માહીતી

અમદાવાદથી આશરે35 કિ.મી. અને કલોલથી 6 કિલોમિટર દૂર વામજ ગામ છે. સેરીશા તીર્થની નજદીક આવેલું આ વામજ તીર્થ શેરીસાના જોડીયા તીર્થ  તરીકે પ્રસિદ્ધ છે. તેથી શેરીસા-વામજ તીર્થ એવો વ્યવહાર પણ થાય છે. આ તીર્થમાં મૂળનાયક પૂ. પરમાત્માશ્રી આદીશ્વર ભગવાન છે. આ પ્રતિમાજી પ્રાચીન છે. ગામમાં ત્રિભોવન કણબીના ઘર પાસેથી ખોદતાં સંવત 1979ના માગશર વદિ-5ને શનિવારે પ્રતિમાજી નીકળ્યાં હતા. આ પ્રતિમાજી સંપ્રતિ મહારાજાના વખતનું હોવાનું મનાય છે.  આ સાથે ચાર કાઉસગ્ગીયા, બે ઇન્દ્રણી દેવીની મૂર્તિ, બે ખંડિત ઇન્દ્રની મૂર્તિ પણ મળી આવી હતી. કહેવાય છેકે પૂર્વે અહીં ભવ્ય જિનાલય હતું. તે જિનાલયની અંદર ભોયરૂ હતું તેનો સંબંધ સેરીશા તીર્થ સાથે હતો, પરંતુ મોગલોના આક્રમણને કારણે આ તીર્થનો પણ વિનાશ થયો અને બધુંજ અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. પૂર્વના જિનાલયના કેટલાંક અંશો જેવાકે પરિકર તથા મૂર્તિના ભાગો વામજના જ એક મંદિરમાં મુકાયેલા હતા.

સંવત 1996(ઇસ્વીસન્ 1940)  વામજ ગામામાં શેઠશ્રી ડાહ્યાભાઇ કપુરચંદ ઝવેરીએ નવું દેરાસર નિર્માણ કરાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ તીર્થનો વહીવટ પેઢીને સોંપવાંમાં આવ્યો હતો. નૂતન  જિનાલયમાં વિક્રમસંવત2002 (ઇસ્વીસન્ 1946)માં વૈશાખ વદિ 13ને દિવસે સૂરિસમ્રાટ આચાર્ય ભગવંત શ્રીમદ્  વિજય નેમિસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્યરત્ન મહાન સંયમી આચાર્યભગવંત શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી  મહારાજસાહેબના હસ્તે પ્રતિષ્ડા કરવામાં આવી હતી. આ તીર્થ સેરીશાથી 10 કિલોમિટર તથા કલોલથી 6 કિલોમિટરના  અંતરે આવેલું છે.

વિશેષ નોંધ:- આ તીર્થમાં ધર્મશાળા, ભોજનશાળા વગેરેની સગવડતા નથી. મોટાભાગે યાત્રિકો શેરીસા રોકાઇને અથવા અમદાવાદ જતા આવતા અહીં દર્શનાર્થે આવતા હોય છે.  

સરનામું- શેઠ આણંદજી કલ્યાણજી, વામજ-પીન- 382 721 વાયા કલોલ