પ્રસંગો

શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણા ખાતે વર્ષ દરમિયાન આશરે 6 લાખ જેટલા જૈનો-જૈનેતર યાત્રિકો યાત્રાએ આવે છે. વર્ષ દરમિયાન નીચે મુજબના પ્રસંગો-ઉત્સવો ઉજવાય છે.

મોટી યાત્રાના દિવસો

(1) કારતક સુદ-15 (2) ચૈત્ર સુદ-15 (3) અષાઢ સુદ-14

આ દિવસો દરમિયાન 25 થી 50 હજાર જેટલા યાત્રિકો પધારે છે.

ઉત્સવો

(1) ફાગણ સુદ-13 શ્રી શત્રુંજય તીર્થ-સિદ્ધાચલજીની છ ગાઉની યાત્રા

આ દિવસે આશરે એક લાખ કરતા પણ વધુ યાત્રિકો આ તીર્થમાં આવે છે. છ ગાઉની યાત્રાની શરૂઆત શ્રી શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઈ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂંકમાં દર્શન કરીને ત્યાંથી શ્રી શત્રુંજય તીર્થની પ્રદક્ષિણા કરીને ઘેટીપાગ (ઘેટીગામ) થઈ આદિપુર ગામ કે જ્યાં શ્રી આદિશ્વર દાદાનાં પગલાંની દેરી છે ત્યાં પુરી થાય છે. યાત્રા પુરી થાય તે સ્થળે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી દર વરસે બંધાતા પાલમાં પેઢી તરફથી તથા જુદા જુદા ગામ-શહેરના જૈનસંઘો તરફથી દહીં-ઢેબરાં-બૂંદી-ગાંઠીયા-મેસુર-દૂધ-સાકરપાણી વગેરેની વિના મૂલ્યે ભક્તિ કરવામાં આવે છે.

(2) ફાગણ વદ-8

આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર આદીશ્વર દાદાના તથા અન્ય જિન પ્રતિમાજીઓના અઢાર અભિષેકની વિધિ થાય છે. આ પ્રસંગે વૈશાખ વદ-6ના પૂ.આદીશ્વર દાદાના દહેરાસરજીની વર્ષગાંઠ પ્રસંગે મોટી સંખ્યામાં યાત્રાળુઓ લાભ લે છે.

(3) વૈશાખ સુદ-3 (અક્ષય તૃતિયા)

આ પવિત્ર દિવસે વર્ષીતપના તપસ્વીઓ પારણા કરવા માટે પાલીતાણા મુકામે સગાસંબંધીઓ સાથે આવે છે. વર્ષીતપની તપશ્ચર્યામાં એક દિવસ નકોરડો ઉપવાસ અને એક દિવસ બેસણું (બે ટંકનું ભોજન) એ રીતે આખા વર્ષનું તપ કરવાનું હોય છે. આ દિવસે તપસ્વીઓ શ્રી શત્રુંજય તીર્થ ઉપર જઈ આદીશ્વર દાદાની ઈક્ષુરસ (શેરડીનો રસ)થી પ્રક્ષાલપૂજાનો લાભ લઈ પાલીતાણામાં પારણું કરે છે. આ દિવસે આશરે 1 લાખ જેટલા યાત્રિકો પાલીતાણા આવે છે. પારણાની વ્યવસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કરવામાં આવે છે.