિરમાં ઉત્તર દરવાજાથી પ્રવેશ કરતાં જમણા હાથ તરફ મકરાણાના નકશીદાર બે સ્તંભો ઉપર મનોહર તોરણ છે. તેમાંના એક સ્તંભ ઉપર સંવત-1181નો લેખ છે.

ગોખલામાં પ્રતિમાજી નથી.એક ગોખલામાં ફક્ત પરિકરવાળી ગાદી જ છે.

ગૂઢમંડપ અને સભામંડપના ઘૂમટો , છચોકીનો સમ્મુખ ભાગ, છચોકી અને સભામંડપના ચાર સ્તંભો, એક તોરણ, બંને તરફ ને વચ્ચેની એકેક દેરીના દરવાજા, સ્તંભો, ઘૂમટો માથેનાં શિખરો અને પ્રત્યેક ગુમ્મજોમાં સુંદર કોરણી કરેલી છે. સ્તંભો ઉપર દેવીઓ, વિદ્યાધરીઓ તેમજ બીજી કોરણી છે.

બે દેરીઓમાં ખાલી પબાસન છે. પરિકર નથી. બે દેરીમાં અધૂરાં પરિકર છે. બે દેરીઓમાં નકશીદાર સ્તંભો યુક્ત સુંદર તોરણો લાગેલાં છે. બીજી દેરીઓમાં પરિકર અને પબાસન છે. એક ગોખલામાં પબાસન અને પરિકરની ગાદી છે. દેરીઓમાંની પરિકરની ગાદી ઉપર ઘણે ભાગે તેરમી શતાબ્દિના મધ્યભાગના લેખો છે. સંવત-1259ના લેખમાં ‘આરાસણમાં મંડલિક પરમાર ધારાવર્ષદેવનું વિજયી રાજ્ય’ એમ લખેલું છે.

છેલ્લા ગોખલાના પબાસનની ગાદી ઉપર સંવત – 1161નો લેખ છે.

ગૂઢમંડપનો મુખ્ય દરવાજો અને નકશીવાળી બંને દેરીના દરવાજા માથે ચ્યવન કલ્યાણકનો ભાવ અને 14 સ્વપ્નો કોતરેલા છે.

આ મંદિરના સ્તંભો તથા ગોઠવણી શ્રીમહાવીરસ્વામી ભગવાનના મંદિરના જેવી છે. પણ શ્રીશાંતિનાથભગવાનના મંદિરની મા઼ફક આમાં માત્ર ચાર તોરણો છે. જેમાંથી દેવકુલિકાની પરસાલની સામે આવેલા દાદર ઉપરનું એક જ હાલમાં બચી રહ્યું છે.

આમાં શ્રીનેમિનાથભગવાનના ચૈત્યની માફક ઘૂમટની આજુબાજએ વાંસના સળિયા લગાડેલા છે. દેવકુલિકાનો બહારનો ભાગ તેમજ ગૂઢમંડપનો એક ભાગ અર્વાચીન છે. દાદર સાથે આવેલા બે સ્તંભોની વચ્ચેની એક જૂની બારશાખ ગૂઢમંડપની પશ્ચિમની ભીંતમાં ચણવામાં આવી છે. પણ આ દ્વાર બંધ કરવામાં આવ્યું નથી. ભીંતની બીજી બાજુએ આવીજ બારશાખો ગોઠવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેમ લાગે છે. કારણકે ભીંત આગળ બે સ્તંભો ઉભા કરવામાં આવ્યા છે.

મૂળ દેવગૃહની બારશાખ ઉપર સારું કોતરકામ કરવામાં આવ્યું છે પણ તેના ઉપર પાછળથી ગુજરાતી રીતિ પ્રમાણે રંગ લગાડવામાં આવ્યો છે.

શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર

શ્રી મહાવીરસ્વામી ભગવાનના દેરાસર આગળ રસ્તો મૂ્કીને શ્રીશાંતિનાથ ભગવાનનું દેરાસર આવેલું છે. તેની રચના ભગવાન મહાવીરસ્વામીના દેરાસર જેવી જ છે. આ દે઼રાસરને પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર તરફનાં દરવાજા ખાસ કામ સિવાય બંધ રહે છે. માત્ર પૂર્વ તરફના દરવાજે અવરજવર ચાલુ છે.

આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છચોકી, સભામંડપ, મુખ્ય દરવાજાની બંને બાજુએ આવેલી 16 દેરીઓ અને 10 ગોખલાઓ તેમજ શિખરથી સુશોભિત છે. મંદિરની પાછળનો ભાગ ખુલ્લો છે. ત્રણે બાજુના દરવાજાની શૃંગારચોકીઓ વગેરે બધું આરસપાષણથી બનેલું છે.

મૂળગભારામાં મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાનની પરિકર વિનાની પ્રતિમા બિરાજમાન છે.

ગૂઢમંડપમાં પરિકરમાંથી છૂટા પડેલા 4 કાઉસગ્ગીયા, 2 ઇન્દ્રો અને 1 હાથ જોડીને ઉભેલા શ્રાવકની મૂર્તિ છે. આ બધુંયે ગૂઢમંડપમાં છૂટું મૂકી રાખેલું છે.

મૂળનાયકની નીચેની ગાદી સંવત 1302 નો લેખ છે પણ તે ગાદી જીર્ણોદ્ધાર વખતે ત્યાં લગાવવામાં આવી હશે એમ લાગે છે. આરાસણના શ્રાવકો તે ગાદી કરાવેલી છે અને તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવ્યાનું જણાવ્યું છે. જ્યારે મૂળનાયક શ્રીશાંતિનાથ ભગવાન છે.

છચોકીઓમાં ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બંને બાજુએ સુંદર કોરણીવાળા બે ગોખલા છે. તે પૈકી એકમાં એકતીર્થી નું ખાલી પરિકર લગાડેલું છે.

છચોકી અને સભામંડપના ગુમ્મજો તથા સ્તંભોમાં આબુ ઉપરના દેલવાડાનાં મંદિરો જેવી સુંદર કોરણી કરેલી છે. તેમાંયે છ સ્તંભોમાં વિશેષ કોરણી છે.

સભામંડપનું એક તોરણ કોરણીવાળું છે. ગૂઢમંડપમાં પ્રવેશ કરવાના દરવાજા ઉપર, તેની પાસેના સ્તંભો ઉપર, અને છચોકીના નીચેના ભાગમાં પણ કોરણી કરેલી છે.

છચોકી અને સભામંડપની બંને બાજુની છતોના 12 ખંડોમાં પણ આબુ-દેલવાડાનાં મંદિરો જેવા જુદા પ્રકારના સુંદર ભાવો કોતરેલા છે. છતમાં જે ભાવો કોતરેલા છે તેમાં ખાસ કરીને પંચકલ્યાણક સાથેના તીર્થંકરોના વિશિષ્ટ જીવનપ્રસંગો કલ્પસૂત્રમાં નિર્દેશેલી ઘટનાઓ, સ્થૂલિભદ્રનો પ્રસંગ વગેરે ભાવો ઉત્કીર્ણ છે. તે દરેકની નીચે સમજૂતી માટે અક્ષરો કોરેલાં છે. તે અક્ષરોમાં રંગ પૂરેલો ન હોવાથી દૂરથી વાંચી શકાતા નથી.

દરેક દેરીઓ અને ગોખલાઓમાં પબાસન અને પરિકરો છે. તેમાંથી કેટલીક દેરીઓમાંથી પરિકરો તોડી-ફોડીને તેના ભાગો છૂટા છૂટા જ્યાં ત્યાં મૂકેલાં છે. આ મંદિરની દેરીઓની પ્રતીમાઓ ઉપર સંવત-1087, સંવત-1110 તેમજ તે દેરીઓ ઉપર તથા તેની અંદરના પબાસનની ગાદીઓ ઉપર સંવત- 1138 ના લેખો છે. આ મૂળ મંદિર તો સંવત- 1087 અગર તેથીયે પહેલાં બન્યું હોય એમ લાગે છે.

અહીંના બધાં મંદિરોમાંથી મળી આવેલા લેખોમાં આ દેરાસરના લેખો પ્રાચીન જણાય છે. તેમાં સંવત-1087 નો લ઼ેખ સૌથી પ્રાચીન છે.

મંદિરમાં ડાબા હાથ તરફના ખૂણામાં ચતુદ્વારની દેરીંમાં સમવસરણના આકારવાળા સુંદર કોરણીભર્યા પબાસનમાં નીચે બે ખંડમાં ચારે દિશામાં ત્રણ-ત્રણ જિન પ્રતિમાઓને કોરેલી છે. તેના ઉપર એકજ પથ્થરમાં ત્રણ ગઢયુક્ત ચતુર્મુખ (ચાર પ્રતિમાવાળું) સમવસરણ મૂકેલું છે. તેના પર લેખ છે.

આ મંદિરની બાંધણી અહીંના શ્રીમહાવીરસ્વામી ભગવાનની મંદિર જેવી જ છે. ફરક માત્ર એટલો જ છે કે, ઉપરની કમાનની બન્ને બાજુએ ભગવાન મહાવીરસ્વામીના મંદિરની માફક ત્રણ ગોખલા નહીં પણ ચાર છે. આ દરેક ગોખલામાં સંવત 1138ના લેખો છે અને એક લેખ સંવત-1146 નો છે. વળી, મંડપના આઠ સ્તંભો, જે અષ્ટકોણાકૃતિમાં છે તે ઘૂમટને ટેકો આપે છે. તેના ઉપર ચાર તોરણો છે. આ બધાં તોરણો તૂટી ગયાં છે. ફક્ત પશ્ચિમ તરફનું અવશેષ બચી રહ્યું છે.

પાછળના ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરની રચના કરેલી છે. કેટલીક નાની નાની મૂર્તિઓ પણ છે. પણ મોટેભાગે તે ખંડિત થયેલી છે. બહાર ઓટલા ઉપરના ગોખલાની ભીંતમાં ચોડેલી મૂર્તિ સૂર્ય યક્ષની છે. તેને કેટલાક ‘ગણપતિની મૂર્તિ’ કહે છે. તેની બંને બાજુએ ભીંતમાં બીજી કેટલીક મૂર્તિઓ ચોંટાડેલી છે. એમાં એક મૂર્તિ ચામરધારી છે.

આ શાંતિનાથ ભગવાનના મંદિરમાં વસ્તુત:સર્વ પ્રથમ મૂળનાયક શ્રીઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હશે. મુનિ શ્રી જયંતવિજયજીના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં આપેલા સંવત 1148ના લેખાંક :28 (14/6) માં આ મંદિરનો શ્રીમદાદિજિનાલયે એવો ઉલ્લેખ કરેલો છે. આ સિવાય સંવત વિનાના લેખાંક;30 (150)માં ઋષભાલયે એવો ઉલ્લેખ મળે છે એટલે સંવત 1148 પછીના કોઇ સમયે અહીંના મૂળનાયકમાં ફેરફાર થયો હશે.

શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર

શ્રીનેમિનાથ ભગવાનના દેરાસરની દક્ષિણે લગભગ બસો વાર દૂર શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર આવેલું છે. બધાં મંદિરો કરતાં આ મંદિરની બાંધણી જૂદી પડે છે અને પ્રમાણમાં નાનું પણ છે.

આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, સભામંડપ, શૃંગારચોકી, કોટ તેમજ શિખરબંધી છે. મંદિરમાં પ્રદક્ષિણા પથ-ભમતી નથી. પાષાણનું છે. દરેક દરવાજામાં પ્રાય: કોરણી છે અને શિખરમાં પણ કોરણી કરેલી છે. મૂળગભારામાં મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનની મૂર્તિ બિરાજમાન છે. તેને એક પ્રાચીન વેદી ઉપર બેસાડેલી છે. કોઇને એ મૂર્તિ ઉપર સિહંનું લાંછન જણાતાં તેને મૂળનાયક શ્રીમહાવીરસ્વામીની મૂર્તિ હોવાનું પણ કહે છે પરંતું અત્યારે આ મંદિર શ્રીસંભવનાથ ભગવાનનું કહેવાય છે. પ્રાચીન ગ્રંથો અને ‘તીર્થમાળાઓ’ માં સંભવનાથના મંદિરનો ઉલ્લેખ નથી. વસ્તુત: પ્રાચીનકાળની ચિત્રશૈલીમાં સિંહની આકૃતિ ઘોડા જેવી જ હોય છે એટલે આ મંદિર ‘શ્રીમહાવીરસ્વામીનું મંદિર’ હશે એમ લાગે છે.

ગૂઢમંડપના એક ગોખલામાં પરિકર સાથેની પંચતીર્થીની એક પ્રતિમા સ્થાપન કરેલી છે. ગૂઢમંડપના દરેક ગોખલામાં મૂર્તિ વિનાનાં ખાલી પરિકરો નં. 10 છે, તેમજ એક શ્રાવક-શ્રાવિકાનું યુગલ છે.

આરાસણનાં આ ચાર મંદિરોનું શિલ્પ-સ્થાપત્ય, સ્તંભો, કમાનો, છતોમાં આલેખેલા ભાવો અને રચના આબુ ઉપરના દેલવાડાના વિમલવસહી મંદિર જેવાં છે એટલે સંવત 1088 માં વિમલવસહીની પ્રતિષ્ઠા થઇ તે પહેલાં એક વર્ષ અગાઉ અહીંના શ્રીશાંતીનાથ ભગવાનના મંદિરમાંથી મળી આવતા પહેલી દેરીના સંવત 1087ના લેખના આધારે કહી શકાય કે એ સમય પહેલાં આરાસણમાં મંદિરો બાંધવાનો પ્રારંભ થયો.

ઉપલબ્ધ ઐતિહાસિક ઉલ્લેખો

આ મંદિર કોણે બંધાવ્યા એ વિશે કોઇ નિર્ણયાત્મક હકીકત મળી નથી, છતાં શ્રીશીલવિજયજી પોતાની ‘તીર્થમાલા’ માં નોંધે છે કે

“આરાસણિ છિં વિમલવિહાર, અંબાદેવી ભુવન ઉદાર.” (જૂઓ,પ્રાચીન તીર્થમાલા ભાગ-1,પૃષ્ઠ-103, કડી-31)

શ્રી સૌભાગ્યવિજયજીએ સંવત 1750 માં રચેલી ‘તીર્થ માલા ’માં પણ જણાવ્યું છે

“આરાસણ આબુગઢે જે નર ચઢેં રે

વર્ષગાંઠ

મૂળનાયક નેમિનાથ ભગવાનની વર્ષગાંઠ મહાસુદ-5ના દિવસે ઉજવવામાં આવે છે.

પ્રસંગો

મૂળનાયક નેમિનાથ ભગવાનની વર્ષગાંઠમહાસુદ-5
કલ્યાણક-ચ્યવન કલ્યાણકઆસો વદ-12
જન્મ કલ્યાણકશ્રાવણ સુદ-5
દીક્ષા કલ્યાણકશ્રાવણ સુદ-6
કેવળજ્ઞાન કલ્યાણકભાદરવા વદ-0))
નિર્વાણ કલ્યાણકઅષાઢ સુદ-6

સમયપત્રક

દેરાસર ખોલવાનો સમયસવારે 06-30 કલાકે
મેઇન દેરાસરમાં પ્રક્ષાલ પૂજાસવારે 09-30 કલાકે
બીજા દેરાસરમાં પ્રક્ષાલ પૂજાસવારે 08-00 કલાકે
આંગીસાંજે 04-00 કલાક પછી
ભાવનાઅનુકૂળતા પ્રમાણે ભણાવાય છે.
ધી બોલીનો દરરૂા. 5/- એક મણના
આરતી સાંજેસાંજે 07-30 કલાકે
મંગળ દીવોસાંજે 07-35 કલાકે
દેરાસર માંગલિક કરવાનો સમયસાંજે 08-00 કલાકે

ધર્મશાળા તથા ભોજનશાળા

શ્રી કુંભારિયાજી તીર્થ ખાતે તમામ સુવિધાઓ સાથે નવનિર્મિત

બે વિશાળ ધર્મશાળાઓ જેમાં નાના મોટા ર૭ રૂમો તથા ર હોલ છે, યાત્રિક ભાઈ બહેનો માટે કાર્ય રાત છે
તમામ સગવડતા સાથેની ભોજનશાળા પણ સુંદર રીતે ચાલે છે.

યોજનાઓ

કાયમી તિથિઓની વિગત
શ્રી સર્વસાધારણ કાયમી તિથિરૂા.5,000/-
શ્રી દેરાસર સાધારણ કાયતી તિથિરૂા.3,000/-
શ્રી દેરાસર આંગી કાયમી તિથિરૂા.5,000/-
શ્રી અખંડ દિપક કાયમી તિથિરૂા.1,100/-
શ્રી ઉકાળેલા પાણી કાયમી તિથિરૂા.1,111/-
શ્રી ભોજનશાળા (1 ટંક) કાયમી તિથિરૂા.5,000/-
શ્રી નવકારશીરૂા.3,000/-

નજીકના તીર્થ સ્થળો

ફોટો ગેલેરી

સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી કુંભારીયાજી તીર્થ,
પો.અંબાજી, પીન- 385110.
વાયા-પાલનપુર

કાર્યાલય ફોન નં.: 02749 262178
મોબાઇલ: 9428000613 / 7069004613