આણંદજી કલ્યાણજી પેઢી (પેઢી પરિચય)
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી એટલે ભારતભરના તમામ શ્વેતાંબર જૈન સંઘોનું પ્રતિનિધિત્વ કરતી જાજરમાન સંસ્થા ! આ નામ કોઇ વ્યક્તિ વિશેષના નામ ઉપરથી નથી પડ્યું પરંતુ શ્રી સંઘનું નામ અને કામ સદાય આનંદકારી અને કલ્યાણકારી જ હોય તથા શ્રીસંઘમાં સદૈવ આંનદ અને કલ્યાણ વ્યાપેલા રહે એવા ભાવથી આંનદ અને કલ્યાણ એ બે શબ્દોના જોડાણપૂર્વક આ નામ અસ્તિત્વમાં આવ્યું છે.આ નામ ક્યારે પડ્યું?કોણે પાડ્યું?વગેરે સવાલોના જવાબો માટે જાણવા મળે છે કે-પાલીતાણાના વિ.સં.૧૭૮૭ ના ચોપડામાં પહેલવહેલું શેઠ આણંદજી કલ્યાણજીના નામ મળે છે. વિ.સં.૧૮૧૫ ની સાલમાં તો આણંદજી કલ્યાણજીની પેઢી એવું ચોખ્ખેચોખ્ખું નામ મળે છે.
વરસો પહેલા ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં કારખાના, પેઢી, ખાતું આ શબ્દો જૈન તીર્થોના વહીવટ સાથે જોડાયેલા હતા. આ શબ્દો કોઇ વ્યાવસાયિક પેઢી-ફર્મ કે ઔદ્યોગિક કારખાના-ફેક્ટરીના સંદર્ભમાં પ્રયોજાયા નહોતા-માત્ર વહીવટી કાર્યપ્રણાલીના સૂચક હતા જે સંસ્થાના નામ સાથે જોડાયેલા. ત્યારે ટ્રસ્ટોની વ્યવસ્થા પ્રચલિત હતી નહિ.આજે પણ કેટલેક ઠેકાણે આ નામો ચાલુ રહ્યા છે.
વિ.સં.૧૭૮૭ થી ૧૮૮૦ (ઈ.સન્ ૧૭૩૧-૧૮૨૪) સુધી આ પેઢી મુખ્યત્વે શત્રુંજય તીર્થ સબંધી જ વહીવટ સંભાળતી હતી. ઉપલબ્ધ ઐતિહાસિક પુરાવા અનુસાર વિ.સં ૧૭૮૭ (ઈ.સન્ ૧૭૩૧) થી કામ કરતી એટલે કે 280 કરતા વધારે વરસોથી આ પેઢી કાર્યરત છે. પ્રારંભમાં શ્રી શત્રુંજય મહાતીર્થ સબંધી વહીવટ તથા ધીમે ધીમે આવશ્યકતા અનુસાર અન્ય તીર્થો તથા જિનાલયોનો સુચારુ વહીવટ સંભાળતી આ પેઢીનું સર્વપ્રથમ બંધારણ વિ.સં.૧૯૩૬ ભાદરવા વદ ૧ ઈ.સન્ ૧૯-૦૬-૧૮૮૦ ના દિવસે ૨૩ ગામના ૩૨ પ્રતિનિધિઓ તથા અન્ય કુલે ૧૦૩ મહાનુભાવોની હાજરીમાં અમદાવાદના નગરશેઠ રાવબહાદુર પ્રેમાભાઈ હેમાભાઈના અધ્યક્ષસ્થાને રચાયું.
વિ.સં.૧૯૬૮ ઈ.સન્ ૧૯૧૨ના ૨૮-૨૯-૩૦ ડિસેમ્બરના આયોજિત ત્રિ-દિવસીય સભામાં સમગ્ર ભારતભરના ૯૦ જૈન સંઘોના ૧૧૦ પ્રતિનિધિઓના ઠરાવ સાથે આ પેઢી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા બની.
પેઢીની શરૂઆત થઈ ત્યારથી જ પેઢીનું નામ અને કામ ધીરે ધીરે વિસ્તરવા લાગ્યું હતું અને આજે તો જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘમાં અત્યંત લોકપ્રિય થઈ પડ્યું છે. શ્રીસંઘના હિતને સ્પર્શતો કોઈપણ ધાર્મિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે શ્રી સંઘનો ખ્યાલ સહુથી પહેલા શેઠ આંણદજી કલ્યાણજીની પેઢી તરફ જાય છે અને મોટે ભાગે પેઢીની દોરવણી મુજબ જ એ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.પેઢીએ અઢીસો વર્ષથી પણ લાંબા સમયથી તીર્થરક્ષા પ્રાચીન દેરાસરોના જીર્ણોદ્ધાર વગેરે કાર્યો સંપૂર્ણતયા સમર્પિતપણે તથા દીર્ઘદ્રષ્ટિથી કરતા રહીને યશસ્વી સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેઢીઓથી પીઢ અને અનુભવસમુદ્ઘ આ સંસ્થા ચતુર્વિધસંઘની સેવામાં સમર્પિત છે.
પેઢી શરૂઆતથી જ અમદાવાદનાં પ્રખ્યાત મોગલકાલીન ઝવેરી શાંતિદાસ શેષકરણ શેઠના વંશજો કે જે નગરશેઠ પરિવાર તરીકે સંઘ, સમાજ અને જ્ઞાતિનાં ધોરણે પ્રમુખ સ્થાન ધરાવતા હતા તેમનાથી તથા અમદાવાદ શહેરના શ્રીસંઘના અગ્રણી શ્રાવકોથી જ સંચાલિત થતી રહી છે. એના ઐતિહાસિક પુરાવાઓ પ્રાપ્ત થાય છે. આજે પણ પેઢીનું મુખ્ય કાર્યાલય અમદાવાદમાં છે. વહીવટદાર પ્રતિનિધિઓ અમદાવાદના જૈન સંઘના મોભી એવા શ્રેષ્ઠીઓ છે અને દર પંદર દિવસે નિયમિત રૂપે તેમની મિટીંગો થાય છે જેમાં વહીવટી નિર્ણયો તથા સંચાલનની સમગ્ર પ્રક્રિયાની સમુચિત સમીક્ષા કરાય છે. આ ઉપરાંત સ્થાનિક તથા અન્ય પ્રાદેશિક પ્રતિનિધિઓની સભાઓ પણ સમયાંતરે બોલાવવામાં આવે છે. અત્યારે દેશભરમાં ૧૧૦ જેટલા પ્રતિનિધિઓ આ પેઢી સાથે જોડાયેલા છે.
આણંદજી કલ્યાણજી પેઢી પ્રારંભમાં માત્ર શ્રી શત્રુંજય મહાતીર્થના સંરક્ષણ, વિકાસ અને તીર્થ સબંધી તમામ પ્રશ્નો સાથે સંકળાયેલી હતી.પણ વિ.સં.૧૯૬૩, (ઈ.સન્ ૧૯૦૭) થી પેઢી પાસે જુદા જુદા સમયે અન્ય તીર્થોના વહીવટો પણ આવતા ગયા. જેની માહિતી આ પ્રમાણે છે.
આ પેઢીનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પવિત્ર તીર્થ સ્થાનો તથા જિનમંદિરો, જિનબિંબો વગેરેની સાચવણી કરવાનું તથા તેને લગતા હક્કોની જાળવણી કરવાનું છે
તીર્થ | પેઢી હસ્તક વહીવટ આવ્યાનું વર્ષ વિ.સં | ઈ.સન્ |
---|---|---|
રાણકપુર(રાજસ્થાન) | ૧૯૫૩ | ૧૮૯૭ |
ગિરનાર(ગુજરાત) | ૧૯૬૩ | ૧૯૦૭ |
તારંગા(ગુજરાત) | ૧૯૭૭ | ૧૯૨૧ |
મક્ષી(મધ્યપ્રદેશ) | ૧૯૭૭ | ૧૯૨૧ |
કુંભારીયાજી(ગુજરાત) | ૧૯૭૭ | ૧૯૨૧ |
શેરીસા(ગુજરાત) | ૧૯૮૪ | ૧૯૨૮ |
વામજ(ગુજરાત) | ૧૯૯૬ | ૧૯૪૦ |
મુછાળા મહાવીર(રાજસ્થાન) | ૨૦૨૦ | ૧૯૬૪ |
પેઢી ના અન્ય કાર્યક્ષેત્રો
જૈન શાસનના સાતેય ક્ષેત્રોના યોગક્ષેમ માટે નિરંતર જાગ્રત અને પ્રયત્નશીલ રહેવું એ પેઢીનું મુખ્ય ધ્યેય છે. શ્રી સંઘની ધર્મભાવના ટકાવી રાખવા તથા વધારવા માટે જ્યાં નૂતન જિનમંદિર બનાવવાની જરૂર જણાય તો તે માટે પણ પેઢી તરફથી જરૂરી માર્ગદર્શન તેમજ સહયોગ આપવામાં આવે છે.
કલ્યાણકભૂમિના, તીર્થોના જિર્ણોદ્ધારમાં પણ પેઢીનું યોગદાન મહત્વનું રહ્યું છે.
પેઢીની અન્ય મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં તીર્થોના સંરક્ષણ, શ્રુતસંરક્ષણ,જીવદયા પાંજરાપોળ,સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, સાધાર્મિકોની ભક્તિ વગેરેનો સમાવેશ થાય છે.
પેઢીએ અમદાવાદનાં જિનાલયો માટે સુરક્ષા હેતુથી ગોદરેજ કંપની પાસેથી તાળાઓની વ્યવસ્થાઓ તૈયાર કરાવીને અમદાવાદના 150થી વધારે દેરાસરો માટે એ વ્યવસ્થાનો લાભ લીધો. હવે ભારતભરના તમામ સંઘો માટે આ વ્યવસ્થા તબક્કાવાર ઉપલબ્ધ કરાવવા માટેનું આયોજન કરાયું છે.
પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને આહાર-પાણી માટે લાકડાના પાતરાઓ તથા એને રંગવા માટે જરૂરી સાધનોની વ્યવસ્થા પણ પેઢીએ રાખી છે. અને તમામ પૂજ્યોને પાતરા વગેરે અર્પણ કરીને પેઢી વૈયાવચ્ચનો લાભ લે છે.
પૂજ્ય સાધુ-સાધ્વીજી જ્યારે કાળધર્મ પામે ત્યારે એમના પુણ્યદેહને અગ્નિસંસ્કાર આપતી વખતે ચંદનના લાકડા અર્પણ કરવામાં પણ પેઢી સર્કિય લાભ લે છે. આ માટે પાલીતાણા તથા અમદાવાદના ‘પાલખી મંડળ’ સાથે સહયોગ કરીને તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.
સાધાર્મિક ભક્તિ શ્રેત્રે અપુરતી આજીવિકા વચ્ચે જીવનારા સાધર્મિક ભાઇ બહેનો માટે પેઢી પોતે પણ પોતાની નિશ્ચિત મર્યાદામાં કામ કરે છે. ઉપરાંત આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને ઉદારતા પૂર્વક આર્થિક સહયોગ આપીને સાધાર્મિક સહયોગની પ્રવૃતિને વેગ આવે છે.
ભારતભરના શ્વેતાંબર પરંપરાના તીર્થો-સંઘો-દેરાસરોને વિવિધ રીતે સહયોગી બનવાની પેઢીની પરંપરા રહી છે.
શ્રી સંઘના અન્ય અગ્રણીઓ અને અમદાવાદ પેઢીના કાર્યવાહકો સમયે સમયે પૂજ્યો સાથે વ્યક્તિગત સંપર્ક કરીને તથા પત્ર વ્યવહાર દ્વારા સંઘને અને સંઘની સંસ્થાઓને સ્પર્શતા પ્રશ્નો માટે માર્ગ દર્શન મેળવે છે. વિચારોની આપલે કરે છે અને પ્રારંભના વર્ષોથી જ પેઢીને ત્યારના મહાન આચાર્ય ભગવંત શાસન સમ્રાટ પૂજ્ય નેમિસૂરીશ્વરજી મહારાજનું માર્ગદર્શન મળતું રહ્યું. તારંગા, શેરિસા, રાણકપુર, શત્રુંજય, ગિરનાર, વામજ, મક્ષીજી, મુછાળા મહાવીર વગેરે અનેક તીર્થોની વ્યવસ્થા એમની પ્રેરણા અને આશીર્વાદથી જ પેઢીએ સંભાળ્યા આ માટે 7મી મે 1914ના પેઢીના ત્યારના પ્રમુખ શ્રેષ્ઠિશ્રી કસ્તૂરભાઇ લાલભાઇ એ પૂજ્ય નેમિસૂરિશ્વરજી મહારાજ ઉપર લખેલો પત્ર આપણને ઘણું કહી જાય છે. વર્તમાનમાં પેઢીને તમામ આચાર્ય ભગવંતો પદસ્થ મુનિભગવંતો, સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રાપ્ત થતા રહે છે. પેઢી પોતાની પરંપરા અને પ્રણાલિકાની મર્યાદામાં રહીને ચતુર્વિધ સંઘની સેવામાં કાર્યરત છે.
હાલમાં પેઢીના પ્રમુખ અને અન્ય ૭ ટ્રસ્ટીઓ દ્વારા પેઢીનો સમગ્ર વહીવટ સુચારૂ પેઠે ચલાવવામાં આવે છે