રંગીલા રાજસ્થાનની ધરતીનું રળિયામણુ તીર્થધામ રાણકપુર

ઉત્કૃષ્ટ કલા અને સૌંદર્યથી વિભૂષિત એવું રાણકપુર તીર્થ રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાન ભારતનાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય છે. રાજસ્થાનનો અર્થ છે ‘રાજાઓનું કે રાજપુતોનું પોતાનું વતન’. રાજસ્થાનનો ઇતિહાસ શૌર્ય, શીલ, ક્ષમા, સ્વાર્પણ ધરાવતાં વીરો અને વીરાંગનાઓનો ઉજ્જવળ ઇતિહાસ છે. એની આગવી સાંસ્કૃતિક પરંપરાને કારણે સમગ્ર ભારતમાં આ રાજ્યની ઓળખ તદ્દન નિરાળી છે. એની પાસે પ્રાચીન અનુમધ્‍યકાલીન યુગનો સમૃદ્ધ કલા વારસો છે.

રાજસ્થાનમાં આવેલું શ્રી રાણકપુર તીર્થ જોધપુરથી 160 કી.મી., ઉદેપુરથી 89 કી.મી., ફાલનાથી 32 કી.મી.અને સાદડીથી 8 કી.મી. દૂર આવેલું છે. આ તીર્થ અરવલ્લીની પશ્ચિમ બાજુથી ખીણમાં સઘન વનરાજીથી વીંટળાયેલું છે. રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલું આ રાણકપુર તીર્થ એની અનુપમ કલા સમૃદ્ધિને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.

ત્રિભુવન દીપક દેવમહાલયના નિર્માતા ધરણાશાહ રાજસ્થાનના નાદિયા ગામના મૂળ વતની અને મેવાડના માલઘાટના રહેવાસી હતા. કુરપાળ અને માતા કામલદેના પુત્ર ધરણાશાહને પરિવાર પાસેથી ધાર્મિક સંસ્કારો અને હૃદયની ઉદારતાનો વારસો સાંપડયો હતો. પોરવાડ જ્ઞાતિના ધરણાશાહની પત્નીનું નામ ધારલદે હતું. તેમને જાજ્ઞા અને જાવડ નામે બે પુત્રો હતા. ધરણાશાહના મોટા ભાઇનું નામ રત્નાશાહ અને એમની પત્નીનું નામ રત્નાદે હતું. એમને લાખા, માના, સોના અને સાલિગ એમ ચાર પુત્રો હતા. એક દંતકથા મુજબ એક વખત માંડવગઢના મુસ્લિમ બાદશાહનો પુત્ર ગજનીખાં પોતાના પિતાથી રિસાઇને રાજ્ય છોડીને રાજપૂતાનામાં થઇને પસાર થતો હતો. આ બંને ભાઇઓએ એને સમજાવીને પિતાની રાજધાનીમાં મોકલ્યો, આથી શહેનશાહ ખુશ થયા અને બંને ભાઇઓને બોલાવીને દરબારમાં સ્થાન આપ્યું. પરંતુ થોડા સમય પછી કાચા કાનના બાદશાહે તેમને કેદ કર્યા. આ સમયે જુદી-જુદી જાતના ચોર્યાસી સિક્કાઓનો દંડ ભર્યા પછી મુક્ત થયા અને પોતાના વતનમાં પાછા ફર્યા. હવે બંને બંધુઓને તેમના વતન-નાદિયામાં રહેવું યોગ્ય ન લાગ્યું, આથી તેઓ રાણકપુરની દક્ષિણે આવેલા પાલગઢમાં જઇને વસ્યા.

ધરણાશાહ અને રત્નાશાહ ખૂબ બુદ્ધિશાળી અને મુત્સદ્દી હતા. તેમની કીર્તિ સાંભળીને મેવાડના રાણાએ (સંભવત: રાણા મોકલ અને તે પછી રાણા કુંભાએ પણ) તેમને પોતાની રાજસભામાં સન્માન આપ્યું હતું. એટલું જ નહિ પણ તેમની બાહોશી જોઇને તેમને મંત્રીપદે સ્થાપ્યા હતા.

આચાર્ય સોમસુંદરસૂરિજી મહારાજની પ્રેરણાને પરિણામે એમણે અહીં જિનમંદિર બાંધવાનો સંકલ્પ કર્યો. એ માટે રાણા કુંભા પાસે જમીન માંગી.

રાણા કુંભાએ અરવલ્લી ટેકરીઓની નાની ખીણમાં મઘાઇ નદીના કિનારે આવેલી જંગલની જમીન આપી. રાણાએ સાથોસાથ એવી સલાહ આપી કે જિનમંદિરની સાથોસાથ ગામ પણ વસાવવામાં આવે. ધરણાશાહે આ સલાહ આનંદભેર મંજૂર રાખી. પંદરમાં શતકના દ્વિતીય ચરણમાં માલઘાટ-માદડીના રહેવાસી ધરણાશાહે આ જમીન પર જિનાલયનું નિર્માણ કર્યું. નગરનું નામ રાણાનાં નામ પરથી પાડવામાં આવ્યું. આથી એનું નામ રાણાપુર રાખ્યું હતું. એ પછી જન સમુદાયની જીભે આ નગરનાં નામોનો જુદો ઉચ્ચાર થવા લાગ્યો. કોઇ રાણીગપુર, કોઇ રાણીકપુર તો કોઇ રાણકપુર કહેતું હતું. આમાં રાણકપુર નામ વિશેષ પ્રચલિત બન્યું અને આજે એ નામ પ્રસિદ્ધ છે. આજે રાણકપુરમાં ત્રણ જિનમંદિરો છે. મંત્રીશ્વર ધરણાશાહે જિનમંદિર સર્જવા માટે અત્યંત પ્રાકૃતિક વાતાવરણ પસંદ કર્યું. એક બાજુ જિનમંદિર માટે સમથળ મજબૂત જમીન અને બીજી બાજુ એની આસપાસનું પ્રકૃતિનું સુરમ્ય વાતાવરણ, એક બાજુ નાનકડી મઘાઇ નદી વહેતી હોય અને બીજી બાજુ વિંદ્યાચળ (અરવલ્લી) નાં ડુંગરો હોય, એની વચ્ચે માદ્રી પર્વતની તળેટીની જગા જિનમંદિર માટે પસંદ કરી. ત્રણેય બાજુએ આવેલી ઉંચી ટેકરીઓથી જિનમંદિરની રમણીયતા અને એની મોહકતા વધી.

રાણકપુર તીર્થની બહાર સૂર્યનારાયણનું મહારાણા કુંભાએ બંધાવેલું કહેવાતું મંદિર છે. એની પાસે ‘ભાંગરિયા ખેલોજી’ને નામે ઓળખાતું ભૈરવનું સ્થાન છે. આ તીર્થની દક્ષિણ બાજુએ એક પહાડ પર નાનો સરખો મહેલ નજરે પડે છે. દક્ષિણ દિશા તરફના ભયંકર જંગલમાં થઇને મેવાડ તરફ જવાનો રસ્તો છે. ઉત્તર દિશાની પહાડીમાં રાણાકુંભાએ વસાવેલો કુંભલગઢનો પ્રસિદ્ધ કિલ્લો દેખાય છે.

રાણકપુરનાં ત્રણ જિનમંદિરોમાં પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનનું ચૌમુખ મંદિર ‘ધરણવિહાર’ તરીકે ઓળખાય છે.

ધરણાશાહે શ્રી શત્રુંજય તીર્થનો સંઘ કાઢીને યાત્રા કરી હતી. શત્રુંજય પર્વત ઉપર ઋષભદેવ ભગવાન સમક્ષ બત્રીસ વર્ષની યુવાન વયે જુદા-જુદા બત્રીસ નગરોના એકત્ર થયેલા શ્રીસંઘો તરફથી સંઘ તિલક કરાવી, ઇંદ્રમાળ પહેરી આજીવન ચોથા (બ્રહ્મચર્ય વ્રતની) બાધા લીધી હતી. આચાર્ય સોમસુંદરસૂરિના શિષ્ય પ્રતિષ્ઠાસોમ એમના ‘સોમસૌભાગ્ય કાવ્ય’ માં કહે છે કે આચાર્ય સોમસુંદરસૂરિના વ્યાખ્યાનમાં જિનપ્રતિમા ભરાવવાથી અને જિનાલય બંધાવવાથી થતા પુણ્યફળનું વર્ણન સાંભળીને ધરણાશાહે ઉન્નત અને મનોહર જિનમંદિર બાંધવાની અભિલાષા રાખી હતી.

એક એવી કિંવદંતી છે કે, ચક્રેશ્વરી માતાએ એક દિવસ સ્વપ્નમાં ધરણાશાહને બારમા દેવલોકના ‘નલિનીગુલ્મ વિમાન’નું દર્શન કરાવ્યું. એ દિવસથી ધરણાશાહનાં હદયમાં એક જ વ્રતની ભાવના જાગી કે નલિનીગુલ્મ વિમાન જેવું જિનાલય આ પુથ્વી ઉપર બાંધવું. મંત્રી ધરણાશાહે એ સમયના પ્રખર આચાર્યશ્રી સોમસુંદરસૂરિજી મહારાજ પાસે જઇને એમણે જોયેલા સ્વપ્નનું વર્ણન કર્યું અને જિનાલય બાંધવાની ભાવના કાજે આચાર્યશ્રીના આશીર્વાદ મેળવ્યા.

નલિનીગુલ્મ દેવ વિમાન જેવું મંદિર આરસપહાણમાં કંડારી શકે તેવો કસબી-શિલ્પી જોઇએ. આખરે મુંડારા ગામના રહેવાસીના દેપા નામનાં શિલ્પીને બોલાવવામાં આવ્યાં. ધરણા શેઠના પ્રતિષ્ઠાના શિલાલેખમાં આના શિલ્પ તરીકે ‘સુત્રધાર દેપાક’ નામ મળે છે. આ દેપાને માટે શિલ્પકલા એ આરાધના હતી. શિલ્પ નિર્માણ એ સાધના હતી. શિલ્પકૃતિએ ઉપાસના હતી. એનો નિયમ હતો કે હંમેશા ઉત્કૃષ્ટ શિલ્પકૃતિ જ રચવી, વળી દેરાસર બંધાવનાર ધર્મનિષ્ઠ વ્યક્તિ હોય તો જ એનું કાર્ય હાથમાં લેવું.

મંત્રી ધરણાશાહના પવિત્ર જીવનશૈલી અને દ્રઢ ધર્મપારાયણતાથી દેપા શિલ્પી પ્રસન્ન થયા. એમણે આ કાર્ય સ્વીકાર્યું. તેઓ વારંવાર ધરણાશાહ પાસે, આવીને બેસતા હતા અને મંત્રી જિનાલયનું વર્ણન આપે એ નોંધી લેતા હતા. એ પછી દેપા શિલ્પીએ નકશાઓ તૈયાર કરવા માંડયા. મંત્રી ધરણાશાહને એક નકશો આબેહૂબ નલિનીગુલ્મ વિમાન જેવો લાગ્યો. ધરણાશાહનો અદ્દભુત ધર્મ મનોરથ સહુ જાણતા હતા. પરંતુ આવા વિશાળ નિર્માણ માટે તેની આર્થિક સ્થિતિ વિશે શંકા હતી. કેટલાક શિલ્પીઓના કહેવાથી દેપાએ એની ચકાસણી કરવાનું વિચાર્યું અને તેથી જિનમંદિરના પાયા માટે સાત પ્રકારની ધાતુંઓ, કસ્તુરી અને બહુમૂલ્ય વસ્તુંઓ મંગાવી. ધરણાશાહે તત્કાળ તે સદ્યળી વસ્તુઓ હાજર કરી દીધી. આ શિલ્પીઓને કબંધ(કીંમતી કમરબંધ) પહેરાવી ધરણાશાહે ખુશ કર્યા. તમામ શિલ્પી, કારીગરો અને મજૂરોની જરૂરિયાતો પૂરી પાડવા માટે તમામ સગવડો ઉભી કરી દીધી અને જોતજોતામાં ‘જંગલમા મંગલ’ની પ્રતીતિ કરાવતા એ સેંકડો શિલ્પીઓના ટાંકણાના અવાજથી આ પ્રદેશ ગુંજવા લાગ્યો અને આરસપહાણમાં મનારમ કૃતિ-આકૃતિ સર્જાવા લાગી.

‘શિલ્પીઓએ ઘડેલા પથ્થરોથી પીઠબંધ સ્થાપી, તેના પર ત્રણ ભૂમિવાળી રચના કરીને મંડપો ઉભા કર્યા અને (અંતરંગ) પૂતળીઓ અને કોતરણીથી સુશોભિત કરી, ચારે બાજુ ઉજ્જવળ ભદ્ર પ્રસાદો કર્યા અને ‘ત્રૈલોક્ય દીપક’ નામ આપ્યું.’

15માં શતકના ઉતરાર્ધમાં રચાયેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથના ‘વૃક્ષાર્ણવ’માં મોટી માંડણી ધરાવતા તથા ચારે બાજુ મેઘનાદ મંડણોવાળા જૈન ચતુર્મુખ પ્રસાદના એક પ્રકારને ત્રૈલોક્ય દીપક કહ્યો છે.

અઢી હજારથી વધુ કારીગરો આ મંદિરની રચનાને માટે કામ કરી રહ્યા અને પાંચ, દસ કે પચ્ચીસ વર્ષ નહી, પરંતુ એના નિર્માણ કાર્યમાં પચાસ વર્ષ પસાર થઇ ગયાં. કેટલાકના કહેવા પ્રમાણે તો 62 કરતાં પણ વધુ વર્ષ લાગ્યાં.

વિક્રમ સંવત 1496માં શ્રી રાણકપુર તીર્થના મંદિરની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. હજી મંદિરનું કામ ચાલુ હતું. પરંતુ મંત્રી ધરણાશાહ અને આચાર્ય સોમસુંદરસૂરિ વયોવૃદ્ધ થયા હતાં અને એમનાં જીવનકાળમાં એમનું સ્વપ્ન સાકાર થતું જુએ તેવો સહુનો ભાવ હતો.

યુગ પ્રધાન તપાગચ્છાચાર્ય શ્રી સોમસુંદરસૂરિના હાથે મંદિરની પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો. સંઘવી ધરણાશેઠની વિનંતીથી એ કાળના મહાન આચાર્યશ્રી સોમસુંદરસૂરિ સાથે 500 સાધુઓનો પરિવાર હતો, જેમાં ચાર સૂરિવરો અને નવ ઉપાધ્‍યાયો વગેરે હતા. એ સમયે શ્રેષ્ઠિ ધરણાશાહે ગરીબોને ખૂબ દાન આપ્‍યું. પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે જન ઉપયોગી કાર્યો પણ કર્યા. આ સૂકા પ્રદેશમાં પાણીની અછત ઓછી કરવા માટે કૂવા, વાવ અને તળાવ ખોદાવ્યાં અને હૈયાનાં ઉમંગથી સાધાર્મિક વાત્સલ્ય કર્યા.

રાણકપુરનાં મંદિરના સંવત 1496ના એક શિલાલેખ ઉપરથી જણાય છે કે ધરણાશાહે આ મંદિર સિવાય અજારી, પિંડવાડા, સાલેર આદિ સાત ગામોમાં નવાં સાત જિનાલયો બંધાવ્યાં અને અનેક જિનમંદિરનો પુન:રુદ્ધાર કરાવ્યો. પિંડવાડાના મંદિરના મૂળનાયક ઉપર સંવત 1465નો શ્રેષ્ઠી ધરણાશાહનો લેખ અત્યારે પણ એ ધર્મપરાયણ શ્રેષ્ઠીની ભાવનાનો આલેખ આપે છે.

શ્રેષ્ઠી ધરણાશાહે સર્વસ્વ સમર્પણ કરીને સાકાર કરી. ધરણાશાહને એમની અંતિમ ઘડીઓમાં જિનમંદિરોનું થોડું બાકી રહેલું કાર્ય પૂર્ણ કરવાનું વચન તેમના મોટા ભાઇ રત્નાશાહે આપ્યું હતું. દીર્ધાયુ રત્નાશાહે ધરણાશાહના અવસાન પછી આઠ-દસ વર્ષ સુધી કલાત્મક મંડપોનું કમનીય શિલ્પકાર્ય કરાવ્યું અને આ તીર્થની શોભામાં વધુ પૂર્ણતા આણી.

મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની ઉપરનાં ભાગમાં એક હાથીની પાછળ બીજા હાથીની આકુતિ છે. અને તેના ઉપર ધરણાશાહ અને તેમના પત્ની તથા રત્નાશાહ અને તેમના પત્ની એ ચારેય શિલ્પકૃતી જોવા મળે છે. આ શિલ્પકૃતી પણ કેવી છે, તેઓ ભગવાનની સન્મુખ બેસીને ચૈત્યવંદન કરતાં હોય એવી મુદ્રામાં અને હા, નાના ભાઇ ધરણાશાહની ભાવના પૂર્ણ કરનાર મોટા ભાઇ રત્નાશાહની એક જુદી મૂર્તિ મંદિરના દક્ષિણ દિશાના પ્રવેશદ્વાર પાસે મળે છે.

રાણકપુર એટલે સ્તંભોનું નગર. શ્રેષ્ઠી ધરણાશાહે ચતુર્મુખ જિનપ્રસાદ રચવાનો વિચાર કર્યો અને આ ચતુર્મુખ જિનપ્રસાદ રચવા માટે ઉંચે દેવકુલિકાઓ રચવી પડે. વળી આ જિનમંદિરનું શિખર એટલું ઉંચુ છે કે એના પથ્થરોનો બોજ ઝીલવા માટે વધું સ્તંભો જોઇએ. આથી આ જિનમંદિરમાં 1,444 સ્તંભોની અનુપમ રચના કરી. વળી, આ સ્તંભરચના એવી છે કે સ્તંભોની ખીચોખીચ ભરાયેલા જણાતા નથી અને તેમ છતાં મંદિરમાં પ્રવેશતાં ભાવિકજનોને  આટલી વિશાળ સંખ્યા ખટકતી નથી, પણ જિનમંદિરની રમ્યતાં ભવ્યતાની હદયંગમ વૃદ્ધિ કરે છે.

આ સ્તંભો આડીને ઉભી એવી જુદી જુદી હારમાં એવા યોજના પૂર્વક ગોઠવવામાં આવ્યા છે કે જેથી આ આખાય મંદિરમાં કોઇ પણ સ્થળે ઉભેલા દર્શનાર્થીને એક નહીં, બીજી દિશામાં વિના અવરોધે તીર્થંકર ભગવાનના અચૂક દર્શન થયા વગર રહે નહી. આમ, આ સ્તંભો એક બાજુ સ્થાપત્ય-સૌંદર્યનો અનુભવ કરાવે છે, તો બીજી બાજુ પ્રભોદર્શનમાં ક્યાંય અંતરાય રૂપ બનતાં નથી.

અત્યંત બારીક અને કલામય તથા એકજ પથ્થરમાંથી બનાવેલાં મનોહર તોરણો આ જિનમંદિરની અનોખી વિશેષતા છે, અત્યારે મંદિરના સભામંડપમાં આવા ત્રણ તોરણો છે, પરંતુ એક સમયે મંદિરની રચના થઇ ત્યારે 108 કે 128 તોરણ હશે, ત્યારે સ્તંભોની કલાસમૃદ્ધિ કેટલી ઉત્કૃષ્ટ હશે!

મુખ્ય મંદિરના ગભારામાં ચારે દિશામાં આવા ઋષભદેવ ભગવાનની પાંચ ફુટ ઉંચી, શ્વેત આરસની પરિકર સાથેની ચાર સુંદર મનોહર પ્રતિમાઓ નજરે પડે છે. એની ત્રણ દિશામાં હાથી પર મરૂદેવી માતાની રચના કરવામાં આવી છે.

મંદિરની વિશાળતાં અને ઉંચાઇને લક્ષમાં રાખીને એના સભામંડપની રચના અનોખી રીતે કરવામાં આવી છે. સભામંડપ એના નામને સાર્થક કરે તેવા અદ્વિતીય છે.

અહીં મુખ્ય રંગમંડપમાં એક ઘુમ્મટ એમ સોળ સ્તંભ ઉપર કરવામાં આવ્યો છે, જે મુખ્ય ઘમ્મટ છે. તેમાં નવગ્રહ તથા સોળ વિદ્યાદેવીઓની મૂર્તિઓ ગોડવવામાં આવી છે. તેમજ અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણ ચોવીસના કુલ બોંતેર તીર્થંકરોની નાની પ્રતીમા વર્તુંળાકારે કોતરવામાં આવી છે. આ મેઘ મંડપની ઉંચાઇ 40 ફુટથી વધારે છે અને એના એક સ્તંભમાં ધરણાશાહની નાની સરખી દસેક ઇંચ જેટલી શિલ્પાકૃતિ કોતરવામાં કેટલાક સ્તંભો આવ્યા છે, પરંતુ નાની નાની જગામાંથી ધરણાશાહની દ્રષ્ટિ સીધી ભગવાન પર પડે તેવું આયોજન છે. જૈન ધર્મમાં પ્રથમ તીર્થકર આદીશ્વર ભગવાનની સ્થાપના હોય ત્યાં રાયણવૃક્ષ હોય. આ મંદિરના અંદરના ભાગમાં ગર્ભદ્વાર અને ભમતીની વચ્ચે એક સ્થળે રાયણ પગલાંની રચના છે અને ત્યાં રાયણવૃક્ષ ઉગાડવામાં આવ્યું છે. ગર્ભગૃહની બહારના શિલાપટમાં ગિરનાર, શત્રુંજય વગેરે તીર્થોની કોતરણી મળે છે, જ્યારે આ જિનમંદિરને નંદિશ્વર દ્વીપના અવતાર જેવું બનાવવા માટે મુખ્ય ગર્ભગૃહ સાથે ચાર દિશામાં વિશાળ ઉજ્જવળ મહાપ્રસાદ(ભદ્રપ્રાસાદ) બનાવવામાં આવ્યા છે.

મંદિરની શિલ્પાકૃતિઓમાં અનુપમ છે. સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની શિલ્પાકૃતિ લગભગ સાડાચાર ફુટના વ્યાસવાળી અખંડ વર્તુળાકાર શિલામાં કોતરાયેલી આ આકૃતિની વચ્ચે પાર્શ્વનાથ ભગવાનનાં કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા છે. એમની આજુબાજુ ધરણેન્દ્ર અને પદ્માવતી છે. એમાં સહસ્ત્રફણા (1000 ફણાવાળા) નાગનું છત્ર પાર્શ્વનાથ ભગવાનનું મસ્તક ઢંકાય એવી રીતે ઉપસાવવામાં આવ્યું છે. આ શિલ્પાકૃતિ મૌલિક, સમપ્રમાણ, કૌતુકમય, ભક્તિભાવથી સભર અને કલાકૃતિના એક અદ્વિતીય ઉત્કૃષ્ટ નમૂનાં રૂપ છે.

મંદિરનાં ઉપરનાં મજલે ઘુમ્મટની છતમાં ફુલવેલની આકૃતિ તો જુઓ. આમાં વેલની નાની મોટી વર્તુળાકાર જુદી જુદી હાર જોવા મળે છે. પણ ધારીને જોઇએતો એક જ વેલની આ સળંગ આકૃતિ છે.

આ મંદિરની દક્ષિણ દિશાના ઉપરના ભાગે આવેલી શિલાઓમાં નંદીશ્વરદ્વીપની યંત્ર આકારે થયેલી કોતરણી જોવા મળે છે. મંદિરમાં આવેલી કીચકની આકૃતિ તરત નજરે પડે છે, આમાં એક મુખ અને એનાં જુદા જુદા શરીરો છે. કોઇ સ્થળે આવા પંચશરીરી વીરની આકૃતિ પણ જોવા મળે છે.

આ જિનમંદિરમાં નાગદમનની અત્યંત મનમોહક આકૃતિ મળે છે.

મંદિરમાં ગર્ભદ્વારની ડાબી અને જમણી બાજુએ બે વિશાળ ઘંટ છે. અઢીસો-અઢીસો કિલોગ્રામના વજન ધરાવતા આ ઘંટ વગાડતાં થતો ઓમકારનો રણકાર ત્રણેક કિલોમિટર દૂર સુધી સાંભળી શકાય છે. આમાં એક ઘંટ નર-ઘંટ છે, તો બીજો ઘંટ માદા-ઘંટ છે. બંને ઘંટ વારાફરતી વગાડીને એના અવાજની ઓળખ કરવાથી આ જાતિભેદ સમજાય છે. વળી, જ્યારે આરતીના સમયે બંને ઘંટ જોરથી વાગતા હોય ત્યારે એનો ધ્વનિ સાવ ભિન્ન વાતાવરણ સર્જે છે. આ બંને ઘંટ પર મંત્રાક્ષરો ઉપરાંત યંત્રાકૃતિઓ કોતરવામાં આવી છે.

આ જિનમંદિરના એક સ્તંભ પર મોગલ સમ્રાટ અકબરની મૂર્તિ કોતરેલી છે. મોગલ સમ્રાટ અકબરમાં ધાર્મિક ઉદારતા હતી અને જૈનાચાર્યશ્રી હીરવિજયસૂરિના ઉપદેશનો એના જીવન પર ઘણો પ્રભાવ પડતો હતો. આચાર્યશ્રીને એ જગતગુરુ કહેતો હતો. આચાર્યશ્રી હીરવિજયસૂરિના ઉપદેશથી વિક્રમ સંવત 1651માં અમદાવાદનો સંઘ રાણકપુરની યાત્રાએ આવ્યો અને મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો. એની સ્મૃતિ રૂપે એક સ્તંભમાં અકબર બાદશાહની આકૃતિ સાથે સ્પષ્ટ શિલાલેખ મળે છે.

ગર્ભગૃહની બાજુમાં શેઠ ધરણાશાહની નાની પ્રતીમા મળે છે.

આ મંદિરને નલિનીગુલ્મ વિમાન તરીકે પણ ઓળખાય છે. પ્રથમ તીર્થકર આદીનાથ ભગવાનની ચાર પ્રતિમાઓ (ચોમુખી) તરીકે બીરાજમાન છે અને મંદિરને ચાર દ્વાર છે. એટલે તે ચતુર્મુખ જિનપ્રસાદ તરીકે ઓળખાય છે. આચાર્ય વિશાલસુંદરસૂરિ પોતાના સ્તવનમાં આને ‘ચૌમુખ ધરણવિહાર’ કહે છે. મૂળનાયક ઋષભદેવ હોવાને કારણે આચાર્ય જ્ઞાનવિમલસૂરિ એને “ઋષભવિહાર” કહે છે અને અન્યત્ર ‘ત્રિભુવન તિલક’ નામ આપે છે. વળી, નંદીશ્વરદ્વીપના અવતાર જેવું એને ત્રણેય લોકમાં દેદીપ્યમાન દેવું મંદિર ‘ત્રૈલોક્યદીપક’ તરીકે પણ જાણીતું છે. આ અનુપમ જિનમંદિરની પ્રતિષ્ઠા થઇ તે સમયના શિલાલેખમાં ‘શ્રી ચતુર્મુખ યુગાદીશ્વર વિહાર’ અને ‘ત્રૈલોક્યદીપક’ એવાં નામ મળે છે.

18મા સૈકામાં રાણકપુર તીર્થની યાત્રાએ આવેલા આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિએ રાણકપુર તીર્થ સ્તવનમાં કહ્યું છે, નલિનીગુલ્મ વિમાનની માંડણીવાળું આ મંદિર બહું ઉંચું છે. પાંચ મેરુ, ચારે તરફ મોટો ગઢ, બ્રહ્માંડ જેવી બાંધણી, 74 દેરીઓ, ચારે તરફ ચાર પોળો, 1424 થાંભલા, એક એક દિશામાં બત્રીસ-બત્રીસ તોરણો, ચારે દિશાએ ચાર વિશાળ રંગમંડપો, સહસ્ત્રકૂટ, અષ્ટાપદ, નવ ભોંયરા અને અનેક જિનબિંબ, રાયણની નીચે પાદુકા, અદબદમૂર્તિ વગેરે યુક્ત ત્રણ માળનું આ મંદિર છે. અહીં 34000 જિન પ્રતીમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. એ જ સૈકાના પૂ. શ્રી સમયસુંદરગણિ અને શ્રીજ્ઞાનવિમલસૂરિના આ વર્ણન ઉપરથી મંદિરની વિશાળતા, ઉન્નતતા અને ભવ્યતાનો પરિચય મળી રહે છે.

આ જિન મંદિરના બાંધકામમાં આજથી સાડા પાંચસો વર્ષ પૂર્વે 99 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. એક હસ્તપ્રતમાં નોંધ મળે છે: “ધન્નાશાહ પોરવાડ નિન્નાણુ લાખ દ્રવ્ય લગાયો.”

આ મંદિરમાં જેમ 84 દેવકુલિકાઓ છે તેમ 84 ભોંયરા પણ હતાં એમ મનાય છે.

શ્રી નેમિનાથ ભગવાનનું જિનાલય

ધરણાવિહારની પશ્ચિમ બાજુએ નેમીનાથ ભગવાનનું શિખરબંધ દેરાસર છે. એમાં પરિકર સહિતની નેમિનાથ ભગવાનની બે ફુટ ઉંચી શ્યામવર્ણી પ્રતિમા છે. આ સિવાય નાની મોટી પાંત્રીસેક પ્રતિમાઓ અહીં મળે છે. આ મંદિરમાં પરિકરની રચના બહાર દેવાંગનાઓ વગેરેની આકૃતિઓ સૂક્ષ્મતાથી કંડારેલી છે. સોલંકીયુગમાં અને તે પછી પંદરમા શતકમાં અન્યત્ર જોવા ન મળે એવા આકારક્ષમ અને ઘણા ઉંડાણવાળા ગવાક્ષ આ મંદિરમાં છે. આ મંદિરનો ગવાક્ષ એ એની વિશેષતા છે. એનું દ્વાર પૂર્વાભિમુખ છે.

શ્રી પાર્શ્વનાથ ભગવાન જિનાલય

ધરણાવિહારના પશ્ચિમ દ્વારની બાજુમાં ભગવાન પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય છે. કવિ મેહ એના સ્તોત્રમાં આ જિનાલય બંધાવવાનું નામ કહેવાને બદલે આને ખરતરવસહી કહ્યું હોઇ તેનું નિર્માણ કરાવનાર કોઇ ખરતરગચ્છની પરંપરાના શ્રાવક હોઇ શકે. એના કર્તા તરીકે સોમલ પોરવાડનું નામ મળે છે. આ સોમેલ પોરવાડ કદાચ ધરણાશાહના મુનિમતો નહીં હોય ને? મંદિરના સ્થાપત્ય પરથી જણાય છે કે, ધરણાવિહાર બંધાયો તેની આસપાસનાં સમયમાં આ મંદિર બંધાયું હોવું જોઇએ.

સુંદર રીતે અલંકૃત અને સમપ્રમાણ એવા આ મંદિરના ગવાક્ષો અને ઝરૂખાઓ ખૂબ આકર્ષક છે. જોકે આ મંદિર બહાથી જેટલું કલાત્મક અને આભૂષિત લાગે છે તે અંદર તદ્દન સાદું છે. આમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. આ ઉપરાંત સભામંડપની બંને બાજુએ જિન પ્રતિમાઓ બિરાજમાન છે.

મંત્રીશ્વર ધરણાશાહે કરેલી રાણકપુર મંદિરની પ્રતિષ્ઠા પછી એની પ્રશસ્તિમાં લખાયેલાં સ્તવનોમાં 34000 જિન પ્રતિમાનો ઉલ્લેખ મળે છે.

વિક્રમ સંવત 1679માં ધરણાશાહના વંશજોએ ફરી પાછા જીર્ણ થયેલા આ જિન મંદિરનો જિર્ણોદ્ધાર કરાવીને તત્કાલીન તપાગચ્છીય આચાર્યશ્રી વિજયદેવસૂરિજીના વરદ હસ્તે પુન:પ્રતિષ્ઠા કરાવી.

કાલચક્ર કરામત અજબ હોય છે. એક વાર જેની જાહોજલાલી હોય તે ક્યારેક જીર્ણ હાલતમાં વેરાન બની જાય છે. એક કહેવાય છે કે મુખ્ય મંદિરની રચના પછી બસો વર્ષે રાણકપુર તૂટ્યું. મોગલ સમ્રાટ ઔરંગઝેબના સમય દરમિયાન એનું લશ્કર આ પ્રદેશમાંથી પસાર થતું હતું અને તેણે ધરણાવિહારને ઘણું નુકશાન પહોંચાડ્યું. એ પછી આ પ્રદેશમાં દુષ્કાળના ઓળા પથરાતાં આસપાસની વસ્તી નજીકનાં શહેરોમાં સ્થળાંતર કરી ગઇ. આ તીર્થની આસપાસની ગીચ ઝાડી ઉગી ગઇ, એના રસ્તાઓ વિકટ બન્યા. જંગલી પશુઓ અને પુષ્કળ સર્પોને કારણે આ પ્રદેશમાં ભાગ્યે જ કોઇ આવતું.

અવાવરું બનેલું મંદિર દિવસે ચામાચિડિયાંઓને રહેવાનું અને રાત્રે ચોર-ડાકુંઓને છુપાઇ રહેવાનું સ્થાન બન્યું. લોકો તીર્થની યાત્રાએ આવતા બંધ થયા અને ધીરે-ધીરે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાયેલું આ જિનમંદિર સાવ નિર્જન બની ગયું. સલામતી શોધનારા લોકો અહીંથી દૂર ચાલ્યા ગયાં અને આવે સમયે આવાં દેવસ્થાનોની સંભાળ લેવાની હિંમત કરવી પણ મુશ્કેલ હતી. ભવ્ય મંદિર અને પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજતુ આ સ્થાન, ચામાચીડિયાં અને કબુતરોનું નિવાસ સ્થાન બન્યું. એક સમયે ધૂપ અને પુષ્પોની સુવાસ આસપાસના વાતાવરણને ભરી દેતી હતી, ત્યાં પક્ષીઓની હગારની દુર્ગંધ ફેલાવા લાગી. આ મહાન જિનમંદિરનાં દ્વારો, સ્તંભો અને પાટડાઓ પર એટલો બધો મેલ ચડી ગયો કે તે આરસનાં છે તેવું પણ લાગે નહીં. મંદિરમાં ઠેર-ઠેર ગાબડાં પડ્યા, ઘુમ્મટ અને છતમાંથી પાણી પડવા લાગ્યું, નીચે પાથરેલી લાદી ઉંચી-નીચી થઇ ગઇ, સ્તંભો અને પાટડાઓમાં તિરાડો પડતાં આ નલિનીગુલ્મ વિમાનની ક્ષતિગ્રસ્ત થવા લાગી.

એક સમયે જેની ભવ્યતા, રમણીયતા અને કલાત્મકતા હજારો યાત્રાળુઓ અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરતી હતી, એ મંદિર સાવ વેરાન બની ગયું.

વિક્રમ સંવત 1953 થી 1959, ઇસ્વીસન્ 1897 થી 1904 દરમ્યાન સાદડીના સમસ્ત જૈન સંઘે રાણકપુર તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને સોંપ્યો. ત્યારે પેઢીના પ્રમુખપદે શ્રી મયાભાઇ પ્રેમાભાઇ નગરશેઠ કાર્યરત હતાં.

રાણકપુરનો વહીવટ જ્યારે પેઢી હસ્તક આવ્યો ત્યારે ત્યાંના મંદિરોની આસપાસની જગ્યા બિસ્માર હાલતમાં હતી. ઝેરી જનાવરો અને પંખીઓના માળા પણ મંદિરોમાં ઠેર-ઠેર નજરે પડતાં હતાં. આવામાં એક વાર અમદાવાદનાં હેમાભાઇ નગરશેઠ સંઘ કાઢીને સાદડી ગામમાં આવ્યા હતા અને ત્યાંથી રાણકપુર જવા માંગતા હતા. રાણકપુરની આવી કપરી-કફોડી દશા જોઇને એમનું હદય દ્વવી ગયું. એમણે તત્કાળ આ પાવન સ્થળે ડાકું-લુટારાઓને અટકાવવા માટે આરબ રક્ષકોની ભરતી કરી. આ પ્રદેશ સ્વચ્છ કરાવ્યો અને જિનાલયની આસપાસ સુરક્ષા માટે દિવાલ ઉભી કરી. યાત્રાળુઓ વિના કનગડતે આવી શકે તે માટે સાદડી થી રાણકપુરના રસ્તે ઠેર-ઠેર ચોકીદાર રાખ્યા. આ બાજુ તા. 25-10-1928થી તેજસ્વી અને દીર્ધ દ્રષ્ટા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇએ પેઢીની ધુરા સંભાળી અને કળા, સંસ્કૃતિ, શિલ્પ, સ્થાપત્યના ખજાના રૂપ તીર્થોના જિર્ણોદ્ધારના પુણ્ય યજ્ઞના મંડાણ થયા, જેમાં રાણકપુરના ત્રૈલોક્ય દિપક ધરણાવિહારના દેરાસરને પ્રાધાન્ય અપાયું. આ મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવવાનું તા. 16-01-36ની મિટિંગમાં નક્કી થયું. આ માટે સ્થાપત્યના વિદ્ધાન અને નિષ્ણાંત શિલ્પી ગ્રેગસન બેટલી તથા પેઢીના શિલ્પી (1) શ્રી ભાઇશંકર (ર) શ્રી પ્રભાશંકર (3) શ્રી જગન્નાથભાઇ અને (4) શ્રી દલછારામ વગેરે સાથે તીર્થં સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર પરિસ્થિતિનું આકલન કરાયું.

ત્યારબાદ શાસન સમ્રાટ શ્રીમદ્ વિજયનેમિસૂરિશ્વરજી મહારાજની સલાહ અને આજ્ઞા લઇને જિર્ણોદ્ધારના ધર્માકાર્યની શરૂઆત કરી. ધ્રાંગધ્રાનાં વતની શ્રી દલછારામ ખુશાલદાસને જિર્ણોદ્ધારના આ ભગીરથ કાર્યની જવાબદારી સોંપવામાં આવી. સોનાણાની ખાણોનાં પથ્થરો પર બસ્સો જેટલા કારીગરો અને સેંકડો મજૂરો જિર્ણોદ્ધારના કામમાં જોડાઇ ગયા. મુખ્ય દેરાસરના ચૌમુખજી ભગવાનનું આરસનું પરિઘર તદ્દન ખવાઇ ગયું હતું તે નવેસરથી તૈયાર કરાવ્યું. આજે મંદિરની બહાર દક્ષિણ બાજુએ આવેલું પ્રાચીન પરિઘર પ્રાચીન સ્થાપત્ય કલાનો ઇતિહાસ પૂરો પાડે છે.

ઝુમ્મરો, મેઘનાદ મંડપ વગેરે ફરી ચેતનવંતા બન્યાં. નવી ધર્મશાળા, ભોજનશાળા અને અન્ય સુવિધાઓ પણ કરવામાં આવી. આ રીતે શરૂ થયેલું જિર્ણોદ્ધારનું કામ અગિયાર વર્ષ ચાલ્યું અને તેની પાછળ એ જમાનામાં અગિયાર લાખ જેટલો ખર્ચ થયો. પરિણામે જંગલમાં મંગલ થાય તેમ સાવ ઉજ્જડ અને વેરાન બની ગયેલું ધરણવિહાર પુન:એનાં શિલ્પ, સૌંદર્ય અને ધર્મ ભાવનાનો ધર્મધ્વજ ફરકાવવા લાગ્યો. વિક્રમ સંવત 2009(ઇસ્વીસન્ 1953)માં પરમપૂજ્ય વિજય ઉદયસૂરિજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય વિજયનંદનસૂરિજી મહારાજ સાહેબની નિશ્રામાં ઐતિહાસિક રીતે યાદગાર એવો પુન:પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગે એક લાખ કરતાં પણ વધારે સંખ્યામાં ભાવુક ભક્તોની હાજરી હતી. આ પછી તીર્થમાં નવી ધર્મશાળાઓ તથા ભોજનશાળા વગેરે અનેક સુવિધાઓ કરવામાં આવી.

મંદિરથી થોડે દૂર તળાવ આવેલું છે જેમાંથી નહેરો દ્વારા શિયાળું અને ઉનાળું પાક થાય છે. સંવત 1956ના દુષ્કાળ સમયે અહીં બંધ બાંધવામાં આવ્યો હતો.

રાણકપુર તીર્થમાં પ્રતિવર્ષ બે મેળાઓ યોજાય છે. આમાં ફાગણ વદ દસમ એટલે કે રાજસ્થાનની ચૈત્ર વદિ દશમના મેળામાં હજારો યાત્રાળુઓ એકઠા થાય છે. ચૈત્ર વદિ દશમના રોજ મૂળનાયક ઋષભદેવ ભગવાનના જિનાલયના શિખર પર ધરણાશાહ તથા રત્નાશાહના વંશજોમાંથી કોઇ પણ એક ધજા ચડાવે છે.

એમ કહેવાય છે કે ધરણાશાહ અને રત્નાશાહનું કુટુંબ પાલગઢથી સાદડી આવીને વસ્યું અને તે પછી તેઓ ઘાણેરાવ રહેવા આવ્યા. વર્તમાનમાં આ કુંટુંબના વંશજો ઘાણેરાવ તથા મુંબઇમાં રહે છે અને ધરણાવિહારના શિખર પર ધજા ચડાવવાનો એમનો હક આજ સુધી અકબંધ રહ્યો છે. બાકીની ધજાઓ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ચડાવવામાં આવે છે.

વળી આશ્ચર્યજનક હકીકત અને વિરલ યોગાનુયોગ એ છે કે જેમ ધરણાશાહ અને રત્નાશાહના વંશજો આજે પણ ચૌદમી પેઢીએ નવી ધજા ચડાવે છે, એ પંદરમી સદીમાં સેવા-પૂજા માટે ચિતોડથી પૂજારી(ગોઠી) લાવવામાં આવ્યા હતાં. આજે એના વારસો પૂજારી તરીકે સેવા પૂજા કરે છે. તે જ રીતે શિલ્પી દેપાના વંશજો આજે દે઼રાસરના જિર્ણોદ્ધારનું કાર્ય સંભાળે છે. મંદિરની રાત દિવસની સુરક્ષા ચોકી કરનારની પણ આજે ચૌદમી પેઢી મળે છે. આ ચૌદ પેઢીઓના લોહીમાં વહેતી પરંપરા એમાં બસો વર્ષનો વચ્ચે અવરોધ આવ્યો હોવા છતાં જળવાઇ રહી છે.

આ તીર્થને જોવા માટે આજે ભારત ઉપરાંત અમેરિકા, જાપાન અને અન્ય દેશોમાંથી યાત્રિકો, ભાવિકો અને પ્રવાસીઓ આવે છે. એની ઝીણી કોતરણી અને સૂક્ષ્મ સ્થાપત્ય આખાય વિશ્વને મુગ્ધ કરે છે.

રાણકપુર માટે સુપ્રસિદ્ધ કવિ ઋષભદાસે ગાયુ છે કે,

ગઢ આબુ નવિ ફરસિયો, ન સુણ્યો હીરનો રાસ
રાણકપુર નર નવિ ગયો, ત્રિણ્યે ગર્ભવાસ!
અને એક મજાની લોકવાયકા જેવું વાક્ય
કટકું બટકું ખાજે પણ રાણકપુર જાજે.
આજે પણ વાતાવરણમાં ગૂંજે છે.

વિશેષ માહીતી

ઉપાશ્રય – સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબ માટે ઉતરવા-રહેવાની પૂરી સુવિધા છે.

બસો દ્વારા સંઘો આવવાના પ્રસંગોએ તથા છ’રીપાલિત સંઘો આવવાના પ્રસંગે વિશિષ્ટ આયોજનો પૂજા-મહાપૂજન-ભાવના-ભક્તિ વગેરે થાય છે. ચૈત્રી તથા આસો મહિનામાં નવપદજીની ઓળી આરાધના પણ યોજાય છે.

વર્ષગાંઠ

શ્રી રાણકપુર તીર્થ મૂળનાયક ભગવાનની માહિતી (વર્ષગાંઠ)

મૂળનાયક દાદાની વર્ષગાંઠ કે પ્રતિષ્ઠાનો દિવસ ફાગણ સુદ-5
મુખ્ય ધજા શેઠ ધરણાશાહના વંશજો તરફથી ચઢાવવામાં આવે છે. અને બાકીની ધજાઓ પેઢી તરફથી ચઢાવાય છે.
મૂળનાયક ભગવાનનો જન્મ કલ્યાણક ફાગણ વદ-8
મૂળનાયક ભગવાનનો નિર્વાણ કલ્યાણક પોષ વદ-13

મુખ્ય પ્રસંગો

રાણકપુર તીર્થમાં પ્રતિવર્ષ બે મેળાઓ યોજાય છે. આમાં ફાગણ વદ દસમ એટલે કે રાજસ્થાનની ચૈત્ર વદિ દશમ તથા આસો સુદ તેરસ આ બંને મેળામાં હજારો યાત્રાળુઓ એકઠા થાય છે.

સમયપત્રક

દેરાસરખોલવાનો સમય (શિયાળામાં) સવારે 6-30 કલાકે
માંગલીક કરાવાનો સમય (શિયાળામાં) રાત્રે 8-00 કલાકે
દેરાસર ખોલવાનો સમય (ઉનાળામાં) સવારે 6-00 કલાકે
માંગલીક કરવાનો સમય (ઉનાળામાં) રાત્રે 8-30 કલાકે
તા.1 એપ્રીલ થી 30 સપ્ટેમ્બર સુધીનો સમય તા. 1 ઓક્ટોબર થી 31 માર્ચ સુધીનો સમય
પ્રક્ષાલ પૂજા સવારે 09-00 09-30  
બરાસ પૂજા સવારે 09-30 10-00  
કેસર પૂજા સવારે 09-35 10-05  
ફૂલ પૂજા સવારે 09-40 10-10  
મુગટપૂજા સવારે 09-45 10-15  
આરતી સવારે 10-00 10-20  
મંગળદીપક સવારે 10-05 10-25  
આરતી સાંજે 07-30 07-00  
મંગળદીપક સાંજે 07-35 07-05  
આંગી ચડાવવાનો સમય 4 વાગ્યા પછી ચાંદીના ખોળા ઉપર બાદલા વરખની આંગી કરી ધારણ કરાવવામાં આવે છે.
ધી બોલીનો દર રૂા. 5/- એક મણના

ધર્મશાળા તથા ભોજનશાળા

રાણકપુર તીર્થની યોજનાઓ

તીર્થની કાયમી તિથિ યોજના  
1. અક્ષયતૃતીયા વિશાખ સુદ-3 વરસીતપ પારણા મૂડી ફંડ ખાતે 10,000/-
2. ફાગણ સુદ-5 મંદિર વર્ષગાંઠ દિવસ ફંડ ખાતે 10,000/-
3. કારતક સુદ-15 સ્વામી વાત્સલ્ય ફંડ ખાતે 10,000/-
4. ભોજનશાળા નિભાવ ફંડ ખાતે 25,000/-
5. ભોજનાશાળા કાયમી તિથિ ખાતે 1 ટંકના 5,000/-
6. નવકારશી કાયમી તિથિ ખાતે 1 ટંકના 3,000/-
7. દેરાસરની સાધારણ કાયમી તિથિ ખાતે 3,000/-
8. સર્વસાધારણ કાયમી તિથિ ખાતે 5,000/-
9. ઉકાળેલા પાણીની તિથિ ખાતે 2,500/-
10. કેસર-સુખડ ખાતે 5,000/-
11. દેવદ્રવ્ય તિથિ ખાતે 50,000/-

રાણકપુર આજુબાજુના તિર્થો

મૂછાળા મહાવીર 8696453616 21 કિ.મી.
નાડોલ 02934-240044 40 કિ.મી.
નાડલાઇ 02934-282424 26 કિ.મી.
વરકાણા 02934-222257 32 કિ.મી.
સાદડી 02934-285017 9 કિ.મી.
કુંભલગઢ 110 કિ.મી.
ઘાણેરાવ 02934-284022-13 18 કિ.મી.
ઉદયપુર 0294-2420462 93 કિ.મી.
પાલી 02932-221929/221747 88 કિ.મી.
ફાલના 02938-233109 40 કિ.મી.
સિરોહી 02972-230631 94 કિ.મી.

ફોટો ગેલેરી

શ્રી રાણકપુર તીર્થ – સંપર્ક

શેઠ આણંદજી કલ્યાણજી, રાણકપુર પીન 306 702
રાણકપુર 8696453616
મેનેજરશ્રી (મોબાઈલ)7742014733
સાદડી 02934-285021