શ્રુત આનંદ ટ્રસ્ટ એટલે આણંદજી કલ્યાણજી પેઢીનું જંગમ શ્રુતતીર્થ.

જૈન ધર્મની પરંપરાના સાતે ક્ષેત્રોમાં આણંદજી કલ્યાણજી પેઢીએ સક્રિયપણે રસ દાખવ્યો છે અને તમામ રીતે સહભાગી તથા સહયોગી બનવા માટેની પ્રવૃત્તિઓ કરે છે. સાત ક્ષેત્રોમાં એક મહત્વનું ક્ષેત્ર છે શ્રુત- જ્ઞાન…! આમ તો પેઢી વિ.સં. ૧૯૫૨ એટલે ઇ.સન્ 1896ની સાલમાં જૈન કન્યાશાળાને મદદ કરવાપૂર્વક તથા ઇ.સન 1896થી વ્યવહારિક તથા ધાર્મિક શિક્ષણ લેતા જૈન વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ-સ્કોલરશીપ આપવાની પ્રથા પ્રારમ્ભીને ઇ.સન 1911થી પાલીતાણા ખાતે સાધ્વીજીને ભણાવવા માટે પંડિત-શાસ્ત્રી રાખવા રૂપે એક યા અન્ય રીતે શ્રુત તથા શ્રુતસેવાના ક્ષેત્રે કાર્યરત છે. જેના અનેક ઉદાહરણો પેઢીના ઇતિહાસમાં સંગ્રહાયેલા છે. શ્રી સંઘમાં થતી શ્રુત સંરક્ષણ, સંવર્ધનની પ્રવૃતિને પણ પેઢીએ એ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓને સમયે સમયે આર્થિક સહયોગ ફાળવીને શ્રુતોપાસનાના અનેક ક્ષેત્રે લાભ લીધો છે.

પેઢીના તત્કાલીન પ્રમુખ શ્રી સંઘના પીઢ અગ્રણી શ્રી શ્રેણિકભાઇ કસ્તુરભાઇએ અન્ય ટ્રસ્ટીઓ સાથે લાંબી વિચારણા કરીને પૂજ્ય ગૂરૂ ભગવંતોની પ્રેરણા, સલાહ અને આશીર્વાદ સાથે વિ.સં. 2000ની સાલમાં શ્રુત આનંદ ટ્રસ્ટની સ્થાપના કરી. એની પ્રવૃત્તિઓ માટે પેઢીએ પોતાના મુખ્ય કાર્યાલયની બાજુમાં આવેલું પોતાનું એક અલાયદું ભવન ફાળવ્યું.એમાં જરૂરી ફેરફારો કરીને અને પેઢીના વર્તમાન પ્રમુખ શેઠશ્રી સંવેગભાઇના સક્રિય માર્ગદર્શન હેઠળ આ ટ્રસ્ટની અન્તર્ગત નીચેની પ્રવુત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો.

અધ્યયન-અધ્યાપન

પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે સાથે શ્રીસંઘના શ્રાવક-શ્રાવિકા વર્ગની જ્ઞાનોપાસનામાં સહયોગી બની શકાય એ માટે વિશિષ્ટ પ્રતિભાસંપન્ન પંડિતોની વ્યવસ્થા કરી શ્રુત અધ્યયનના વર્ગો પ્રાંરભ કર્યા. શરૂઆતમાં દાર્શનિક અધ્યયન માટે પ્રકાંડ વિદ્ધાન પંડિતશ્રી કલ્યાણ શાસ્ત્રીના અધ્યયન હેઠળ અનેક પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોએ અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ભાષા વ્યાકરણ, પ્રકરણ ગ્રંથો, કર્મગ્રંથ, વગેરેના ઊંડા અભ્યાસીઓ માટે પંડિતશ્રી કેતનભાઇની સેવાઓ પ્રાપ્ત થઇ. આજે પણ અધ્યયનની આ પ્રવૃત્તિ ચાલી રહી છે.

જ્ઞાન ભંડાર

અધ્યયનની પ્રવૃત્તિ સાથે જ્ઞાનભંડારની પ્રવૃત્તિનો પણ વિકાસ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં થોડા ગ્રંથોનો સંગ્રહ હતો પણ ધીમે ધીમે ગ્રંથભંડાર વિસ્તરવા લાગ્યો. આજે સંસ્થા પાસે 20000થી વધુ પ્રકાશિત પુસ્તકો તથા પ્રતોનો સંગ્રહ છે. આ ભંડારમાં સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાના પુસ્તકોનો સંગ્રહ છે. આ સંગ્રહનો ઉપયોગ પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જિજ્ઞાસુ શ્રાવક- શ્રાવિકા કરી રહ્યા છે. પૂજય આચાર્યદેવશ્રી પ્રદ્યુમ્નસૂરિજી મહારાજ સાહેબ દ્વારા પાંચહજારથી વધુ પ્રકાશિત પુસ્તકોના-ગ્રંથોનો સંગ્રહ પણ શ્રુતઆનંદ ટ્રસ્ટને સમર્પિત કરવામાં આવ્યો છે. આમ સંસ્થાનો ગ્રંથભંડાર દિવસે-દિવસે સમૃદ્ધ બનતો જાય છે. સમયે સમયે યોગ્ય અને ઉપયોગી નવા પુસ્તકોની ખરીદી કરીને વસાવવામાં પણ આવે છે.

હસ્તલિખિત ગ્રંથો

સંસ્થા પાસે 4000 હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ છે. આ હસ્તલિખિત ગ્રંથોની સુંદર સુરક્ષા પૂર્વક જાળવણી કરવામાં આવી રહી છે. અહીં સંગ્રહિત ગ્રંથોનો ઉપયોગ સાધુ- સાધ્વીજી ભગવંતો તથા વિદ્ધાનો કરી રહ્યા છે. આ ગ્રંથો સરળતાથી ઉપલબ્ધ થાય અને સુરક્ષિત રહે તે માટે તમામ ગ્રંથોનું સ્કેનીંગ કરાવવામાં આવ્યું છે જેથી વિદ્ધાનોને જે તે હસ્તપ્રતની નકલ યથાશીઘ્ર ઉપલબ્ધ થઇ શકે.. પૂજ્ય જંબૂવિજયજી મહારાજ સાહેબ દ્વારા તૈયાર કરાવવામાં આવેલ જૈસલમેર,પાટણના દુર્લભ હસ્તપ્રતોની ફોટોકોપીનો સંગ્રહ પણ સંસ્થામાં ઉપલબ્ધ છે. પુસ્તકાલયને વિકસાવવા માટેની સ્કેનીંગની યોજના કરવામાં આવી છે. આ દ્વારા ગ્રંથ ભંડારમાં અન્ય ભંડારોની હસ્તપ્રતની સ્કેન કોપી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પ્રકાશન

જૈનદર્શનના દુર્લભ અને અલભ્ય ગ્રંથો પ્રકાશિત કરવાનું કાર્ય પણ સંસ્થા દ્વારા ચાલી રહ્યું છે. શ્રી સિદ્ધર્ષિગણી વિરચિત અત્યંત વિસ્તૃત મહત્વપૂર્ણ ગ્રંથ ઉપમિતિભવપ્રપંચા કથા છે, તેનું સંક્ષિપ્ત સંસ્કરણ પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજીએ કર્યું હતું. તેનો ગુજરાતી અનુવાદ શ્રુતઆનંદ ટ્રસ્ટ દ્વારા ત્રણ ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં અન્ય ગ્રંથો પ્રકાશિત કરવાની યોજના છે.

આ સંસ્થા પેઢીનો જ હિસ્સો છે અને સંપૂર્ણપણે પેઢી સાથે સંકળાયેલી છે. પેઢીના પ્રયત્નોથી વિશિષ્ટ દાન આપનાર પરિવારની અનુમોદનાર્થે સંસ્થાના ભવનનું નામ સુશ્રાવિકા સુલોચનબેન નરોત્તમભાઇ લાલભાઇ જ્ઞાનમંદિર રાખવામાં આવ્યું છે. પેઢી દ્વારા પ્રસ્તાવિત અને પ્રસ્થાપિત આ સંસ્થાને પંડિતશ્રી જિતેન્દ્રભાઇ બી. શાહનું માર્ગદર્શન પણ મળતું રહે છે.