શ્રી શત્રુંજય ગિરિરાજ–પાલીતાણા તીર્થની માહિતી

ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના સોરઠ (સૌરાષ્ટ્ર-સુરાષ્ટ્ર) નામથી જાણીતા વિસ્તારના અગ્નિકોણમાં સ્થિત શત્રુંજયગિરિનું સ્થાન જૈન તીર્થોની શ્રેણીમાં સિરમોર સ્થાને છે. પ્રાચીન આગમોમાં સિદ્ધક્ષેત્ર તરીકે સંજ્ઞાપિત અને સમગ્ર જનસમૂહમાં શાશ્વતગિરિ તરીકે સુવિખ્યાત આ તીર્થની યાત્રા એ પ્રત્યેક જૈન માટે જીવનનું અણમોલ સપનું હોય છે. જીવનનું પરમ ધ્યેય હોય છે.

પાલીતાણા

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં સ્થિત પાલીતાણા એ સમુદ્ર-સ્તરથી ૬૬ મીટર એટલે ૨૧૭ ફૂટ ઉંચાઈ ઉપર ૧૩ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું સોહામણું નગર છે. ઈસ્વી સન ૨૦૧૧ ની વસતિ ગણતરી પ્રમાણે એની જનસંખ્યા ૧.૭૫ લાખની છે.એમાં ૫૨ ટકા પુરુષો તથા ૪૮ ટકા મહિલાઓ છે.૧૫ ટકા વસતિ ૬ વરસથી નીચેની વયના બાળકોની છે.ભણતરનાં આંક પ્રમાણે પુરુષોમાં ૫૯. ટકા અને મહિલાઓમાં ૫૭ ટકા સાક્ષરતા છે.અમદાવાદથી ૨૨૫ અને ભાવનગરથી દક્ષિણ પશ્ચિમમાં ૫૧ કિલોમીટર આવેલા પાલીતાણાનગરનો પ્રાણ છે શત્રુંજયનો ઊંચો ઊંચો ડૂંગર ! પાલીતાણા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી અંદાજે ૨ કિલોમિટર જેટલો લાંબો રસ્તો કે જેની બંને બાજુ ગામ વસ્યું છે અને જાત જાતની વસ્તુઓના બજાર વિકસ્યા છે. એકથી એક ચઢિયાતી સગવડતાઓ સાથેની ૧૩૦ જેટલી ધર્મશાળાઓની હારમાળા પથરાયેલી છે. આ બે કિલોમીટરનો રસ્તો પસાર કરો એટલે આવે શત્રુંજય પર્વતની તળેટી!!!

જૂની તળેટીઓ તથા જય તળેટી

તળેટી એટલે કોઈ પણ પર્વત ઉપર ચઢવાનો પ્રારંભ જ્યાંથી થતો હોય અને વ્યવસ્થિત પગથિયા બનાવેલ હોય કે ઉબડ ખાબડ પથરા ગોઠવેલા હોય એ ભૂમિને તળેટી તરીકે ઓળખવામાં આવે છે. કયાંક અને પાજ અથવા પાગ પણ કહેવામાં આવે છે.પાજ એટલે નિશ્ચિત બાંધેલી જગ્યા ! જેમ કે ઘેટી ગામ તરફથી ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તાના પ્રારંભને ઘેટી પાગ કહેવામાં આવે છે. આમ તો એ પણ તળેટી જ કહેવાતી હતી.

પૂર્વ કાળમાં પહેલી તળેટી ‘વડનગર’ હતી. પછી બીજી તળેટી વલ્લભીપુર-વળાથી પ્રખ્યાત થઇ. તે પછી સમયના પ્રવાહ સાથે વહેતા તળેટી આદપુરથી પ્રારંભ થઇ, ચોથી તળેટી પાલીતાણાની થઇ, અને પાંચમી તળેટી એટલે હાલમાની ‘જય તલેટી’ જે અત્યારે પ્રચલિત છે. રણસી દેવરાજની ઘર્મશાળાની બાજુમાં એક રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે તેને પણ જૂની તળેટી કહે છે. વળી કંકુબાઇની ઘર્મશાળા પાસે જૂની વિજય તળેટીનો ઓટલો કહેવાય છે, તેની ઉપર શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૈાતમસ્વામી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે, તેને પણ જૂની તળેટી કહે છે. આમ તળેટી અંગે જે તે સમયે જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ અસ્તિત્વમા આવી. વર્તમાનમા છેલ્લા 100-200 વરસથી કે તેથી પણ વધારે સમયથી પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવાનો માર્ગ જય તળેટીનો નિશ્ચિત અને એક જ જાણીતો થઈ જવાથી તે ભાગ બહુ પ્રખ્યાતિ પામ્યો.સમયે સમયે દર્શનાર્થી યાત્રિકો માટે આરાધના પૂજા પાઠ વગેરે સગવડતા તથા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પેઢી તરફથી એને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે. વરસો પહેલા જયતલાટીનો ઓટલો ખુલ્લો હતો. તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઇ વખતચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. જ્યારે ડાબી બાજુએ ઘોલેરાવાળા શેઠ વીરચંદ ભાઇચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. તળેટીનો મોટો ચોક હવે મંડપ –તોરણ, થાંભલા અને કમાનોથી સુશોભિત થવાના લીધે ખૂબજ ભવ્ય લાગે છે. થોડાક જ પગથીયા ઉપર ચઢીને હોલમાં પ્રવેશતા સામે જ કુલ ૧૧ દેરીઓની સ્થાપના છે. ઓટલા ઉપરની બઘી દેરીઓ જુની અને જીર્ણ થઈ જવાથી વિ.સં. 2034માં આણંદજી કલ્યાણજી પેઢીએ જીર્ણોદ્ધાર કરાવીને સુંદર,શોભાયમાન દેરીઓ ફરી નિર્મિત કરાવીને તેની પુન:પ્રતિષ્ઠા કરાવી.

પ્રત્યેક દેરીમાં ભગવાન ઋષભદેવ તથા અન્ય તીર્થંકરોની ચરણ પાદુકાઓ છે.ધ્વજદંડ તથા એના ઉપર લહેરાતી નાની નાની ધજાઓથી શોભતી (સિદ્ધશિલા) વચલી દેરીનું શિખર મોટું અને કલાત્મક બનાવાવ્યું છે. દેરીઓના આગળના ભાગમાં ગિરિરાજની પાષાણ-શિલાઓનો હિસ્સો પણ ખુલ્લો રખાયેલો છે યાત્રિકો દ્વારા તેની ભક્તિભાવથી પૂજા કરાય છે .વંદાય છે તથા શણગારાય છે. યાત્રાના પ્રારંભમાં અહી સ્તુતિ સ્તવના તથા ચૈત્યવંદન કરવું અતિ મહત્વનું તથા શુભ મનાય છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શત્રુંજયના સાદને સાંભળીને દોડી આવેલા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજોને ભાવસભર બનીને દર્શન વંદન કરતા જોવા, યાત્રિક ભાઈ બહેનોને ચોખાના સાથિયા પૂરતા અને શબ્દોના તેલ ને પૂરી સ્વરના દીવડાઓ પેટાવવા પૂર્વક પ્રભુના ગુણ ગાતા જોવા એ મધુરો લહાવો છે. ભાવભરી ભક્તિ-વંદના કરીને પર્વત ઉપર બિરાજમાન દાદા આદિનાથના દર્શન કરવા માટે જય અદિનાથ, જય દાદા, જય શત્રુંજય, જય સિધ્ધગિરિ, જેવા હર્ષોલ્લાસભર્યા ઉદ્દગારો સાથે યાત્રિકો તળેટીથી આરંભ થતા પગથીયે ડગલા મૂકે છે અને આમ આરંભાય છે શાશ્વતગિરિની યાત્રા !

તળેટીની ઉપર ધનવસહીની ટૂંકના નામે પ્રખ્યાત જિનાલય મુર્શિદાબાદના નિવાસી રાય ઘનપતસિંહજી તથા લખપતસિંહજી બાબુ નામના બે ભાઇઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેય નિમિત્તે બંઘાવરાવ્યુ હતું, જેની પ્રતિષ્ઠા વિ.સં ૧૯૫૦માં મહા સુદિ દશમના રોજ કરવામાં આવી હતી.આ દેરાસરમાં દાદા આદીશ્વરજી, પુંડરિક સ્વામીની પ્રતિમા તથા રાયણ પગલા જળમંદિર વગેરેની સ્થાપના થયેલી છે. યાત્રીકો એના દર્શન કરીને આગળ વધે છે. ડૂંગર ઉપર ચઢાવા માટે અક્ષમ લોકો આ ટૂંકની યાત્રા કરીને પણ પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે. અને યાત્રા કર્યાનો સંતોષ માને છે.આજુબાજુ અન્ય દેવકુલિકાઓમાં જિન પ્રતિમાઓ તથા જિન પાદુકાઓની સ્થાપના થયેલી છે. ધનવસહીની ટૂંક તથા તળેટીની દેરીઓ વચ્ચે નળિયા કચ્છ નિવાસી ગોવિંદજી જેવત હિરજી ખોના દ્વારા નિર્મિત 15મા તીર્થંકર ધર્મનાથ ભગવાનનું જિનાલય પણ આવેલું છે ઉપર ચઢતા જમણી બાજૂએ પૂજ્ય પન્યાસજી કલ્યાણવિમલજીના ઉપદેશથી નિર્મિત સરસ્વતી ગુફા નામે વિખ્યાત સાધના ભૂમિ પણ અહીં છે,જ્યાં સરસ્વતીમાતાની મનોહારી પ્રતિમા છે.અહી અનેક સાધકો શ્રુતદેવીની ઉપાસના કરતા હોય છે.સમીપમાં નિર્મિત 108 સમવસરણ જૈન મંદિરની વિશાલકાય રચના સૌના હૃદયને ભક્તિભાવથી ભરી દે છે.. આમાં 108 તીર્થોના ચિત્રપટ્ટો, 108 પાર્શ્વનાથની પ્રતિમાઓ તથા અન્ય જૈન કથા પ્રસંગોના 108 ચિત્ર પટ્ટોનું આલેખન કરવામાં આવ્યું છે. સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકારુપ ચતુર્વિધ સંધના 4 અંગોના 27-27 પ્રસંગોના આલેખન યુક્ત 108 ચિત્રપટો બનેલા છે. આ જિનાલયનું નિર્માણ વિ.સં.2024માં કરવામાં આવ્યું છે.

યાત્રાનો આરંભ
દાદાના દર્શન
શત્રુંજયનો ઇતિહાસ
શત્રુંજયતીર્થ-વહીવટ અને સંરક્ષણ
શત્રુંજય મહાતીર્થના વિકાસ કાર્યો
ભાવયાત્રા
નવ ટૂંક
ઘેટીપાગ યાત્રા પરિચય
શ્રી ગિરિરાજની ૩ પ્રદક્ષિણાઓ
યાત્રિકોની ભાતા-ભક્તિ
ઉજવાતા મહત્વના દિવસો
મોક્ષે ગયેલા આત્માઓ
શત્રુંજય ઉદ્ધાર
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય અંગે સાહિત્ય