મૂછાળા મહાવીર તીર્થ

રાજસ્થાનની ભૂમિ વીરોની ભૂમિ તરીકે સુપ્રસિદ્ધ છે તેવીજ રીતે ભક્તિ અને સ્થાપત્યની દ્રષ્ટિેએ પણ સુવિખ્યાત છે. આ ભૂમિ ઉપર વિદ્યમાન અનેક અદભૂત જિનાલયો અને ભવ્ય મહેલો તેની સાક્ષી પૂરે છે. આસ્થા, ભક્તિ અને સમર્પણના પરિપાક રૂપે નિર્મિત થયેલાં બેનમૂન જિનાલયો આ ભૂમિના અલંકાર રૂપે શોભી રહ્યાં છે. ભક્તિથી અદભૂત પ્રસંગો આકાર લેતા હોય છે. આસ્થા અને ભક્તિના સંગમ સ્વરૂપ ઘાણેરાવ નજીક મૂછાળા મહાવીર નામનું એક તીર્થ સુપ્રસિદ્ધ છે.

આ તીર્થ ઘાણેરાવથી તદ્દન નજીર આશરે 5 કિ.મી. ના અંતરે અને સાદડીથી આશરે 10 કિ.મી.ના અંતરે આવેલું છે. આ તીર્થ પ્રાચીન છે અને તેને ફરતે અનેક આશ્ચર્યકારી ઘટનાઓ વીંટળાયેલી છે. ચોવીસ જિનાલય યુક્ત જિનમંદિરમાં મૂળનાયક ચરમ શાસનનાયક પરમાત્મા મહાવીર સ્વામી બિરાજમાન છે. ભમતીમાં રહેલી ચોવીસ દેરીમાં કુલ મળીને 54 જિન પ્રતિમાજીઓ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે. આ જિનમંદિરમાં કોઇ પ્રાચીન લેખો ઉપલબ્ધ થતા નથી, છતાંય મૂર્તિની પ્રાચીનતા પ્રત્યક્ષ અનુભવાય છે. મૂર્તિ ઉપર પણ કોઇ લેખ પ્રાપ્ત થતો નથી તેમ છતાં અહીંની લોકવાયકા પ્રમાણે આ પ્રતિમાજી નંદિવર્ધન રાજાએ ભરાવી હતી. આથી સુંદર પરિકરયુક્ત સફેદ રંગના આરસની આ પ્રતિમાજીની પ્રાચીનતા જ સ્પષ્ટ થાય છે. આ પ્રતિમાજી ઘણા સ્થાને ખંડિત થઇ હોવાથી વર્ષો પૂર્વે બીજી પ્રતિમાજી પ્રતિષ્ઠિત કરવા માટે લાવવામાં આવી હતી. પરંતુ મુળનાયક ભગવાનની પ્રતિમાજીને ગાદી પરથી ઉઠાવી શકાયા નહીં તેથી આખરે નવા પ્રતિમાજીને બાજુની દેરીમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી.

ઘાણેરાવ આદિ વિસ્તારમાં આ પ્રતિમાજીનો ચમત્કારિક પ્રભાવ ફેલાયેલો છે. જેવો પ્રભાવ કેશરિયાજી તીર્થનો કે શંખેશ્વરજી તીર્થનો છે તેવોજ પ્રભાવ આ તીર્થનો પણ છે. આ તીર્થના અઘિષ્ઠાયક દેવ પ્રગટ પ્રભાવી છે અને લોકોની માનતા પરિપૂર્ણ કરે છે તેવી આસ્થા અહીંના લોકોમાં વ્યાપક છે. અહીં કારતક વદ એકમનો તથા ચૈત્ર સુદ તેરસનો મેળો ભરાય છે. આ સમયે હજારો લોકો અહીં પરમાત્માના દર્શને આવે છે. મૂળનાયક મહાવીરસ્વામી ભગવાન મૂછાળા મહાવીર તરીકે સુપ્રસિદ્ધ છે. પરમાત્માની પ્રતિમા મૂછાળા મહાવીર તરીકે પ્રસિદ્ધ પામી તેની પાછળ એક દંતકથા પ્રચલિત છે.

એક વખત કુંભલગઢના મહારાજા શિકાર કરવા નીકળ્યા હતા. ફરતા ફરતા અહીં આવી ચડ્યાં. તેઓ ધર્મશાળાના ઓટલા ઉપર વિશ્રામ લઇ રહ્યા હતાં ત્યારે પુજારીએ તિલક કરવા કેસર આપ્યું. કેસરની વાટકીમાં વાળ દેખાયો. વાળ જોતા જ રાજપુરૂષોએ પૂજારીને ઠપકો આપતાં અને મજાક કરતાં કહ્યું કે ‘પૂજારીજી! તમારા ભગવાનને દાઢીમૂછ છે?’ દાઢીમૂછ ન હોયતો આ કેસરની વાટકીમાં વાળ ક્યાંથી આવે? ‘પૂજારીથી આ પરિહાસ સહન ન થયો તેથી તેણે પણ પ્રત્યુત્તરમાં જણાવ્યું ‘હા મહારાજા! મારા ભગવાનને દાઢીમૂછ છે અને તેઓ અનેક રૂપ ધારણ કરવા સમર્થ છે.’ રાજાજી જવાબ સાંભળી હસી પડયા અને કહ્યું કે હું અત્યારે તો શિકાર કરવા નીકળ્યો છું.ત્રણેક દિવસમાં પાછો ફરીશ ત્યારે તારા દાઢીમૂછ વાળા ભગવાનના દર્શન કરાવજે. આથી પૂ્જારીએ ભક્તિપૂર્વક પરમાત્માને પાસે આવી નમન કરી વિનંતી કરી કે ‘હે ભગવાન! રાજા પાછા ફરે ત્યારે આપના દાઢીમૂછ સહિતના દર્શન આપજો. આપ જ્યાં સુધી આપના સ્વરૂપના દર્શન નહીં આપો ત્યાં સુધી હું અન્નજળ ગ્રહણ નહીં કરું. આમ મનોમન સંકલ્પ કરી પૂજારી ત્યાં જ પરમાત્મા પાસે ભક્તિ કરતો બેસી રહ્યો. અઠ્ઠમ તપ થઇ ગયો. ત્રીજા દિવસે સાંજે અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા અને જણાવ્યું કે ‘રાજાજીને કાલે દર્શન કરાવજો, પ્રભુ દાઢીમૂછ સહિત દર્શન દેશે’ પૂજારીને સંતોષ થયો. ચોથા દિવસે સવારે રાજા પધાર્યા. પૂજારી રાજાને ભાવપૂર્વક પરમાત્મા પાસે લઇ આવ્યા. તેમને પરમાત્માના દાઢીમૂછ સહિતના દર્શન થયા.મૂર્તિને દાઢીમૂછ નિહાળી રાજા આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. રાજાએ વિચાર્યું કે આમાં પૂજારીનું કાંઇક કારસ્તાન લાગે છે. એટલે તેમણે પરમાત્માની પ્રતિમા ઉપરનો મૂછનો વાળ ખેંચ્યો. વાળ ખેંચતા જ ત્યાંથી દૂધની ધારા વહેવા લાગી. પરમાત્માની આવી અદભૂત પ્રતિમા રાજાએ જોઇ ત્યારથી લોકમાં આ તીર્થ મૂછાળા મહાવીર તરીકે પ્રસિદ્ધ થયું.

આ તીર્થની આજુબાજુ જંગલ છે. રમણીય કુદરતી વાતાવરણ છે. આ તીર્થનો વહીવટ સમસ્ત ઘાણેરાવ સંઘવતી સંઘના અગ્રણી શ્રીજાવંતરાજજી ચાવડા વગેરેએ પેઢીને સોંપવામાટે 1962માં પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇ સાથે રાણકપુર તીર્થમાં વિચાર વિમર્શ કરીને વહીવટ સંભાળવા માટે વિનંતી કરી હતી પેઢીએ તા, 04-05-1964ના દિવસે આ તીર્થનો વહીવટ સંભાળ્યો. ત્યારથી પેઢી દ્વારા તીર્થના દેરાસર, ધર્મશાળા વગેરેની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં પેઢી દ્વારા જિનાલયનો જિર્ણોદ્ધાર ચાલી રહ્યો છે. આમ આ તીર્થ અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે.

વિશેષ માહીતી

ઉપાશ્રય સાધુ મહારાજ માટે પહેલેમાળ તેમજ સાધ્વીજી મહારાજ સાહેબ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર સગવડ છે.